Tamil Nadu News : એલ મુરુગન(L Murugan)નું રાજીનામું રાષ્ટ્રપતિ ભવને સત્તાવાર રીતે સ્વીકાર્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાનની સલાહ પર બંધારણની કલમ 75(2) હેઠળ આ મંજૂરી અપાઈ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણના આધારે ડૉ. એલ મુરુગનનું રાજીનામું તાત્કાલિક અસરથી મંજૂર કર્યું. આ સાથે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી તરીકેની તેમની જવાબદારી પૂર્ણ થઈ છે. તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા મુરુગને 13 ઓક્ટોબરે વડાપ્રધાનને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. દક્ષિણ ભારતમાં પક્ષનું સંગઠન મજબૂત કરવાનો હેતુ તેમણે જણાવ્યો હતો.
L Muruganનું રાજીનામું

કેન્દ્રીય મંત્રીમંડળ (Union Cabinet)માં સંભવિત ફેરબદલની ચર્ચા વચ્ચે આ નિર્ણયને મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર નિવેદન મુજબ, વડાપ્રધાનની સલાહ મળ્યા પછી રાષ્ટ્રપતિએ મંત્રીનું રાજીનામું સ્વીકાર્યું.
મંત્રીપદ ઉપરાંત મુરુગને રાજ્યસભાના સભ્યપદેથી પણ મુક્ત થઈને તમિલનાડુમાં પાયાના સ્તરે કાર્યકરો વચ્ચે જવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ મુજબ, તેનાથી દક્ષિણ ભારતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
કલમ 75(2) હેઠળ પ્રક્રિયા
બંધારણની કલમ 75ના ખંડ (2) અનુસાર કેન્દ્રીય મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. વડાપ્રધાનની સલાહથી તેમના રાજીનામાનો સ્વીકાર થાય છે. આ મંજૂરી સાથે મુરુગનની સરકારી ભૂમિકા પૂરી થઈ છે. હવે તેઓ સંપૂર્ણપણે સંગઠનની જવાબદારીઓ સંભાળશે.
રાજીનામા પત્રમાં શું લખ્યું
રાજીનામા પત્રમાં ડૉ. મુરુગને વડાપ્રધાન મોદીનો ઊંડો આભાર માન્યો. તેમણે લખ્યું કે મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારમાં 5 વર્ષ કામ કરવું તેમના જાહેર જીવનનું સૌથી મોટું ગૌરવ રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ હવે એ મૂળભૂત કામ પર પાછા ફરવા માંગે છે, જેણે તેમને જાહેર જીવનમાં આવવાની પ્રેરણા આપી હતી. બૂથ સ્તર સુધી સંગઠનનું વિસ્તરણ કરવું હવે તેમનું એકમાત્ર લક્ષ્ય છે.
તમિલનાડુ ભાજપ અને 2029નો રોડમેપ
મુરુગનના કહેવા મુજબ, હવે તેમનું સમગ્ર ધ્યાન તમિલનાડુ ભાજપ (Tamil Nadu BJP) ને રાજ્યના દરેક જિલ્લા, તાલુકા અને ગામ સુધી મજબૂત કરવા પર રહેશે. 2029ની લોકસભા ચૂંટણી (2029 Lok Sabha election)માં રાજ્યમાં પાર્ટીને ઐતિહાસિક સફળતા અપાવવા માટે તેઓ અત્યારથી જમીન પર સક્રિય થશે.
ખેતમજૂર પરિવારથી કેબિનેટ સુધીની સફર
વિદાય પત્રમાં મુરુગને પોતાના જીવનસંઘર્ષનો ઉલ્લેખ કર્યો. તેઓ કોઈ મોટા રાજકીય વારસામાંથી આવતા નથી. તેમના માતા-પિતા ખેતમજૂરી અને પશુપાલનથી ગુજરાન ચલાવતા હતા. તેમનો પરિવાર આજે પણ તમિલનાડુના કોનૂર ગામમાં સાદું જીવન જીવે છે. માતા-પિતાએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેમનો પુત્ર કેન્દ્ર સરકારમાં મંત્રી બનશે. મુરુગને પોતાની રાજકીય સફરનો શ્રેય વડાપ્રધાન મોદી અને પક્ષની એ સંસ્કૃતિને આપ્યો, જેમાં પાયાના કાર્યકર્તાને રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વની તક મળે છે.
આ પણ વાંચો:ભગવાન મુરુગન મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસને આવ્યો ફોન
આ પણ વાંચો:રાજીવ ગાંધી હત્યા/ દોષી નલિની અને મુરુગને ઈચ્છા મૃત્યુની માંગ કરી
આ પણ વાંચો:દક્ષિણ ભારતમાંથી ભાજપના નવા અધ્યક્ષ બનાવવા પર વિચાર મંથન
