Food Recipe: જો તમારે કંઇક લાઈટ ખાવું હોય કે જેથી પેટ પણ ભરાઈ જાય અને સ્વાદ પણ સંતોષાય તો તમે આ અપ્પમ (Maraiya Appam) બનાવીને ખાઈ શકો છો. આમ તો અપ્પમ સોજીના બનતા હોય છે પણ તમે એને સામા કે મોરૈયામાંથી બનાવીને ઉપવાસમાં ખાઇ શકો છો.
નવરાત્રિના ઉપવાસ (Navratri Fast) દરમિયાન, લોકો મોટાભાગે શેકેલું કે તળેલું ભોજન વધારે ખાતા હોય છે. ઘણી વાર બટાટા અને અન્ય ફ્રાઈડ વસ્તુઓ (Fried Items) ખાવાનું મન નથી થતું અને કંઇક હળવું, ચટપટું અને ઓછા તેલવાળું ખાવાનું મન થતું હોય છે. જો તમારે કંઇક લાઈટ ખાવું હોય કે જેથી પેટ પણ ભરાઈ જાય અને સ્વાદ પણ સંતોષાય તો તમે આ અપ્પમ બનાવીને ખાઈ શકો છો. આમ તો અપ્પમ સોજી (Suji)ના બનતા હોય છે પણ તમે એને સામા કે મોરૈયા (Barnyard Millet)માંથી બનાવીને ઉપવાસમાં ખાઇ શકો છો. અપ્પમ ઘણા જ ઓછા તેલમાં બને છે અને એનો સ્વાદ એકદમ ચટપટો લાગશે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે એને બનાવીને ખાઈ શકો છો. તો ઝટપટ નોંધી લો ફરાળી અપ્પમ (Farali Appam)ની આ રેસિપી…
શી રીતે બનાવશો મોરૈયાના અપ્પમ? (Maraiya Appam Recipe)
મોરૈયાના અપ્પમ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ સામો અથવા મોરૈયો
1/2 વાડકી દહીં
1 બટાટું
2 લીલા મરચાં
મુઠ્ઠીભર કોથમીર
સિંધાલૂણ સ્વાદાનુસાર
વઘાર માટે
ઘી, જીરું, રાઇ અને મીઠા લીમડાના પાન
શેકેલા અધકચરા સીંગદાણા
ચટણી માટે
કોથમીર
લીલા મરચાં
જીરું
સીંધાલૂણ
ટમેટું

બનાવવાની વિધિ
1. વ્રત દરમિયાન ખાઇ શકાય એવા અપ્પમ માટે તમારે મોરૈયો લેવાનો રહેશે. એને એમ જ મિક્સરના જારમાં ગ્રાઈન્ડ કરી લો. એક-બા વાર પલ્સ મોડ પર ચલાવવાથી જ એ સોજી જેવા તૈયાર થઈ જશે.
2. હવે આ મોરૈયાને દહીં (Curd)માં પલાળીને રાખો. પ્રમાણસર સિંધાલૂણ ઉમેરો.
3. ઉપવાસમાં ખાઈ શકાય એવા શાકભાજી (Vegetables) જેવા કે બટાટા, લીલા મરચાં, કોથમીરને ઝીણા-ઝીણા સમારીને એમાં ઉમેરી દો.
4. હળવા ક્રંચી ફ્લેવર માટે એમાં સીંગદાણાને પણ હળવા શેકીને અધકચરા વાટીને ઉમેરી દો.
5. હવે આ મિશ્રણમાં ઘી, રાઈ, જીરું અને મીઠા લીમડાના પાનનો વઘાર કરી લો.
6. નોર્મલ સોજીના અપ્પમ જેવું મધ્યમ જાડું મિશ્રણ રાખવું. અપ્પમ મેકરને ઘીથી ગ્રીસ કરી લઈને ધીમા તાપે અપ્પમ બનવા મૂકી દો.
7. બંને તરફથી ગોળ ફેરવીને શેકી લેવા. તમામ મિશ્રણમાંથી આ રીતે અપ્પમ બનાવી લો.
8. હવે મિક્સર જારમાં કોથમીર, લીલા મરચાં, ટમેટું, સિંધાલૂણ અને જીરુ નાખીને તીખી ચટણી બનાવી લો.
તો તૈયાર છે તમારા વ્રત સ્પેશ્યલ અપ્પમ…જેને તમે ઉપવાસ દરમિયાન લીલી ચટણી સાથે અવશ્ય ખાઈ શકો છો. આ ફરાળી અપ્પમની વાનગી તમને ઘણી જ પસંદ પડશે. ઉપવાસ ન હોય ત્યારે પણ તમે એને બ્રન્ચ કે ડિનરમાં બનાવીને એની મજા માણી શકો છો.
આ પણ વાંચો: ઝટપટ પૌષ્ટિક નાસ્તો બનાવવાનો એક બહેતરીન વિકલ્પ…મોરિંગા પોડી ઈડલી…સરળ રેસિપી..!
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હાઈ-પ્રોટીનથી સભર મલ્ટીગ્રેઈન ઢોંસા…સ્વાદ અને સ્વાસ્થ્યની સંભાળ એકસાથે!
આ પણ વાંચો: સવારના નાસ્તામાં શું બનાવવું એ સમજ ન પડે ત્યારે ટ્રાય કરો આ મિલેટ કટલેટ…હૅલ્ધી રેસિપી..!
