નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા 28 ડ્રગ ફોર્મ્યુલેશન્સના રિટેલ પ્રાઇસ અને સીલિંગ પ્રાઇસિસ નક્કી કરવામાં આવ્યા છે. તેની સાથે નેશનલ લિસ્ટ ઓફ એસેન્સિયલ મેડિસન્સ (NLEM) હેઠળ છ શેડ્યુલ્ડ ફોર્મ્યુલેશન્સ નક્કી કરવામાં આવ્યા છે. NPPAની 138મી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આમ એકબાજુએ ડ્રગ પ્રાઇસિંગ કંટ્રોલ ઓથોરિટી દવાઓના ભાવ નિર્ધારણ કરી રહી છે તો બીજી બાજુએ એક સરવેમાં એવું આવ્યું છે કે ભારતમાં દવાની કિંમત નિર્ધારણ સિસ્ટમ જ બીમાર છે. આમ ભારતમાં દવાઓ સસ્તી કરવા માટે અને સુલભ કરવા માટે રચાયેલી સિસ્ટમ જ હવે બીમાર હોવાનું એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશની દવા કિંમત નિર્ધારણ સિસ્ટમ અપારદર્શક અને અસ્થિર છે.
આ અભ્યાસ દિલ્હી બ્રિજ પોલિસી થિન્ક ટેન્ક, બેંગ્લુરુના બાયોઇનોવેશન સેન્ટર અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. તેમના સંયુક્ત અભ્યાસમાં આ ચોંકાવનારો અને ચકચારભર્યો દાવો કરવામાં આવ્યો છે. તેમના આ અભ્યાસમાં સ્પષ્ટ જણાવાયું છે કે સામાન્ય દવાઓ સસ્તી થઈ છે, પરંતુ ગંભીર અને દુર્લભ રોગોના સારવારની દવા જોઈએ તેટલી સસ્તી થઈ નથી. તે સામાન્ય માનવીની પહોંચની બહાર છે. વર્તમાન નીતિની આ જ સૌથી મોટી ખામી છે.
તેમના અહેવાલ મુજબ ભારતે 2013માં ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ ખર્ચઆધારિત સિસ્ટમને બજાર આધારિત સિસ્ટમમાં બદલી નાખી હતી. તેથી ખાતરી કરી શકાય કે દવાના ભાવ ઉત્પાદનખર્ચ સાથે સુસંગત છે. આ ફેરફાર પણ દવાના ભાવનિર્ધારણ કિંમતમાં પારદર્શકતા લાવવામાં નિષ્ફળ ગયો હતો. બજાર આધારિત કિંમત ડેટા પારદર્શિતા અને અસંગતતા દ્વારા વર્ગીકૃત થયેલો છે. તેના કારણે નવી કંપની માટેના બજાર પ્રવેશના અવરોધો મોટા છે તેમ તેઓએ જણાવ્યું હતું.
બ્રિજ પોલિસી થિન્ક ટેન્કે આ અંગે પ્રસિદ્ધ કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારતમાં અનેક સેલરો એક જ ડ્રગ વેચી રહ્યા છે. તેના કારણે બજારમાં ઘણી બધી કંપનીઓ તો છે, પરંતુ દવાનું યોગ્ય ભાવ નિર્ધારણ થતું નથી. તેમા પણ દર્દીઓને તો દવાના તે જ ભાવમાં અને તે જ ગુણવત્તામાં ઉપલબ્ધ બીજા વિકલ્પોની માહિતી જ આપવામાં આવતી નથી. આમ અહીં દર્દીઓને કોઈ વિકલ્પ જ આપવામાં આવતો નથી તે સૌથી મોટી તકલીફ છે. આના કારણે રિટેલ ફોર્મ્યુલેશન બજાર બ્રાન્ડેડ જેનેરિક બજાર તરફ વળે છે. આ અભ્યાસ NPPAને સુપ્રદ પણ કરવામાં આવ્યો છે.
જો કે સ્વાભાવિક રીતે પોતાની જ યંત્રણાની ટીકા કરવામાં આવી હોવાના પગલે અને તેની ખામી પરત્વે આંગળી ચીંધવામાં આવી હોવાથી NPPAએ હજી સુધી આ અહેવાલ જાહેર કર્યો નથી. NPPA ફાર્માસ્યુટિકલ્સ વિભાગના નેજા હેઠળ આવે છે, આ વિભાગ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલયના નેજા હેઠળ આવે છે.
બ્રિજ પોલિસી ડિરેક્ટરના માનદ ડિરેક્ટર ક્રિતિકા ક્રિષ્નમૂર્તિએ જણાવ્યું હતું કે ભારતનો સૌથી મોટો પડકાર ગંભીર અને દુર્લભ રોગોની સારવારનો છે, જ્યાં વિકલ્પો મર્યાદિત છે અને ખર્ચ અમર્યાદિત છે. તેથી સરકાર આ દવાઓના ભાવા અંગે વાટાઘાટો કરે તે વધુને વધુ સ્ટ્રકચર્ડ મેનરની હોય તે જરૂરી છે. આ અંગે વધુને વધુ પ્રમાણમાં ટાર્ગેટેડ સબસિડીઝ જરૂરી છે. તેની સાથે-સાથે રિસર્ચ અને ઇનોવેશન્સને પણ પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમા પણ સેલ અને જીન થેરપીઓ વધુને વધુ પ્રમાણમાં સુલભ બનાવવી જરૂરી છે અને તેનું કામ મોટાપાયા પર સ્થાનિક સ્તરે થાય તે જરૂરી છે.
આ અભ્યાસનું નિરીક્ષણ છે કે ભારતની વ્યાપક પાયા પરની જેનેરિક સિસ્ટમ હોવા છતાં ભાવની ટોચમર્યાદા નક્કી કરવાને લઈને ઉત્પાદકો પાસે ઘણી મર્યાદિત સ્પષ્ટતા છે. બંને પ્રાઇસિંગ મોડેલ ખર્ચ આધારિત અને માર્કેટ આધારિત મોડેલના આધારે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તે બધું જ અચોક્કસ છે. તેના અંગે કોઈ સ્પષ્ટતા નથી. આમ ભાવ નિર્ધારણ માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓ અસ્પષ્ટ છે. તેમા પારદર્શકતા નથી. હવે કશું નિશ્ચિત જ ન હોય તો પછી નવી કંપનીઓને પણ આ સેક્ટરમાં પ્રવેશવું અઘરું પડે છે.
આ અહેવાલ ભાવ નિર્ધારણની અસ્પષ્ટતાને વ્યાપક આરોગ્ય સંભાળ ધિરાણના ગાબડા સાથે જોડે છે. તેનું અવલોકન છે કે દવાઓની પોષણક્ષમતાને આરોગ્ય કવરેજની પહોંચથી અલગ રીતે જોઈ શકાતી નથી. વીમા કંપનીઓ જેવી સંસ્થાઓનો દવાના ભાવ પર કોઈ પ્રભાવ નથી અને આ મોરચે પારદર્શકતા સુધારીને ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરનો વ્યાપ વધારી શકાય છે.
ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ પાછળના કુલ ખર્ચામાં 48.8 ટકા ખર્ચો કુટુંબો દ્વારા જ ભોગવવામાં આવે છે. આ બતાવે છે કે અહીં પબ્લિક ફાઇનાન્સિંગને મર્યાદિત અવકાશ છે. આમ સીધો અર્થ એમ જ કરી શકાય કે કુલ આરોગ્યલક્ષી ખર્ચામાં 48.8 ટકા ખર્ચો પબ્લિક ફાઇનાન્સિંગમાંથી બહાર છે.
આ અહેવાલમાં તે પણ દર્શાવવામાં આવ્યું છે કે આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY), સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) અને નેશનલ હેલ્થ મિશને સંસ્થાકીય અને હોસ્પિટલ કેર વિકસાવી હોવા છતાં પણ તેઓ દવાના ખર્ચને આવરી લેવાને લઈને કોઈ ખાસ ભૂમિકા ભજવી શક્યા નથી. તેની નોંધ છે કે આયુષ્યમાન ભારતના વીમા કવરેજે બીજા સ્તરની અને હોસ્પિટલ સારસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમા દવાના ખર્ચને આવરી લેવાયો નથી. તેમા પણ ખાસ કરીને વૃદ્ધો તો પાછલી ઉંમરમાં દવા પર જ જીવતા હોય છે. તેમના દવાના ખર્ચને પરત કરવા પર અહીં ભાર મૂકાયો નથી. અહેવાલે ઉમેર્યું છે કે દવાના પૂરતા કવરેજના કારણે ભારતનું વીમા માળખું પણ બજારની વર્તણૂક પર પ્રભાવ પાડવામાં અને રેશનલ પ્રાઇસિંગને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળ જાય છે.
તેમા જણાવાયું છે કે ઓસ્ટ્રેલિયા, જર્મની અને ચીન જેવા દેશોમાં સરકાર દવાઓના ભાવ નીચા લાવવા માટે દવા કંપનીઓ સાથે સતત સક્રિયપણે વાટાઘાટ કરતી હોય છે, તેની સામે ભારતમાં તેવું નથી. થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા દેશોએ પણ મોટા રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા કેવી રીતે સામાન્ય પ્રજા માટે સુલભ કરાય તેનો રસ્તો બતાવ્યો છે, પરંતુ ભારતે હજી સુધી આ દિશામાં કશું કર્યું નથી. તેથી વર્તમાન પ્રણાલિમાં ધરમૂળથી ફેરફાર લાવો જરૂરી છે.
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા
આ પણ વાંચો: મંત્રીમંડળ વિસ્તરણમાં ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ નહીઃ ગેનીબેન ઠાકોર
