Food Recipe: આ મોરિંગા પોડી ઈડલી (Moringa Podi Idli )ને તમે આ મસાલેદાર પાવડર ભભરાવીને નારિયેળની ચટણી સાથે સવારના હૅલ્ધી નાસ્તા તરીકે આરોગી શકો છો.
સવારના બ્રેકફાસ્ટમાં ફટાફટ અને સરળતાપૂર્વક બની જતી આ એક હૅલ્ધી વાનગી છે…જો ઈડલીના બેટરને રાત્રે જ તૈયાર કરી દેવામાં આવે અને સવારે એક વારમાં જ તમે 16 થી 20 ઈડલી તૈયાર કરી શકો છો. આટલી ઈડલી એક નાના પરિવાર માટે પૂરતી હોય છે. આને હૅલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે એને પોડી અર્થાત્ એક ખાસ મસાલા સાથે ખાવી. મોરિંગાના પાનથી તૈયાર કરેલા મસાલેદાર પાવડરને મોરિંગા પોડી કહે છે. આ મોરિંગા પોડી ઈડલી (Moringa Podi Idli)ને તમે આ મસાલેદાર પાવડર ભભરાવીને નારિયેળની ચટણી સાથે સવારના હૅલ્ધી નાસ્તા (Healthy Breakfast) તરીકે આરોગી શકો છો. તો ચાલો જાણી લઈએ…એને બનાવવાની ઝટપટ રેસિપી…
શું છે મોરિંગા પોડી?
મોરિંગા પોડી (Moringa Podi) એ સરગવાના પાન, વિવિધ દાળ તથા મસાલાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો એક પરંપરાગત દક્ષિણ ભારતીય મસાલો (South Indian Traditional Masala) છે. આ વિશેષ મસાલા પાવડરમાં સરગવાના પાન (Drumstick Leaves) હોય છે જે પોષક તત્વો, આયર્ન ઉપરાંત એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. સરગવાને એક ‘સુપરફૂડ’ (Superfood) માનવામાં આવે છે. આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યસભર પાવડરને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો.
ઇડલી કોને પસંદ ન હોય! આ એક હળવી અને મજેદાર ડિશ છે જે હૅલ્ધી (Healthy Dish) પણ એટલી જ હોય છે! બાળકો તો એના દિવાના હોય છે. નાસ્તામાં, લંચબોક્સ (Lunch Box)માં કે સાંજના ખાણા (Dinner)માં આ મજેદાર વાનગીને ઓર પણ હૅલ્ધી અને મજેદાર બનાવવા માટે એમાં મોરિંગા પોડીનો ટિ્વસ્ટ આપો. આ વડીલો જ નહિં પરંતુ, બાળકોને પણ ખૂબ પસંદ પડશે.
આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકોને જમવાનું બનાવવાનો સમય ઘણો જ ઓછો મળતો હોય છે. આથી જ એ એવી રેસિપીની શોધમાં રહેતા હોય છે કે, જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ લાભકારક હોય. આમ તો ઇડલી દક્ષિણ ભારતીય વાનગી (South Indian Dish) છે પણ સમગ્ર ભારતમાં એના ચાહકોએ એને રોજબરોજના આહારમાં અપનાવી લીધી છે. સવારનો નાસ્તો હોય કે બાળકોનું લંચ બોક્સ, ઇડલી (Idli) હોટ-ફેવરિટ છે! જો તમે ઇડલીની પોષણ વેલ્યૂ (Nutrition Value)ને ઓર વધારવા માગતા હો તો મોરિંગા પોડી ઈડલી (Moringa Podi Idli) એક જબરદસ્ત વિકલ્પ છે. સ્વાદ અને સ્વાસ્થનો સંગમ એટલે મોરિંગા પોડી ઈડલી!
શી રીતે બનાવશો મોરિંગા પોડી ઈડલી? (Moringa Podi Idli Recipe)
મોરિંગા પોડી ઈડલી બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

સામગ્રી
સરગવાના પાન 1 કપ
ચણા દાળ 1 ચમચી
અડદ દાળ 1 ચમચી
કાળા મરી 1 ચમચી
અડધી ચમચી જીરું
તલ 1 ચમચી
2-3 ચમચી સરસિયું
3-4 લાલ સૂકા મરચાં
1 આમલીનો ટુકડો
5-7 કળી લસણ
ઈડલીનું ખીરું

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ મોરિંગા પોડી અર્થાત્ સરગવાના પાનનો મસાલો બનાવીશું. આ માટે સરગવાના પાન લેવા અને એને સારી રીતે સ્વચ્છ પાણીથી ધોઈ લેવા. જો પાંદડા પર મોટી દાંડી હોય તો એને દૂર કરી લેવી.
2. ત્યાર બાદ આ પાનને સારી રીતે સુકવી લેવા. તમામ પાણી સુકાઈ જાય ત્યાર બાદ કોઈ પૅનમાં નાખીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા.
3. હવે પાનને પૅનમાંથી કાઢીને સાઈડ પ્લેટમાં કાઢી લેવા અને ઠંડા કરવા.
4. આ જ પૅનમાં ચણા દાળ, અડદ દાળ, કાળા મરી, જીરું અને તલ (Gram dal, Urad dal, Black pepper, Cumin and Sesame seeds)ને સોનેરી થાય ત્યાં સુધી શેકવા.
5. આ મસાલાને પણ એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દેવા.
6. હવે આ પૅનમાં થોડું સરસિયું (Mustard Oil) લેવું અને ગરમ કરીને એમાં લસણ (Garlic) અને સૂકા મરચાને કેટલીક મિનિટ સુધી શેકી લેવા.
7. લસણ અને સૂકા મરચા ઠંડા થાય એટલે તમામ સામગ્રીને બ્લેન્ડરમાં ઉમેરીને આમલીના એક ટુકડા અને મીઠા સાથે વાટી લેવી. મોરિંગાના પાનને અલગથી પાવડર બનાવી લેવો.
8. હવે મોરિંગાના પાનના પાવડરને આ મિશ્રણમાં મિક્સ કરીને ફરીથી વાટી લેવું.
9. પ્લેન ઇડલીઓ અને નારિયેળની ચટણી તૈયાર કરી લેવી. હવે એક પૅનમાં થોડું તેલ ઉમેરીને એમાં ઈડલી શેકો અને ઉપરથી બે ચમચી જેટલો મોરિંગા પોડી મસાલો ઉમેરો અને ઈડલીને મિક્સ કરી લો.
તો તૈયાર છે તમારી ટેસ્ટી અને હૅલ્ધી મોરિંગા પોડી ઈડલી (Moringa Podi Idli)…જેને તમે સીંગદાણા અથવા નારિયેળની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો. એમાં સરગવાના પાનનો પાવડર હોવાથી એ ઘણી જ પૌષ્ટિક વાનગી ગણાય છે. બાળકોને તમે કેચ-અપ સાથે આપી શકો છો… એમને અવશ્ય ભાવશે!
આ પણ વાંચો: નરમ, પોચી ઈડલીનું ખીરૂ બનાવતા પહેલા આટલું ધ્યાન રાખો, ખાતા જ રહી જશો
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હાઈ-પ્રોટીનથી સભર મલ્ટીગ્રેઈન ઢોંસા…સ્વાદ અને સ્વાસ્થ્યની સંભાળ એકસાથે!
આ પણ વાંચો: ફટાફટ ટેસ્ટી-હૅલ્ધી પાલખ ઇડલી બનાવો, બાળકોને ખવડાવો..ખુશ થઇ જશે!!
