અમૂલઃ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા આ ફક્ત ગુજરાત જ નહીં આખા દેશમાં જાણીતું સ્લોગન બની ગયું છે. આજે દેશ આખાની સવાર અમુલના ઉત્પાદનોથી શરૂ થાય છે અને દિવસનો અંત પણ તેનાથી જ આવે છે. આજે દેશમાં સવાર પડે તો અમુલનું દૂધ અને બપોર પડે ત્યારે અમુલનું દહી કે છાશ તથા સાંજે પણ અમુલના દૂધ, દહી કે છાશ રોજિંદા ઉપયોગની વસ્તુ બની ગયા છે. આ ઉપરાંત અમુલના ચીઝ, બટર, પનીર, સહિત સંખ્યાબંધ ઉત્પાદનોનો લોકો ઉપયોગ કરે છે. આજે અમૂલનું ટર્નઓવર એક લાખ કરોડને વટાવી ગયું છે અને સહકારી ક્ષેત્રમાં આટલું જંગી ટર્નઓવર નોંધાવીને વિક્રમ રચવા સાથે વિશ્વના બીજા દેશો માટે પણ એક મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.
અમુલ ફક્ત સહકારી મોડેલનું જ ઉદાહરણ છે તેવું નથી તે એ વાતનું પણ ઉદાહરણ છે કે જો કોઈ વ્યવસ્થાની પ્રક્રિયા પારદર્શક બને તો કેટલા બધા લોકોની સ્થિતિ સુધરી શકે છે. તળિયાના લોકોનું જીવનધોરણ ઊંચે લાવી શકાય છે અને સામાન્ય પ્રજાને વાજબી ભાવે સારા ઉત્પાદનો મળે છે. આજે આખા દેશની પ્રજા વાજબી ભાવે જે દૂધ મેળવે છે તે અમૂલના સહકારી મોડેલને આભારી છે. આજે અમૂલઃ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા કહેવાય છે તે કંઈ એમને એમ જ નથી કહેવાતું તે કરોડો હાથોની મહેનત અને આ મહેનતને દીપાવનારાઓના પુરુષાર્થને આભારી છે.
પણ જો કોઈ જાણે કે સહકારના ક્ષેત્ર જાણીતા આ અમૂલનો પ્રારંભ વાસ્તવમાં શોષણના વિરોધના સ્વરૂપમાં થયો હતો તો ચોક્કસ તેને આંચકો લાગે. હાલમાં એકદમ વ્યવસાયિક રીતે સંચાલિત અમૂલની શરૂઆત જ શોષણના વિરોધના પ્રતીક તરીકે થઈ હતી તેવું જાણવાની સાથે કોઈપણ અચંબિત થઈ જાય. દૂધમાથી પણ મલાઈ તારવી લેતા વચેટિયાઓ અને પોલસન ડેરીના શોષણથી કંટાળેલા પશુપાલકોએ જ્યારે આ સ્થિતિમાંથી નીકળવા 1946માં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું માર્ગદર્શન માંગ્યુ ત્યારે પહેલાં તો શોષણની આ ગાથા સાંભળીને સરદાર પટેલ સમસમી ગયા હતા. પણ સરદાર પટેલ શોષણની આ ગાથા સાંભળીને બેસી રહે તેમાના ન હતા. તેને બરોબર તેમની જ ભાષામાં જવાબ આપનારામાંના હતા અને તેમણે આ જવાબ સહકારી મંડળીના સ્વરૂપમાં આપ્યો.
તેમણે ખેડૂતોને આ શોષણનો જવાબ સંગઠન શક્તિ વડે આપવાની હાકલ મારી. તેમણે ખેડૂતો-કમ પશુપાલકોને જણાવ્યું હતું કે જો તમારે પોતાનું શોષણ અટકાવવું હોય તો સંગઠિત થવું જ રહ્યું. તમે સંગઠિત થયા વગર આ શોષણનો જવાબ નહીં આપી શકો. બીજી બાજુએ પોલસન ડેરી અને વચેટિયાઓ તે વાત પર મુસ્તાક હતા કે આ અભણ અને જેમને પોતાનું પણ કંઈ ભાન નથી તેવા ખેડૂતો-પશુપાલકો જશે ક્યાં. અમારા વગર તેમનો કોઈ ઉદ્ધાર જ નથી. તેઓએ અમે માગીએ તે જ ભાવ લેવો પડશે.
સરદાર પટેલે ખેડૂતોને બતાવેલા રસ્તા પર લાવવાની અને સંગઠન બનાવવાની કપરી જવાબદારી ત્રિભુવનદાસ પટેલે ઉપાડી. તેમને ખબર જ હતી કે શોષણના વિરોધનો માર્ગ હંમેશા કપરો હોય છે અને તેમણે આની ઊંચી કિંમત ચૂકવવાની છે. આમ છતાં આ બધાની જરા પણ પરવા કર્યા વગર ત્રિભુવનદાસ પટેલે ખેડૂતો-પશુપાલકોને સંગઠિત કરવામાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું. આના માટે તેમણે ખેડા જિલ્લાના દરેક ગામડા ખૂંદી નાખ્યા. તે સમયે આજના જેવા વાહનો ન હતા. આ માટે તે બળદગાડામાં ફર્યા, કેટલાક ગામો તો પગે ચાલીને જ ખૂંદી નાખ્યા અને ખેડૂતોને સહકારનું મહત્વ સમજાવ્યું તથા સંગઠિત કર્યા. આના કારણે તે ત્રિભુવન કાકા તથા સહકારી ક્ષેત્રના ચળવળકાર તરીકે જાણીતા થયા. સરદાર પટેલના સહકાર ક્ષેત્રના વિઝન અને ત્રિભુવનદાસ પટેલની પાણીદાર મહેનતે જેને આકાર આપ્યો તે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, જે આજે આ સહકારી મંડળી અમૂલના નામે ઓળખાય છે.
આ સહકારી દૂધમંડળીની સ્થાપના થયા પછી એકત્રિત કરવામાં આવેલા દૂધને જાળવવું, તે મોટો પડકાર હતો. તે સમયે રોજનું હજારો લિટર દૂધ આવતું તેને જાળવી રાખીને ગ્રાહકો સુધી પહોંચાડવાની સમસ્યા ઉદભવી. ત્રિભુવનકાકાને લાગ્યું કે આ કામ તો કોઈ ટેકનોક્રેટ જ કરી શકે અને અહીં કેરળના ડો. વર્ગીસ કુરિયનનો પ્રવેશ થયો. તેઓ પોતે એન્જિનીયર હતા. શરૂઆતમાં તો તે ફક્ત નોકરિયાત તરીકે જ જોડાયા હતા, પરંતુ તેમની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહથી તેમણે પોતે પણ પ્રગતિ સાધી અને અમૂલે પણ પ્રગતિ સાધી. તેમણે ખેડા દૂધ ઉત્પાદક મંડળીમાં આવતા દૂધને જાળવી રાખવાની અને તેને ગ્રાહકો સુધી પહોંચાડવાની જે સપ્લાય ચેઇન રચી તેનું ઉદાહરણ આજે આખા વિશ્વમાં આપવામાં આવે છે.
અમુલે ગામડાઓમાંથી દૂધ બગડ્યા વગર ફેક્ટરી સુધી પહોંચે તે માટે એશિયાનું સૌથી મોટું અને આધુનિક કોલ્ડ સ્ટોરેજ નેટવર્ક ઊભું કર્યું. દરરોજ સવારે અને સાંજે ગામડાઓમાંથી દૂધ એકઠું કરવું, તેને પ્રોસેસ કરવું અને ગણતરીના કલાકોમાં દેશના કરોડો ઘરો સુધી તાજું દૂધ પહોંચાડવાના અમૂલના આ સપ્લાય ચેઈન મેનેજમેન્ટની દુનિયાભરમાં પ્રશંસા થાય છે.
તેમણે એકત્રિત કરવામાં આવેલા દૂધને પેશ્યુરાઇઝ્ડ કરીને નાની થેલીઓમાં પેક કરીને રેફ્રિજરેટેડ ટ્રકોમાં શહેરોમાં ગ્રાહકો સુધી પહોંચાડ્યું. તેના કારણે ભારતમાં શ્વેત ક્રાંતિના મંડાણ થયા. આજે ગુજરાતના ઘરે-ઘરે અમૂલનું દૂધ પહોંચે છે તેના માટે ગુજરાતની જનેતા ડો. વર્ગીસ કુરિયનની આભારી છે. આ શ્વેત ક્રાંતિના કારણે ડો. વર્ગીસ કુરિયન મિલ્કમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા થયા. ડો. કુરિયનના ટેકનોલોજીકલ જ્ઞાન અને સંચાલનના કૌશલ્યએ અમૂલને વૈશ્વિક બ્રાન્ડ બનાવવાનો મહત્વનો પાયો નાખ્યો. એક સમયે ભારતની આ સહકારી ચળવળ અને શ્વેત ક્રાંતિ સામે ટીચકુ ચઢાવનારા આજે વૈશ્વિક બ્રાન્ડ બન્યા પછી તેના પ્રત્યે સન્માનથી જુએ છે.
સંગઠનશક્તિ, સાયન્સ અને સંચાલનના સમન્વયે એ કરી બતાવ્યું છે જે સામાન્ય સંજોગોમાં શક્ય બન્યું ન હોત. આ ત્રણેયના સુભગ સમન્વયથી રચાયેલી અમુલ આજે દિનપ્રતિદિન વૃદ્ધિ પામી રહી છે. ઇસરોએ જેમ અંતરિક્ષ ટેકનોલોજીમાં ભારતને વિશ્વસ્તરે મૂક્યું છે તેમ ડો. કુરિયને અમુલને ડેરી ટેકનોલોજીના ધોરણે વૈશ્વિક સ્તરે મૂકી દીધી. આજે ડેરી ટેકનોલોજીમાં અમૂલ વિશ્વસ્તરીય ટેકનોલોજી ધરાવે છે તે ડો. કુરિયનને આભારી છે. તેમણે ડેરી ટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ થકી ગ્રામીણ ક્ષેત્રે સહકારી યુવકો માટે રોજગારનું નવું જ કેન્દ્ર ખોલી નાખ્યું છે. તેના કારણે આજે કેટલાય ગ્રામીણ યુવકો ડેરી ટેકનોલોજી ભણી વળ્યા છે.
આખી દુનિયા માનતી હતી કે ગાયના દૂધમાંથી જ મિલ્ક પાવડર બની શકે, પરંતુ ડો. કુરિયન આણી મંડળીએ ભેંસના દૂધમાંથી પણ પાવડર બનાવીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધુ હતુ. આ શોધે ભારતમાં શ્વેત ક્રાંતિ એટલે કે ઓપરેશન ફ્લડના મંડાણ કર્યા. તેના કારણે આજે ભારત દૂધ અને દૂધની બનાવટોના મોરચે આત્મનિર્ભર બન્યું. આજે અમુલ ફક્ત બ્રાન્ડ નથી, પરંતુ લાખો પશુપાલકો અને ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની આત્મનિર્ભરતાનું મોડેલ છે. અમૂલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોમાં બહુ મોટી સંખ્યા ગ્રામીણ મહિલાઓની છે. રોજ સવારે દૂધ ભરાવીને પોતાના પગ પર ઊભી રહેતી લાખો મહિલાઓએ દેશના ગ્રામીણ અર્થતંત્રનો ચહેરો બદલી નાખ્યો છે.
આજે વચેટિયાઓ વગર, દૂધના પૂરેપૂરા પૈસા સીધા પશુપાલકોના ખાતામાં જાય છે. સવાર-સાંજ મળતી આ આવકે ગુજરાતના અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ગામડાઓનું ચિત્ર બદલી નાખ્યું છે. મહિલાઓ આજે આર્થિક રીતે સશક્ત બની છે. અમૂલે આમ લાખો મહિલાઓના આર્થિક સશક્તીકરણનો માર્ગ ઉજળો કર્યો છે. તેની સાથે પશુપાલનને પણ ઉત્તેજન આપ્યું છે. તેના પગલે કતલખાને જતાં પશુઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આના કારણે પશુપાલન એક નફાકારક વ્યવસાય બનતા પશુપાલકો અને પશુઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત ગામડામાંથી શહેરમાં થતાં પલાયનની ગતિમાં તેના કારણે ઘટાડો થયો છે.
અમૂલે ક્યારેય પોતાની ક્વોલિટી સાથે કોમ્પરોમાઇઝ નથી કર્યું. ગમે તેવી મોંઘવારીમાં પણ સામાન્ય માણસ ખરીદી શકે તેવા બજેટમાં દૂધ, માખણ, ચીઝ અને ઘી જેવી ઉત્તમ પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ કરાવી. સમય સાથે અમૂલે માત્ર દૂધ વેચવાને બદલે પ્રોડક્ટ્સની લાંબી રેન્જ તૈયાર કરી. અમૂલ બટર, ચીઝ, આઈસ્ક્રીમ, પનીર, લસ્સી, ફ્લેવર્ડ મિલ્ક, ડાર્ક ચોકલેટ અને હવે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ (લોટ, દાળ) પણ બજારમાં ઉતારીને માર્કેટ પર પકડ મજબૂત રાખી છે.
અમૂલ કોઈ એક ઉદ્યોગપતિની કંપની નથી, પણ લાખો પશુપાલકોની સહકારી મંડળી છે. વચેટિયાઓ અને દલાલોને દૂર કરીને, ગ્રાહકો જે પૈસા ચૂકવે છે તેનો મોટો હિસ્સો (આશરે 75-80%) સીધો પશુપાલકોના બેંક ખાતામાં જાય છે. આનાથી પશુપાલકો આર્થિક રીતે સધ્ધર બન્યા. 1966માં જન્મેલી ‘અમૂલ ગર્લ’ અને તેની સાથેની વન-લાઈનર જાહેરાતો ભારતીય પોપ કલ્ચરનો હિસ્સો છે. આજે ટીવી ચેનલોથી લઈને દરેક સોશિયલ મીડિયા માધ્યમમાં કોઈ એવું સ્થળ બાકી નહીં હોય જ્યાં અમુલની જાહેરાત ન આવતી હોય.
કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ અને પોલિટિક્સના ટ્રેન્ડિંગ મુદ્દાઓ પર બહુ જ ઓછા બજેટમાં મજેદાર જાહેરાતો બનાવીને અમૂલે ગ્રાહકોના દિલમાં કાયમી જગ્યા બનાવી લીધી. તેનું સ્લોગન “અમૂલ: ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા” આજે પણ દરેક ભારતીયની જીભ પર છે.
આમ સરદાર પટેલનું માર્ગદર્શન, ત્રિભુવનદાસ પટેલની શ્રદ્ધા અને ડો. વર્ગીસ કુરિયનનું વિઝન… આ ત્રિપુટીએ વાવેલું એક નાનું બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે. વિશ્વ મિલ્ક ડે પર, મંતવ્ય ન્યુઝ દેશના કરોડો પશુપાલકો અને આ શ્વેત ક્રાંતિના ઘડવૈયાઓને કોટી-કોટી સલામ કરે છે.
આ પણ વાંચો: પશુપાલકો માટે રાહતના સમાચાર, સાબર ડેરીએ વાર્ષિક દૂધ વૃદ્ધિની કરી જાહેરાત
આ પણ વાંચો: વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીની જાહેરાત : પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે
આ પણ વાંચો: સાબર ડેરીમાં કરોડોના કૌભાંડના આક્ષેપ, બાબુ બારદાનો વીડિયો વાયરલ
