Food Recipe: નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા છે અને આ દિવસોમાં અનેક લોકો નવરાત્રિના ઉપવાસ કરતા હોય છે. જો તમને ગળ્યું ખાવાનું પસંદ હોય તો તમે મખાના અને નારિયેળની બનેલી મજેદાર બરફી (Makhana Coconut Burfi) બનાવી શકો છો. કેલ્શિયમથી ભરપૂર એવી આ બરફી શરીરને તાકાત પણ બક્ષશે અને એ ખાવાથી લાંબો સમય ભૂખ પણ નહિં લાગે!
વિશેષ બાબત એ છે કે આ બરફીને બનાવવા માટે તમને સ્હેજ પણ ખાંડ અથવા ઘીનો ઉપયોગ નહિં કરવો પડે! છે ને મજાની વાત! ખાંડની જગ્યાએ આપણે ખડી સાકરનો ઉપયોગ કરીને એની મીઠાશ અને હૅલ્ધી ગુણો વધારીશું. જ્યારે પણ તમે ફ્રી હો ત્યારે માવો બનાવીને રાખવો અથવા તો માર્કેટમાંથી ખરીદીને લાવીને ફટાફટ બરફી બનાવી લો. તો જોઇએ મખાના-નારિયેળની બરફી બનાવવાની સરળ રેસિપી (Makhana Coconut Burfi Recipe)…
મખાના ના સ્વાસ્થલાભ
ભારતભરમાં પરંપરાગત રીતે ખાવામાં આવતા મખાના આજે સમગ્ર દુનિયામાં એક હૅલ્ધી સ્નૅક (Healthy Snack)ના સ્વરુપે લોકપ્રિય બની ચૂક્યું છે. આ સુપરફૂડ ફક્ત સ્વાદિષ્ટ છે એટલું જ નહિં પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો મખાના અર્થાત્ ફોક્સ નટ (Fox Nut) પ્રોટીન, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે જે, આપણા શરીરને બીમારીઓથી રક્ષણ આપવાનું કામ કરે છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે, મખાનાનું મહત્વ સૌપ્રથમ તો એની ન્યુટ્રિશનલ વેલ્યૂ (Nutritional Value)માં છુપાયેલું છે. એમાં પ્રોટીનની માત્રા સારી એવી હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવા અને શરીરની ઊર્જાને જાળવી રાખવામાં મદદગાર છે.

આજના સમયમાં હેલ્થ પ્રત્યે સભાન લોકોમાં મખાના (Makhana) ખૂબ જ લોકપ્રિય આહાર બની રહ્યા છે.વજન નિયંત્રણમાં રાખવા અને શરીરને પૂરતું પોષણ આપવા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.મખાના માત્ર વજનમાં હળવા અને પચી જાય તેવા જ નથી,પરંતુ તેમાં પ્રોટીન,ફાઇબર,કેલ્શિયમ,મેગ્નેશિયમ,પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી ખનિજો (Minerals) ભરપૂર માત્રામાં જોવા મળે છે.કેલરી અને ચરબી ઓછી હોવાને કારણે ડાયેટિશિયન્સ પણ તેને સંતુલિત આહારમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો ચાલો આ વખતે થઈ જાય મખાના-નારિયેળની બરફી!
શી રીતે બનાવશો મખાના-નારિયેળની બરફી? (Makhana Coconut Burfi Recipe)
મખાના-નારિયેળની બરફી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની જરુરી છે.
સામગ્રી
2 કપ મખાના
250 ગ્રામ માવો
1 કપ કોપરાનું છીણ
3/4 કપ દળેલી મિસરી (ખડી સાકર)
1 નાની ચમચી ઘી

મખાના-નારિયેળની બરફી બનાવવાની વિધિ
1. સૌપ્રથમ બરફી બનાવવા માટે મખાનાને ડ્રાય જ રોસ્ટ કરી લેવા. જ્યારે મખાના ઠંડા થઇ જાય ત્યારે મિક્સર જારમાં ઉમેરીને એમાં સ્વાદાનુસાર મિસરી મિક્સ કરીને વાટી લો.
2. આ મીઠાઈમાં તમે ખાંડની જગ્યાએ ખડી સાકરનો ઉપયોગ કરી શકો છો. એનાથી એનો સ્વાદ અનેકગણે વધી જાય છે. મિસરીની સાથે મખાનાને વાટીને બારીક પાવડર જેવું બનાવી લો.
3. ત્યાર બાદ, એક કડાઇમાં માવો ઉમેરો અને માવાને ધીમા તાપે હળવો શેકી લો. જો ફ્રીઝમાં જામેલો માવો હોય તો એને રુમ ટેમ્પરેચરે આવવા દો.
4. જ્યારે માવો શેકાઈ જાય ત્યારે એમાં સૂકા કોપરાનું છીણ ઉમેરીને બંને વસ્તુઓને એકસાથે મિક્સ કરી લો. થોડી વાર સુધી ધીમા તાપે એને સારી રીતે મિક્સ કરી લો.
5. હવે એમાં સ્વાદ અને સુગંધ માટે લીલી ઈલાયચી વાટીને ઉમેરી દો. આમ તો આ બરફીને કોઈ અન્ય સૂકો મેવો મિક્સ કર્યા વિના પણ તૈયાર કરી શકીએ છીએ.
6. જો તમે આ બરફીને સજાવવા માગતા હો તો એ માટે પિસ્તા (Pistachio)ની કતરણ કરી લેવી.
7. હવે બરફીના મિશ્રણને કોઈ ઘી લાગેલી પ્લેટ અથવા ટિનમાં ઢાળી દેવું અને કોઈ વાડકીના પાછળના ભાગે ઘી લગાવીને સેટ કરી લેવું.
8. સજાવટ માટે ઉપરથી પિસ્તાની કતરણ અને છીણેલું કોપરું (Dry Coconut) ભભરાવીને સેટ કરવું.
9. આ તૈયાર મિશ્રણને હળવું ઠંડુ થવા દેવું અને પછી પોતાના મનપસંદ આકારમાં કાપી લેવું.
તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ, નરમ અને મોંમાં ઓગળી જાય એવી મખાના-નારિયેળ બરફી (Makhana Coconut Burfi)….જે ફરાળી વાનગી (Fast Recipe)હોવાથી તમે એને ઉપવાસમાં આરામથી ખાઈ શકો છો. આ બરફીનો સ્વાદ એવો છે કે તમે માર્કેટની બરફી લાવવાનું પણ ભૂલી જશો! નવરાત્રિ (Navratri Festival) અથવા કોઈ અન્ય તહેવાર નિમિત્તે બનાવવા માટે આ એક સરળ અને સ્વાદસભર રેસિપી છે.
આ પણ વાંચો: નવરાત્રિ સ્પેશ્યલ ફરાળી અપ્પમ…સામા કે મોરૈયા વડે બનાવો અને લીલી તીખી ચટણી સાથે ખાઓ!
આ પણ વાંચો: નવરાત્રિનો ફરાળી નાસ્તો…ચટપટી સાબુદાણા સેન્ડવીચ….બનાવવાનું છે તદ્દન સરળ..!
આ પણ વાંચો: દિલ્હી સ્પેશ્યલ ચટપટી વ્રત આલુ ચાટ બનાવો…ઉપવાસ ન કરેલો હોય એ પણ ડિમાન્ડ કરશે!
