National News/ 2026ના અંતિમ 3 મહિના તોફાની બની શકે! ISROએ વાવાઝોડાને લઈને આપી મોટી ચેતવણી

ISRO ના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ઉત્તર હિન્દ મહાસાગરમાં ત્રણ શક્તિશાળી વાવાઝોડા ત્રાટકઈ શકે છે, જે 44 વર્ષના સરેરાશ કરતા 83 ટકા વધુ શક્તિશાળી હશે.

NATIONAL Top Stories India
ISRO

ISRO Cyclone Warning: વર્ષ 2026ના અંતિમ ત્રણ મહિના દરિયાકાંઠાના વિસ્તારો માટે પડકારજનક બની શકે છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા એટલે કે ISROના વૈજ્ઞાનિક અભ્યાસમાં ઉત્તર હિન્દ મહાસાગરમાં પોસ્ટ-મોન્સૂન સિઝન દરમિયાન ચક્રવાતી પ્રવૃત્તિ વધુ તીવ્ર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આ વિસ્તારમાં આશરે ત્રણ શક્તિશાળી ટ્રોપિકલ સાયક્લોન સર્જાઈ શકે છે અને તેમની સંયુક્ત તાકાત લાંબા ગાળાની સરેરાશની સરખામણીએ નોંધપાત્ર રીતે વધારે રહેવાનો અંદાજ છે.

વાવાઝોડાની તાકાત સરેરાશ કરતાં 83 ટકા વધુ રહેવાનો અંદાજ

અભ્યાસમાં ચક્રવાતોની કુલ તીવ્રતા માપવા માટે Power Dissipation Index એટલે કે PDIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ISROના રિપોર્ટ અનુસાર, 2026ની પોસ્ટ-મોન્સૂન સિઝન માટે PDI આશરે 13.06 × 10⁶ નોટ્સ³ રહેવાની ધારણા છે. આ આંકડો છેલ્લા 44 વર્ષના સરેરાશ સ્તર કરતાં લગભગ 83 ટકા વધારે હોવાનું જણાવાયું છે. આથી આ વર્ષે ચોમાસા બાદ દરિયાઈ વિસ્તારમાં વાવાઝોડાની પ્રવૃત્તિ સામાન્ય કરતાં વધુ સક્રિય રહી શકે છે.

લાંબા ગાળાના હવામાન ડેટાના આધારે તૈયાર થયો અંદાજ

વૈજ્ઞાનિકોએ સમુદ્ર અને વાતાવરણ સાથે જોડાયેલા લાંબા ગાળાના હવામાન આંકડાઓનું વિશ્લેષણ કરીને આ આગાહી તૈયાર કરી છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી નોંધાયેલા વિવિધ હવામાન પરિબળોના આધારે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીની ચક્રવાતી સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જોકે, આ અભ્યાસ કોઈ ચોક્કસ વાવાઝોડું કઈ તારીખે આવશે અથવા તે કયા સ્થળે લેન્ડફોલ કરશે તેની આગાહી કરતો નથી. આ પ્રકારની આગોતરી આગાહીથી ભારત સહિત ઉત્તર હિન્દ મહાસાગરના આસપાસ આવેલા દેશોના તટીય વિસ્તારોમાં વહીવટી તંત્રને તૈયારીઓ માટે વધુ સમય મળી શકે છે. સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોમાં રાહત અને બચાવ વ્યવસ્થા મજબૂત કરી શકાય છે. માછીમારોને દરિયામાં ન જવા અંગે સમયસર સૂચના આપી શકાય છે અને જરૂરિયાત મુજબ દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટે પણ અગાઉથી આયોજન કરી શકાય છે.

ચોક્કસ ચેતવણી માટે હવામાન વિભાગના અપડેટ મહત્વના

ISROનો આ અભ્યાસ સમગ્ર પોસ્ટ-મોન્સૂન સિઝનમાં ચક્રવાતી પ્રવૃત્તિની સંભવિત તીવ્રતાનો અંદાજ આપે છે. કોઈ ચોક્કસ સિસ્ટમની રચના, તેની દિશા અને લેન્ડફોલ અંગેની આગાહી માટે નજીકના સમયના સત્તાવાર હવામાન અપડેટ્સ પર નિર્ભર રહેવું જરૂરી રહેશે. તેથી તટીય વિસ્તારોમાં રહેતા લોકો માટે આગામી મહિનાઓ દરમિયાન સત્તાવાર હવામાન ચેતવણીઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.


આ પણ વાંચો:શું છે સુપર અલ નીનો જેણે 150 વર્ષ પહેલાં લીધો હતો 5 કરોડ લોકોનો જીવ? જાણો ભારત પર તેની અસર

આ પણ વાંચો: આગામી 5 વર્ષ પૃથ્વી માટે ભારે, ‘સુપર અલ નીનો’ મચાવશે તબાહી અને તૂટશે પેરિસ કરારની મર્યાદા

આ પણ વાંચો: El Ninoની અસર: સવારની ચાથી લઈને થાળી સુધી વધી શકે ખર્ચ