Iran Violence Donald Trump Claim: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)ઈરાનમાં ચાલી રહેલા લોહીયાળ સંઘર્ષને લઈને એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની ખામૈની સરકારે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનું અને તેમને ફાંસી આપવાની પ્રક્રિયા હાલ પૂરતી રોકી દીધી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ઈરાનમાં હિંસાને કારણે સ્થિતિ અત્યંત ગંભીર હતી.

Donald Trumpએ શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “અમને માહિતી મળી છે કે ઈરાનમાં નિર્દોષ લોકોની હત્યાઓ પર રોક લગાવી દેવામાં આવી છે. અત્યારે બધું શાંત છે. હાલમાં અમે ઈરાન પર કોઈ સીધી સૈન્ય કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યા નથી.”
નોંધનીય છે કે, ગત દિવસે જ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને સોશિયલ મીડિયા દ્વારા સંદેશ આપ્યો હતો કે, “મદદ પહોંચી રહી છે.” જોકે, આ ‘મદદ’ આર્થિક હશે, રાજદ્વારી હશે કે સૈન્ય, તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ નિવેદન બાદ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશ સચિવ માર્કો રુબિયો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી.

ઈરાનમાં 2500 થી વધુના મોત
અમેરિકન માનવાધિકાર એજન્સીઓના રિપોર્ટ અનુસાર, ઈરાનમાં અત્યાર સુધીમાં 2,586 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હજારો લોકો જેલમાં બંધ છે અને તેમની સામે ટ્રાયલ ચાલી રહી છે. બીજી તરફ, ઈરાની સેનાના અધિકારી મોહમ્મદ પાકપોરે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, “ઈરાનમાં હિંસા ભડકાવવા પાછળ અમેરિકા અને ઈઝરાયેલનો હાથ છે.” ઈરાને ચેતવણી પણ આપી છે કે જો તેમના આંતરિક મામલામાં દખલગીરી કરવામાં આવશે તો તેના પરિણામો ગંભીર આવશે.
