IAS Shivani Goyal: હરિયાણવી IAS અધિકારી શિવાની ગોયલ (IAS Shivani Goyal) કડકડાટ ગુજરાતીમાં બોલે તો કોઈ વિશ્વાસ ન કરી શકે કે તે ગુજરાતના નહીં પણ હરિયાણાના છે. શિવાની ગોયલ સ્પષ્ટપણે માને છે કે તમે જે પ્રાંતમાં કામ કરતાં હોય ત્યાંની સ્થાનિક ભાષા જાણવી એક અધિકારી તરીકે ફરજ છે, તો જ તમે ત્યાંના લોકો સાથે તાદાત્મ્ય કેળવી શકશો. તેમના પ્રશ્નોને સમજી શકશો, તેથી ભાષાકીય અવરોધ તો સૌથી પહેલા અધિકારીએ જ દૂર કરવો જોઈએ. તેમણે ફક્ત આવી વાતો કરી નથી, તેનું પાલન પણ કર્યું છે.

સ્થાનિકો સાથે સ્થાનિક ભાષામાં જ વ્યવહાર
આજે પણ સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા તે સ્થાનિકો સાથે સ્થાનિક ભાષામાં જ વાત કરે છે. તેમણે સુરેન્દ્રનગરમાં પ્રારંભ કર્યા પછી કચ્છ જેવા જિલ્લામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પડકારજનક કામગીરી સફળતાપૂર્વક કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આજે પણ કચ્છ જિલ્લો તેમની સરાહનીય કામગીરીને યાદ રાખે છે. તેમણે UPSC સફળતાપૂર્વક પાસ કરી હોવાથી તે આજે પણ સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ છે અને યુવાનોને UPSC અંગે સતત માર્ગદર્શન આપતા રહે છે. તેના કારણે આજે તે યુવાનોમાં રોલમોડેલ તરીકે ઉભરી આવ્યા છે.

IAS Shivani Goyal યુવાનો માટે આદર્શ
વહીવટી અધિકારી તરીકે કારકિર્દી બનાવવાની સાથે-સાથે જનસેવા પણ કઈ રીતે કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ યુવાનો સમક્ષ રજૂ કર્યુ છે. કેટલાય યુવાનો અને તેમા પણ ખાસ કરીને યુવતીઓ તેમને પ્રેરણાસ્ત્રોત માને છે. તે UPSC અંગે યુવાનોને સતત માર્ગદર્શન આપતા જ રહે છે. તેની સાથે સ્પષ્ટ જણાવે છે કે વહીવટી સેવામાં આવવું હોય તો જનસેવાની ભાવના હોય તો જ આવવું, જો તમે 10થી 7ની નોકરીની માનસિકતા સાથે કામ કરવા માંગતા હોવ તો હવે જાહેર સેવામાં તે શક્ય નથી. ચોમાસામાં પાણી ભરાઈ જાય ત્યારે સરકારી અધિકારીએ રાતે ઊંઘવુ પાલવે નહી, નહીં તો આખા શહેરના અમુક હિસ્સાઓ ડૂબી જાય. તેમા પણ સમુદ્ર કિનારે આવેલા શહેરોમાં તો આવી સંભાવના પૂરેપૂરી રહે. અધિકારીએ અહીં કુદરતી આપત્તિઓ સામે ખડેપગે રહેવું પડે છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં નિપુણતા
કચ્છમાં તેમણે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બજાવેલી સરાહનીય કામગીરીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે દર્શાવ્યું હતું કે કુદરતી આપત્તિનો સામનો કરવામાં તંત્રની સજ્જતા હોય તો માનવખુંવારી કેટલા અંશે ટાળી શકાય છે. તેમણે આના દ્વારા વહીવટના નવા આયામોને કયા સ્તરે લઈ જઈ શકાય છે તે બતાવ્યું હતું.

IAS અધિકારી સાથે જ લગ્ન
2019ની કેડરના IAS અધિકારી અક્ષય અગ્રવાલ (IAS Akshay Agarwal) સાથે લગ્ન કરનારા શિવાની ગોયલ (IAS Shivani Goyal) માને છે કે અધિકારી હવે ઓફિસની અંદર બેસીને કામ કરે તે દિવસો જૂના થઈ ગયા છે. ઓફિસરોએ ઓફિસ છોડીને ફિલ્ડમાં ઉતરીને કામ કરવું પડશે. તેઓ પોતે પણ ઓફિસની સાથે-સાથે ફિલ્ડમાં ઉતરીને કામ કરવાનું પસંદ કરે છે. લોકોના પ્રશ્નોને સતત સાંભળતા રહે છે અને તેમના ઉકેલ લાવવાની દિશામાં કાર્યરત રહે છે.

પર્યાવરણને લઈને જાગૃત
પર્યાવરણને લઈને તે ખૂબ જ જાગૃત છે. તેથી જ આણંદમાં ડીડીઓ તરીકે અમૃત સરોવરની તેમણે કરેલી કામગીરી અને વૃક્ષારોપણ આજે ઉદાહરણરૂપ કાર્યક્રમ બન્યા છે. તેના કારણે બીજા જિલ્લાઓમાં ઉદાહરણ આપવામાં આવે છે કે સરકારી કામ કેટલી ચીવટતાથી કરી શકાય છે.

ફરિયાદોનો ઓનલાઇન નિકાલ
આજે સુરતમાં ડેપ્યુટી મ્યુનિપલ કમિશ્નર તરીકે નાગરિકોની ઓનલાઇન ફરિયાદોના ત્વરિત નિકાલ માટે તેમણે મજબૂત વ્યવસ્થા રચી છે. તેઓ પીપલ ફ્રેન્ડલી અભિગમ ધરાવે છે. લોકોપયોગી ટેકનોલોજીમાં અને તેની મદદથી જાહેર સેવાની ગુણવત્તા સુધારવામાં તેમને વિશેષ રસ છે. આઇએએસ તરીકે કામગીરી શરૂ કર્યે સાત વર્ષ થયા હોવા છતાં પણ તે ચીવટતા અને અસરકારકતાની છાપ છોડવામાં સફળ રહ્યા છે.
આ પણ વાંચો:તળિયાના પ્રશ્નોને ટોચના સ્તરે ઉકેલવાની કુનેહ ધરાવતા IAS અધિકારી કે એસ વસાવા
આ પણ વાંચો:વહીવટી સેવાની સાથે કલા-સાહિત્યનો અકલ્પનીય સુભગ સમન્વય IAS અધિકારી જયંતિ રવિ
આ પણ વાંચો:રાજ્યમાં કામગીરી વડે સુવાસ ફેલાવતા IAS સૌરભ પારધી
