Not Set/ સ્પેથોડિઆ એક રૂઆબદાર અને સદાબહાર લીલુંછમ રહેતું બગીચામાં પોતાનું આગવું સ્થાન ધરાવતું વૃક્ષ છે

મૂળભૂત આફ્રિકાનું વૃક્ષ છે જે હવે બગીચાના વૃક્ષ તરીકે ભારત, એશિયા અને અમેરિકાના ઉષ્ણકટિબદ્ધ વિસ્તારોમાં ખુબ સારી રીતે પોતાનું આગવું સ્થાન બનાવી દીધેલું છે. છેલ્લી સદીમાં આ ધ્યાનાકર્ષક વૃક્ષ લાવવામાં આવ્યું તેવી તેના વિષે નોંધ છે અને આવ્યું ત્યારથી ખુબ પ્રચલિત બની ગયું છે.

Trending Mantavya Vishesh

@જગત કિનખાબવાલા (સ્પેરો મેન)

ભવ્ય, રૂઆબદાર અને સદાબહાર સ્પેથોડિઆ (Spathodea Campanualata / African Tulip Tree / Scarlet bell tree)

સ્પેથોડિઆ એક રૂઆબદાર અને સદાબહાર લીલુંછમ રહેતું બગીચામાં પોતાનું આગવું સ્થાન ધરાવતું વૃક્ષ છે. સૂકા પ્રદેશમાં ખુબ સારી રીતે ઉછરે છે. મૂળભૂત આફ્રિકાનું વૃક્ષ છે જે હવે બગીચાના વૃક્ષ તરીકે ભારત, એશિયા અને અમેરિકાના ઉષ્ણકટિબદ્ધ વિસ્તારોમાં ખુબ સારી રીતે પોતાનું આગવું સ્થાન બનાવી દીધેલું છે. છેલ્લી સદીમાં આ ધ્યાનાકર્ષક વૃક્ષ લાવવામાં આવ્યું તેવી તેના વિષે નોંધ છે અને આવ્યું ત્યારથી ખુબ પ્રચલિત બની ગયું છે.

સારી અને ફળદ્રુપ જમીનમાં ૨૦ મીટર સુધી ઊંચાઈ મેળવી લે છે. આછા રાખોડી રંગની ભરાવદાર છાલ ધરાવે છે તેમજ તેની ડાળીઓ થોડીક ટૂંકી કહી શકાય. ઓલિવ ગ્રીન રંગના પાંદડા ખુબ નજીક નજીક હોઈ ખુબ ભરાવદાર દેખાય છે. પાંદડા ૯ થી ૧૭ સેન્ટિમીટર લાંબા હોય જે ડાળીની આગળનાં છેડાના ભાગથી ૫ થી ૬ સેન્ટિમીટરના ભાગમાં ઝુંડમાં હોય છે. તેનું થડ પોચું હોઈ પવનના તોફાનમાં ડાળીઓ તૂટી પડી શકે છે અને આજ પોચા થડને કારણે કંસારો, ટુકટુકીઓ અને લક્કડખોદ જેવા પક્ષીઓને માળો બનાવવા માટે બહુ આકર્ષે છે.

પ્રખ્યાત અને ખુબજ આકર્ષક ટ્યૂલિપ ફૂલના ઘંટ જેવા આકારના ખુબજ સુંદર ફુલ હોય છે. નારંગી/ ઓરેન્જ અને રક્તવર્ણ લાલ રંગના કપ આકારના ફુલમાં પાણી પણ ભરાય છે અને તે કારણે પક્ષીઓને મઝા પડી જાય છે. પાણી પણ મળે અને ખાવાને ફુલનો મધુરસ પણ પી લે છે. બાળકોને પણ પાણી ભરેલા કપ આકારના ફુલથી રમવાની ખુબ મઝા પડે છે. રમતા રમતા હાથમાં અને કપડાં ઉપર પીળા અને લાલ ડાઘ પણ પડી જાય છે. પાંદડાંના છેડે ફૂલોનું સુંદર અને ભરાવદાર ઝુમખું ઝામે છે. ઓલિવ ગ્રીન રંગના પાંદડા અને રક્તવર્ણ લાલ રંગના ફૂલોનો રંગનું મિશ્રણ અદભુત દ્રશ્ય ઉભું કરે છે. ફુલ માપમાં ૧૦ સેન્ટિમીટર જેટલા લાંબા હોય છે અને કાગળ જેવા ખુબજ પાતળા અને નાજુક હોય છે.

શિયાળાની શરૂઆતમાં ફૂલો બેસવાના ચાલુ થાય છે અને મધ્યમ ગરમીના વાતાવરણના સમયે છેક ચોમાસા સુધી ચાલુ રહે છે. કમનસીબે આ સુંદર ફુલ નો મધુરસ મધમાખીઓ માટે કોઈજ કામનો નથી અને જો પીવે તો ઝેર ચઢે છે. આ કારણે બીજા ફૂલોની જેમ મધમાખીથી તેમની પરાગવહનના કામમાં નથી આવતું. તેના બિયાની સીંગો ૨૦ થી ૨૫ સેન્ટિમીટર જેટલી લાંબી થાય છે અને કાગળ જેવા વજનમાં હલકા ઘણાં બધા બીયા એક સાથે બને છે.

સ્પેથોડિયા એક આકર્ષક અને જાજરમાન વૃક્ષ છે. વૃક્ષમાર્ગની બંને બાજુ આ વૃક્ષની હારમાળા બગીચામાં બગીચાની આગવી સુંદરતા ઉભી કરે છે.


(ફોટોગ્રાફ્સ અને વિડિઓ લેખકના છે અને સાથે શ્રી રવિ સક્સેના)

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ, સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve