ગુજરાત સરકાર ‘ધ ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ 2025’ (The Gujarat Stamp Amendment Bill 2025) લાવી છે તે જોઈને કોઈપણ કહી શકે કે આ નિયમ નથી, પણ સીધો ભ્રષ્ટાચારને (Corruption) ખુલ્લો દોર છે… રાજ્યના સરકારી અધિકારીઓને (Government Officers) બેફામ ભ્રષ્ટાચાર આદરવા માટે જ જાણે આ કાયદો લાવવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે…. હાલમાં કદાચ તંત્રના ભ્રષ્ટાચાર કરવાના દરવાજા સદંતર બંધ તો નથી થઈ ગયા, પરંતુ કદાચ ઓછા થઈ ગયા હોય તો તે ઘટ પૂરી કરવા માટે જાણે આ કાયદો લાવવામાં આવ્યો છે….
ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ધ ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ 2025 મુજબ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ-9એની જોગવાઈનું પાલન ન કરનારાને સામાન્ય દંડ થતો હતો….અગાઉ સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) સંદર્ભમાં સરકારને ખોટી માહિતી આપનારા ઉપરાંત સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી જમા કરાવવામાં નિષ્ફળ જનારાને 200 રૂપિયા દંડ (Penalty) થતો હતો અને હવે આ રકમ અકલ્પનીય રીતે વધારીને સીધી એક લાખ રૂપિયા કરવામાં આવી છે…. હવે અહીં પાછી કલેક્ટરને (Collector) સત્તા આપવામાં આવી છે કે તે દરેક કેસ મુજબ નિર્ણય લઈને તેની મરજી મુજબ દંડની રકમ ઘટાડી શકે છે…. છતાં પણ દંડ ઓછામાં ઓછો દસ હજાર રૂપિયા તો કરવો જ પડશે…
આમ સરકારે અહીં કલેક્ટરને 10 હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયાની વચ્ચેનો ભ્રષ્ટાચાર કરવાની સીધી મંજૂરી જ આપી દીધી છે…. હવે તે સામાન્ય સમજ છે કે કોઈપણ વ્યક્તિ લાખ રૂપિયા ભરવાનો જ નથી…. હવે તેણે રીતસર કલેક્ટર પાસે જ દંડની રકમ ઘટાડવા માટે કાલાવાલા કરવા પડશે….. હવે કલેક્ટર પોતાના ગજવા ભરશે કે સરકારના ગજવા ભરશે તે સવાલ સરકારને નહીં થયો હોય… કદાચ તંત્ર હવે ભ્રષ્ટાચારનુ કદાચ નવું જ મોડેલ વિકસાવી રહ્યુ છે, જેથી ટોચના સ્થાને રહેલાં લોકોના ગજવા ભરાય. હાલમાં મળતાં રૂપિયા કદાચ ઓછા પડતાં લાગે છે….આ જોતાં તો એવું જ લાગે કે નવા નિયમો લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે ઓછા, પરંતુ તંત્રમાં રહેલાં ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરવા માટે વધારે છે….
આ ઉપરાંત બીજી આઘાતજનક વાત એ છે કે કોઈપણ પ્રકારના ગુનામાં સજા કરવાનો અધિકાર કોર્ટને (Court) છે….પોલીસ પાસે પણ આ અધિકાર નથી. જ્યારે રાજ્ય સરકારે તો અહીં કલમ 62-કનો ભંગ કરનાર દોષિત ઠરે તો તેને સજા કરવાનો અધિકાર સ્ટેમ્પ અધિકારીને આપી દીધો છે….સરકારની આ બાબતને ગમે ત્યારે કોર્ટમાં પડકારવામાં આવી શકે છે, કારણ કે ભારતીય બંધારણ મુજબ સજા કરવાનો અધિકાર તો ફક્ત ન્યાયતંત્રને જ છે, સ્ટેમ્પ અધિકારી પાસે આવી સત્તા જ નથી… આવું જ ચાલ્યું તો આવતીકાલે તંત્ર સજા કરવાનો અધિકાર પોલીસને પણ સોંપી દે… આમ કરીને સરકાર શું ન્યાયતંત્રના અધિકારોને મર્યાદિત કરી દેવા માંગે છે તે મોટો સવાલ છે…. શું સરકાર કોર્ટમાં જજોની ઘટનો ઉકેલ આ રીતે લાવશે?….
આ પહેલા કલમ 62-કનો ભંગ કરનારને ફક્ત 500 રૂપિયા જ દંડ થતો હતો, હવે તે સીધો દસ ગણો વધારી દેવાયો છે….. તેના લીધે હવે સીધો પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે…. હવે લોકો 500 રૂપિયા પણ ભરતા ન હતાં તે પાંચ હજાર રૂપિયા ક્યાંથી ભરવાના… આ સંજોગોમાં સ્ટેમ્પ અધિકારીને (Stamp Officer) અહીં ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લો દોર મળી જશે….
આ ઉપરાંત કલમ 34 હેઠળ કરવાપાત્ર દંડ પણ સીધો દસ ગણો વધારી દેવાયો છે. તંત્રને પણ ખબર જ હોય છે કે દંડની આટલી જંગી રકમ કોઈ ભરવાનું જ નથી…. તેથી આમાના મોટાભાગના રૂપિયા તંત્રના ભ્રષ્ટાચારીઓ પોતાના ખિસ્સા ભેગા કરવાના છે…. આ તો ‘દંડ ફટકારો બે ચાર, કરો કાયમ કરો ભ્રષ્ટાચાર’નું સૂત્ર જાણે તંત્રએ અપનાવી લીધું છે.
અહીં તે યાદ રાખવું જરૂરી છે કે 1999 પહેલા તો સ્ટેમ્પ ડ્યુટી જેવું કશું જ હતું નહીં. તેના પછી સ્ટેમ્પ ડ્યુટીને નાખવામાં આવી. પહેલા તો સ્ટેમ્પ ડ્યુટીની રકમ ખૂટતી હોય તો ખૂટતી રકમ ઉમેરવા સાથે અઢીસો રૂપિયા ભરીને દસ્તાવેજ મંજૂર કરાવી શકાતો હતો. જ્યારે નવી જોગવાઈ મુજબ મિલકત માલિકે (Property Owner) સ્ટેમ્પ ડ્યુટીની ખૂટતી રકમની બમણી રકમ જમા કરાવવી પડશે. ધારી લો કે કોઈની સ્ટેમ્પ ડ્યુટી 15 હજાર રૂપિયા જેટલી ખૂટે છે તો તેણે બમણી સ્ટેમ્પ ડ્યુટી એટલે કે ત્રીસ હજાર રૂપિયા જેટલી રકમ જમા કરાવવી પડશે. કેટલાક કિસ્સામાં જો દસ-દસ વર્ષ સુધી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ગણતરીમાં લેવાય તો તેના પર દર વર્ષે ત્રણ ટકા દંડ ઉમેરવાની પણ જોગવાઈ છે. આ બતાવે છે કે તંત્ર લોકોને લૂંટવામાં પીંઢારાઓને પણ પાછળ પાડી દે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ પ્રકારની જોગવાઈ જોતાં એમ જ લાગે કે તંત્ર લોકો પાસેથી નાણા કેવી રીતે ઉસેટવા તેમા જ લાગેલું છે.
નવી જોગવાઈઓ સામાન્ય રીતે પ્રજાની વધુ ઉપયોગી હોય અને તેની તકલીફો ઓછી કરે તેવી હોવી જોઈએ, પરંતુ અહીં તો લોકોએ રીતસરના તંત્ર આગળ ભઈબાપા કરવા પડે તેવી જ સ્થિતિ છે. એક જોતાં જે ઇન્સ્પેક્ટર રાજથી અને અમલદારશાહીથી પીએમ મનમોહન સિંઘે લોકોને મુક્તિ અપાવી હતી તેના તરફ જ તંત્ર ગુજરાતને લઈ જઈ રહ્યુ છે. પ્રજાને ફરી પાછાં અમલદારશાહીના માળખામાં પીસાવવા લાગી છે. આ તો રીતસર જાણે એવું જ લાગે કે વિકાસની જવાબદારી પ્રજાની છે અને તંત્ર ફક્ત ભ્રષ્ટાચાર જ કરશે.
આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર
આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ
આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’