MANTAVYA Vishesh/ મહેમદાવાદની સિંચાઈ વિભાગની જમીન પર ભૂમાફિયાઓએ જમાવ્યો કબ્જો

ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદમાં આવી જ એક ઘટના સામે આવી છે. મહેમદાવાવાદની વાંઠા ગ્રામ પંચાયતમાં સરકારે છેક 1979માં ખેડૂતોને વળતર આપીને લીધેલી જમીન કૌભાંડીઓએ પચાવી લીધી.

Mantavya Vishesh

કહેવત છે ગરીબ કી જોરું સબ કી ભાભી, વર્તમાન આ યુગમાં બીજે ક્યાંય તો નહીં પણ સરકારી જમીન પર બરોબરની લાગુ પડે છે. સરકારી જમીનની રણીધણી સરકાર જ હોય છે, પણ સરકારને પોતાને પોતાનો પથારો કેટલો છે તેની જ ખબર હોતી નથી, આ સંજોગમાં સરકારી જમીન પર દબાણ કરવાના કે તેને બારોબાર પચાવી કાઢવાના કિસ્સા સૌથી વધુ પ્રમાણમાં બને છે. લોકો બીજાના નામની જમીન પણ છોડતા નથી તો પછી સરકારી જમીન જ્યાં કોઈ રણીધણી ન હોય તેને કોણ છોડે. સરકાર કે તંત્રના ધ્યાનમાં પર આખી વાત આવે ત્યાં સુધીમાં તો મોરલો કલા કરીને જતો રહ્યો હોય છે. ટૂંકમાં કૌભાંડીઓ બધુ કરી નાખે પછી તંત્ર જાગે છે એટલે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ થાય છે.

ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદમાં આવી જ એક ઘટના સામે આવી છે. મહેમદાવાવાદની વાંઠા ગ્રામ પંચાયતમાં સરકારે છેક 1979માં ખેડૂતોને વળતર આપીને લીધેલી જમીન કૌભાંડીઓએ પચાવી લીધી. આ જમીનની માલિકી પાછી સિંચાઈ વિભાગના હસ્તક હેઠળના સરદાર સરોવર નિગમ લિમિટેડની હતી. તેના પછી 2004માં ખેડા સિંચાઈ વિભાગને મળી હતી.  સિંચાઈ વિભાગની બ્લોક નંબર 836 અને 845વાળી જમીન કરોડો રૂપિયાની જમીન પર જ જાણે કૌભાંડોની સિંચાઈ થઈ ગઈ હોય તેવો ઘાટ છે. કૌભાંડીઓની હિંમત તો જુઓ, તેઓએ સરકારી વિભાગની આ જમીન પરની દીવાલ પણ તોડી નાખી.

ગુજરાતમાં જાણે જમીન કૌભાંડોમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીની થઈ ગઈ છે. સરકારી જમીન પચાવવી હોય તો બોગસ જમીન દસ્તાવેજો બનાવડાવો, વારસાઈમાં ખોટી રીતે નામ દાખલ કરાવી દો અને આ રીતે સરકારી જમીન કે ખાનગી જમીન પોતાના નામે કરાવી લો. આટલી સરળતાથી બીજાની જમીન કે સરકારી જમીન પોતાના નામે કરાવવાની આ સગવડથી જ રાજ્યના દરેક શહેર અને તાલુકામાં ભૂમાફિયા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે, વળી તેમને પાછી રાજકીય ઓથ પણ હોય એટલે તંત્ર પણ પહેલાં તો તેમની સામે ફરિયાદ જ ન લે. બહુ દબાણ થાય અને ફરિયાદ લેવાય તો યોગ્ય કાર્યવાહી ન કરે અને કોઈ અધિકારી સારો હોય તથા યોગ્ય કાર્યવાહી કરે તો આ લાગવગીયાઓ સાક્ષીઓ સાથે ખેલ કરીને કોર્ટમાંથી છૂટી જાય છે.

રાજ્યમાં કૌભાંડીઓને અને ભૂમાફિયાને શાંતિ થઈ ગઈ છે, કૌભાંડ કરો, પછી જેલમાં જાવ, તેમા પણ જામીન પર બહાર નીકળી જાવ અને પછી વર્ષોના વર્ષો કેસ ચાલ્યા કરે.  હવે આ કેસનો નીવેડો આવે અને તેમા પણ જમીનના કેસોમાં જ્યાં પણ વિવાદ થાય ત્યાં તો તેનો નીવેડો આવતા દાયકાઓ નીકળી જાય છે, કૌભાંડીએ ત્યાં સુધીમાં તો બધુ સગેવગે કરી નાખ્યું હોય છે. તેને સજા થવાની આવે તો પણ જાણે તે જેલમાં કોઈ મોજમાં જતો હોય તે રીતે જાય છે. પછી ભલેને સરકારી જમીન કેમ ન હોય. તેમા કૌભાંડ કરનારાઓ તંત્રના જ અધિકારીને લાંચ આપીને ફોડી કાઢે છે. તેના કારણે તે અધિકારી કે કર્મચારી સરકારનો પગાર ખાતો હોવા છતાં મદદ કૌભાંડીને કરે છે.

મહેમદાવાદમાં છેવટે તંત્ર જાગતા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આ કૌભાંડમાં સંડોવાયેલા આઠ જણા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ મુજબ આરોપી કુલાબેન પરમાર, ભરતકુમાર પરમાર અને વિમળાબેન પરમારે બ્લોક નંબર 845ના જમીનનો વેચાણ દસ્તાવેજ સીધો ભાવિન પટેલના નામે કરી દીધો હતો, જ્યારે આ આખી જમીન સરકારી છે. તેઓએ આ જમીન સરકારે ખરીદી હોવા છતાં પણ સરકારી રેકોર્ડ પર ન ચઢ્યાનો ફાયદો ઉઠાવીને આ પગલું ભર્યું હતું. આના પરથી સરકારી અધિકારીઓએ કેવા પ્રકારની બેદરકારી દાખવી હતી તેનો ખ્યાલ આવે છે.

આ જ રીતે તેમણે બ્લોક નંબર 836માં ચંદ્રકાંત પટેલ, આશિષકુમાર પટેલ અને સવિતાબેન પટેલે પણ આ જ રીતે કૌભાંડ કરીને જમીન ભાવિન પટેલને પાંચ કરોડ રૂપિયામાં વેચી મારી હતી. તેઓએ ફક્ત જમીન જ પચાવી પાડી નથી સરકારી જમીન પર બનેલા મકાનો અને કમ્પાઉન્ડ વોલને કોઈપણ પ્રકારની પરવાનગી વગર તોડી પાડીને સરકારી મિલકતને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. વર્ક આસિસ્ટન્ટ હરીશભાઈ ડાભીએ તેઓને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કૌભાંડીઓ કૌભાંડ કરતા ન અટક્યા તો પછી તેના પરની દીવાલ તોડતા થોડી અટકે. જયેશ મેઘવાલ નામના ગુનેગારે આ જમીન ખેડૂતોની હોવાનો દાવો કરીને બિન્દાસ્ત રીતે સરકારી મિલકતોની તોડફોડ કરી હતી. બીજા શબ્દોમાં કહીએ તો સરકાર તેની જમીન પરના દબાણો પર બુલડોઝર ફેરવે છે અહીં કૌભાંડીઓએ સરકારી જમીન પર આવેલા સરકારી મકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું.

ડુંગરે-ડુંગરે કાદુ તારા ડાયરા કહેવતને ચરિતાર્થ કહેવતને વર્તમાન યુગમાં કૌભાંડીઓ બરોબર ચરિતાર્થ કરી રહ્યા છે. તેમા પણ જમીન કૌભાંડ તો નવાઈ જ રહી નથી. આ વાત વધી જતાં નડિયાદ કલેક્ટરની અધ્યક્ષતાવાળી જિલ્લા જમીન તકેદારી સમિતિ સમક્ષ પહોંચ્યો હતો. તેના પછી તંત્રમાં સળવળાટ થયો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે તંત્રને ખબર પડી હતી કે ભૂમાફિયાઓ સરકારી જમીન જ ઓળવી ગયા છે. ફક્ત જમીન સરકારી રેકર્ડ પર ચઢી ન હોવાનો લાભ ઉઠાવીને તેમણે આ કાવતરાને અંજામ આપ્યો હતો. કલેક્ટરના આદેશ પછી સિંચાઈ વિભાગના અધિકારીઓએ ગુનો નોંધ્યો હતો અને મહેમદાવાદની પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે.

આ આખા પ્રકરણને લઈને વાંઠવાલા ગામના તલાટી કમ મંત્રી નીતિનભાઈ હાથીવાલાને છ મહિના માટે ફરજ મોકૂફ રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે મને આ ઘટનામાં બિનજરૂરી રીતે સંડોવવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓએ કશું રેકર્ડ પર ન લીધું તેનો ભોગ હું બન્યો છું. આ ઘટના અંગે આ જમીન પરની કોલોનીમાં વસનારાએ જણાવ્યું હતું કે અહીંના મકાનો ધાકધમકીથી ખાલી કરાવવામાં આવ્યા છે. તેના કારણે કોલોનીમાં વસનારા લોકો ભાગી ગયા છે. આમ કોલોનીમાં વસનારા લોકોને ભાગી જવાની ફરજ પાડવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે અમને આ પ્રકરણ અંગે કલેક્ટરશ્રીના આદેશ મળ્યા છે અને તેના આધારે અમે આઠ જણા સામે કેસ નોંધ્યો છે અને હવે તેમની સામે આગળ કાર્યવાહી કરવાના છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો