Anand News/ આણંદના રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ: 200થી વધુ વિદ્યાર્થિનીઓ અસરગ્રસ્ત, 20થી વધુ હોસ્પિટલમાં દાખલ

Anand Food Poisoning: આણંદના વલ્લભ વિદ્યાનગરની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન બાદ 200થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હોવાની ઘટના સામે આવી છે. 20થી વધુ વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે આરોગ્ય અને ફૂડ વિભાગે ખોરાકના સેમ્પલ લીધા છે.

Top Stories Gujarat Others Breaking News
Anand Food Poisoning: પનીરનું શાક અને ફ્રૂટ સલાડ બાદ 200થી વધુ વિદ્યાર્થિનીઓ બીમાર

Anand News: વલ્લભ વિદ્યાનગરમાં આવેલી રાણક ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રિભોજન બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓની તબિયત લથડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ 200થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ (Anand Food Poisoning)ની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ભોજન લીધા બાદ થોડા જ કલાકોમાં વિદ્યાર્થિનીઓને પેટમાં દુખાવો, ઝાડા અને ઊલટી જેવી ફરિયાદો શરૂ થઈ હતી. સ્થિતિ વણસતા હોસ્ટેલમાં દોડધામનો માહોલ સર્જાયો હતો.

રાત્રિભોજન બાદ અચાનક તબિયત લથડી

મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થિનીઓએ રાત્રિના ભોજનમાં પનીરની સબ્જી અને ફ્રૂટ સલાડ ખાધા હતા. ભોજન બાદ એક પછી એક વિદ્યાર્થિનીઓને પેટમાં દુખાવો, ઊલટી અને ઝાડા સહિતની તકલીફો શરૂ થઈ હતી. થોડા જ સમયમાં અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓની સંખ્યા વધતા હોસ્ટેલ સંચાલકોમાં પણ દોડધામ શરૂ થઈ હતી.

Anand Food Poisoning
Anand Food Poisoning

20થી વધુ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ

તબિયત વધુ બગડેલી જણાતાં 20થી વધુ વિદ્યાર્થિનીઓને સારવાર માટે શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થિનીઓના વાલીઓમાં પણ ચિંતા અને રોષ જોવા મળ્યો હતો. સારવાર શરૂ કરવામાં આશરે બે કલાક જેટલો વિલંબ થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જોકે આ વિલંબ અંગે સત્તાવાર તંત્ર તરફથી સ્પષ્ટતા થવી બાકી છે.

પનીર અને ફ્રૂટ સલાડ પર શંકા

હોસ્ટેલમાં પીરસવામાં આવેલા રાત્રિભોજનમાં પનીરની સબ્જી અને ફ્રૂટ સલાડનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે. આ ખોરાક લીધા બાદ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓમાં એકસાથે બીમારીના લક્ષણો દેખાતા ખોરાક દૂષિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ શું છે તે લેબોરેટરી તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

Anand Food Poisoning
Anand Food Poisoning

Anand Food Poisoning: રસોડાની તપાસમાં ગંદકી અને અનાજમાં જીવાત

ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા સંબંધિત આરોગ્ય ટીમો દ્વારા હોસ્ટેલના રસોડાની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રસોડામાં સ્વચ્છતાનો અભાવ અને ગંદકી જોવા મળી હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત સંગ્રહ કરાયેલા અનાજમાં જીવાત મળી આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા હોસ્ટેલમાં તૈયાર કરવામાં આવેલા ખોરાકના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટ બાદ ફૂડ પોઈઝનિંગનું મૂળ કારણ જાણવા મળશે.

આરોગ્ય વિભાગે હોસ્ટેલમાં કેમ્પ શરૂ કર્યો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમોએ હોસ્ટેલમાં જ કેમ્પ શરૂ કર્યો છે. અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓ ઉપરાંત અન્ય વિદ્યાર્થિનીઓનું પણ હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. હાલ સારવાર લઈ રહેલી વિદ્યાર્થિનીઓની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હોવાની માહિતી છે, જેના કારણે તંત્ર અને વાલીઓને થોડી રાહત મળી છે.

Anand Food Poisoning
Anand Food Poisoning

હોસ્ટેલ તંત્ર સામે કાર્યવાહી કરવાની માગ

મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓની તબિયત એકસાથે લથડતાં હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને રસોડાની સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. વાલીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. હવે ખોરાકના સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ અને આરોગ્ય વિભાગની તપાસમાં શું સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગનો કહેર: એક જ પરિવારના 5 સભ્યોની તબિયત લથડી, 5 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:સાબરકાંઠા: ઈડરની શાળામાં ફૂડ પોઈઝનિંગની અસર, 45થી વધુ બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા

આ પણ વાંચો:પાણીપુરી પડી ભારે! ભુજમાં પાણીપુરી ખાધા બાદ 100 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ