ગુજરાત વિધાનસભામાં વિસાવદરની ખાલી પડેલી બેઠક અંગે પેટાચૂંટણી ક્યારે યોજાશે તેની ચૂંટણીપંચે ભલે જાહેરાત કરી ન હોય, પરંતુ આપે તો પહેલા ઘા રાણાનો તે ન્યાયે AAPએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારીને રીતસર ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે…. આમ AAP હવે આ ચૂંટણીને લઈને લોકો વચ્ચે જશે ત્યારે કહી શકશે કે અમારા તો ઉમેદવાર પણ અત્યારથી નક્કી થઈ ગયા અને ભાજપ-કોંગ્રેસનું કશું જ નક્કી નથી…. વિસાવદરની પ્રજાએ આવી અનિશ્ચિત સ્થિતિ લાંબા સમય સુધી ભોગવવી હોય તો તેમને મત આપે, નહીં તો તેમને જો નિશ્ચિત વિકાસ જોઈતો હોય તો અમને મત આપો….
કેટલાક રાજકીય નિષ્ણાતો કહે છે કે વિસાવદરમાં AAPની દાળ ખાસ ગળતી નથી ત્યારે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારીને પક્ષે મોટો જુગાર ખેલી નાખ્યો છે… અહીં સફળતા મળશે તો તે પક્ષની કહેવાશે અને ગેનીબેન ઠાકોરની જેમ ગોપાલ ઇટાલિયાની પણ રાજકીય કારકિર્દી બનશે. જ્યારે નિષ્ફળ જશે તો ઇસુદાન ગઢવીની જેમ જ ગોપાલની રાજકીય કારકિર્દી સીમિત થઈ જશે. વિસાવદરની બેઠક આમ પણ સામાપ્રવાહના પરિણામ આપવા માટે જાણીતી છે અને ભૂતકાળમાં પણ તે અકલ્પનીય પરિણામ આપી ચૂકી છે…. AAPએ તેથી જ અહીં ગોપાલ ઇટાલિયા પર મોટો જુગાર ખેલ્યો છે….
હવે આ બેઠક પર AAP અને કોંગ્રેસ સમાધાન કરે છે કે નહીં તેના પર સોની નજર છે. AAPના ઇસુદાન ગઢવીએ તો સંકેત આપી દીધા છે કે તેઓ સમાધાન કરવા માટે તૈયાર છે…. પણ કોંગ્રેસ હજી પણ અસમંજસભરી સ્થિતિમાં છે…. કોંગ્રેસે સમાધાન કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી…. હરિયાણામાં આપે કોંગ્રેસને હરાવવામાં જે ભૂમિકા ભજવી તે કોંગ્રેસ ભૂલ્યું નથી. જો કે તેનો બદલો પણ કોંગ્રેસે દિલ્હીમાં AAPને સમર્થન ન આપીને લઈ લીધો હતો… પણ હવે કોંગ્રેસ ઇચ્છતું નથી કે વિધાનસભામાં વિપક્ષનો દરજ્જો પણ તેની પાસેથી છીનવાય….
હવે જો AAP અને કોંગ્રેસ ભેગા થાય તો ભાજપને વિસાવદરમાં જીતવું ભારે પડી જાય…. પણ જો બંને વચ્ચે સમાધાન ન થાય તો આ જંગ ત્રિપાંખિયો બની જાય અને વધારે રોમાંચક પણ બને. કોંગ્રેસે હજી સુધી નિર્ણય કર્યો નથી કે AAPની જોડે રહેવું કે અલગ પડવુ…. રાહુલ ગાંધી ગુજરાત આવીને ગયા ત્યારે આ મુદ્દે કોઈ નિર્ણય આવશે તેવી આશા હતી, પરંતુ હજી સુધી કોંગ્રેસે આ મુદ્દે મગનું નામ મરી પાડ્યું નથી…. આમ છતાં કોંગ્રેસ જોડાણ ન કરે તેવું માનવું પણ નહીં, તે છેલ્લી ઘડીએ ધડાકા કરવા પણ જાણીતી છે….શાસક પક્ષ વિચારતો રહી જાય અને કોંગ્રેસ AAP સાથે જોડાણ કરી પણ લે, પણ હાલમાં તો તેવા કોઈ સંજોગો દેખાતા નથી….
હવે જો કોંગ્રેસ AAP સાથે જોડાણ ન કરે તો આગામી દિવસોમાં તેને પણ બેઠક માટે વૈંકુઠ નાનું અને ભગતો ઝાઝા જેવી સ્થિતિ છે…. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરત અમીપરા પોતાનું નસીબ અજમાવવા થનગની રહ્યા છે…. તેમનું માનવું છે કે તેમણે જે કામગીરી કરી તે જોતાં તેમને જ ટિકિટ મળવી જોઈએ….
આ સિવાય કોંગ્રેસના અન્ય જાણીતા આગેવાન ભરત વીરડિયાને પણ આ બેઠક માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે…. કોંગ્રેસના કેટલાય કાર્યકરોનું કહેવું છે કે ભરત વીરડિયાને જો ટિકિટ ન આપવામાં આવે તો તેમને ચોક્કસ આશ્ચર્ય થશે…. આ ઉપરાંત કોંગ્રેસનો જ એક વર્ગ કરસન વડોદરિયાને પણ રીપિટ કરવાની તરફેણમાં છે….આમ બધી બાબતોને લઈને બોલ હાઇકમાન્ડની કોર્ટમાં છે…. રાહુલ ગાંધી તાજેતરમાં ગુજરાતમાં આવ્યા ત્યારે આ બધી બાબતો પર ચર્ચા થઈ હતી, પરંતુ હજી સુધી કોઈના પર પણ પસંદગીનો કળશ ઢોળાયો નથી… કદાચ કોંગ્રેસ જો આપ સાથે સમાધાન કરે તો આ બધી વાતનો છેદ ઉડી જઈ શકે છે….
હવે વિસાવદર બેઠકને લઈને ભાજપની સ્થિતિ જોઈએ તો બેઠક એક અને દાવેદાર અનેક જેવી સ્થિતિ છે….ભાજપના ભૂપત ભાયાણીએ આ જ બેઠક પર ટિકિટ મેળવવા માટે જ રાજીનામુ આપ્યું હતું અને ભાજપમાં ભળ્યા હતા….જ્યારે હર્ષદ રીબડિયાને પણ વિધાનસભાની ટિકિટનું વચન આપવામાં આવ્યું હતું અને તેના આધારે જ તેમણે ભગવો ખેસ ધારણ કર્યો હતો… આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા પ્રમુખ અને રાજકારણના પીઢ ખેલાડી કિરીટ પટેલની પણ આ બેઠક માટે દાવેદારી હોવાનું કહેવાય છે…..હવે હંમેશા આશ્ચર્ય આપવા જાણીતું હાઈકમાન્ડ આ બેઠક અંગે કેવો નિર્ણય લે છે તેના પર નજર છે….
ઘણા રાજકીય નિષ્ણાતો માને છે કે આગામી ચૂંટણી દ્વિપાંખીયો નહીં પણ બહુપાંખીયો જંગ બની રહેશે…. તેઓનું કહેવું છે કે જો AAP કોંગ્રેસ સાથે જોડાણ કર્યુ તો તેનો પરાજય નિશ્ચિત છે…. આ જોડાણ અંગે ભાજપને તે કહેવાની તક મળી જશે કે ગોપાલ ખરેખર ‘ઇટાલિયા’ જ નીવડ્યો, તેણે જોડાણ છેવટે ઇટાલિયન મહિલાના પુત્ર સાથે જ કર્યુ….આ રીતે ગોપાલ ‘ઇટાલિયા’ નહીં પણ ‘ઇટાલિઆ’ જ છે…. કોઈપણ બાબતને ચગાવવામાં ભાજપ તેની આગવી નિપુણતાનો અહીં પણ ફાયદો ઉઠાવશે…. આ સંજોગોમાં ત્રણેય પક્ષ અલગ-અલગ લડે તેવી સંભાવના પણ છે….
આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ કથાકારો સામે કરેલા નિવેદનોનો વિસાવદરમાં વિપરીત પડઘો પડ્યો હતો…. અગાઉ આપે અહીંના બ્રહ્મસમાજ અને બ્રહ્મક્ષત્રિય આગેવાન સામે હુમલાના કેસ પણ કરેલા છે…. આ બધા વિપરીત પરિબળો વચ્ચે ગોપાલે અહીં સામા પ્રવાહે તરીને વિજય મેળવવાનો છે…. ભાજપની પતાકા બધે લહેરી રહી છે ત્યારે રાજકીય પક્ષ માટે નગરપાલિકા પણ જીતવી ભારે છે તે સંજોગોમાં ગોપાલ અહીં AAPનું ‘ઝાડું’ ફેરવશે કે રાબેતા મુજબ ભાજપનું ‘બુલડોઝર’ ફરી વળશે તે જોવાનું રહે છે….
આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર
આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ
આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’