MANTAVYA Vishesh/ ટીવીની બાદશાહત પર ડિજિટલ મીડિયાએ મારી તરાપ

આજે કરોડો લોકોએ ટીવીમાં દૂરદર્શનથી કેબલ ટીવી અને સેટેલાઇટ ચેનલ તરફ વળતો આખો યુગ જોયો હશે. આમ ટીવી ભારતમાં લગભગ પાંચ દાયકાથી માહિતી પ્રસારણ અને મનોરંજનનો નોંધપાત્ર હિસ્સો રહ્યુ છે. તેમા 24 કલાકની ચેનલો આવ્યા પછી તો જાણે કશું બાકી જ રહ્યું નથી.

Mantavya Vishesh
TV

દૂરદર્શનનો જમાનો હતો તે સમયે ટીવી ઘરે હોવું તે જાણે સોસાયટીમાં ગૌરવ કહેવાતુ હતુ. ટીવી જેના હોય તે વ્યક્તિ આખી સોસાયટીમાં કોલર અદ્ધર રાખીને ઘરે ફરતો હતો. તેના ઘરે ટીવી જોવા માટે લોકોની ભીડ જામતી હતી. સગાઓ, કુટુંબીઓ અને પડોશીઓનો ઝમેલો ટીવીવાળાને ત્યાં હમેશા રહેતો હતો. પછી ટીવી લોકોના ઘેર-ઘેર આવવા માંડ્યા. તેમા પણ કેબલ ટીવી શરૂ થયા પછી તો ટીવી ફક્ત શોખ ન રહેતા જાણે ઘરની દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુ બની ગઈ હતી. તે પણ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી નહી, રંગીન ટીવી. આજે કરોડો લોકોએ ટીવીમાં દૂરદર્શનથી કેબલ ટીવી અને સેટેલાઇટ ચેનલ તરફ વળતો આખો યુગ જોયો હશે. આમ ટીવી ભારતમાં લગભગ પાંચ દાયકાથી માહિતી પ્રસારણ અને મનોરંજનનો નોંધપાત્ર હિસ્સો રહ્યુ છે. તેમા 24 કલાકની ચેનલો આવ્યા પછી તો જાણે કશું બાકી જ રહ્યું નથી.

કેટલાય સુખી ઘરો તો ઘરમાં ત્રણ-ત્રણ ટીવી રાખવા માંડ્યા હતા. તેમા વૃદ્ધ માબાપનું ટીવી અલગ, દંપતીનું ટીવી અલગ અને બાળકો માટેનું ટીવી અલગ. આના કારણે ટીવીનું ભારતીય મનોરંજન જગત પર દાયકાઓથી એકચક્રી શાસન હતુ. આના પગલે ડાયરેક્ટ ટુ હોમ (DTH) ચેનલોને પણ વેગ મળ્યો હતો. મોટી-મોટી કંપનીઓની DTH ચેનલોએ કેબલ ટીવી પ્રસારણમાં ક્રાંતિ આણી હતી અને કેબલ માફિયાઓની વોર અને પક્કડમાંથી ગ્રાહકોને છોડાવ્યા હતા અને નિર્વિઘ્ને મનોરંજન પૂરુ પાડવા માંડ્યુ હતુ. ટીવી ચેનલોની આ બાદશાહતનો જમાનો હતો અને ટીવી ચેનલો પણ ધમધોકાર ચાલતી હતી.

પણ હવે ટીવીની અને તેમા પણ ખાસ કરીને કેબલ ટીવી અને DTHની આ બાદશાહીનો અંત આવી રહ્યો લાગે છે. છેલ્લા છ વર્ષમાં કમસેકમ ચાર કરોડ લોકોએ DTHને તિલાંજલિ આપી દીધી છે. આનો અર્થ એવો નથી કે લોકોએ ટીવી જોવાના બંધ કરી દીધા, લોકો ટીવી તો જોઈ રહ્યા છે, પરંતુ તે સ્ક્રીન કેબલ કે ડિશથી નહીં પરંતુ ઇન્ટરનેટ કે ફ્રી-ટુ-એર વિકલ્પો વડે જોઈ રહ્યા છે.

કેન્ટર મીડિયા રિપોર્ટ 2025 મુજબ માર્ચ 2025માં ટીવી જોનારાની સંખ્યા 70 કરોડ હતી. તે સપ્ટેમ્બર આવતા સુધીમાં ઘટીને 68.9 કરોડ રહી ગઈ છે. અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેશમાં 31.3 કરોડ લોકો ફક્ત ડિજિટલ વ્યુઅર જ છે. આ ટીવી ઉદ્યોગ માટે સૌથી મોટો આંચકો છે. આ લોકો ઇન્ટરનેટ તો જુએ છે, પરંતુ ટીવી પર આવતી ચેનલો તે જરા પણ જોતાં નથી. તેમા પણ રસપ્રદ વાત એ છે કે દર ચારમાંથી દર ત્રણ પ્રેક્ષક ગ્રામીણ વિસ્તારોમાં છે. એક સમય હતો જ્યારે આ ગ્રામીણ વિસ્તાર ટીવીનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો. આજે આ જ ગ્રામીણ વિસ્તારમાં ટીવીના ગઢમાં ડિજિટલ મીડિયાએ ગાબડું પાડ્યું છે.

આ અંગે ઉદ્યોગના નિષ્ણાતનું કહેવું છે કે આ પરિવર્તનના બે કારણ છે. દેશના અમીર અને શહેરી કુટુંબો OTT પ્લેટફોર્મ્સ તરફ આગળ વધી રહ્યા છે. બીજી બાજુએ બજેટ ફ્રેન્ડલી મધ્યમ અને નિમ્ન આવક વર્ગના લોકો મોંઘા કેબલ બિલથી બચવા માટે DDની ફ્રી ડિશની મદદ લઈ રહ્યા છે. ક્રિસિલ રેટિંગ મુજબ 2019માં ખાનગી DTJ ઓપરેટરોના ગ્રાહકોની સંખ્યા 7.2 કરોડ હતી. હવે 2026 સુધીમાં ઘટીને તે પાંચ કરોડ થઈ જવાનો અંદાજ છે.

આ ઉપરાંત 2024નું વર્ષ ભારતીય મીડિયા ઇતિહાસમાં સૌથી મોટું પરિવર્તન લઈને આવ્યું. અહીં પહેલી વખત ડિજિટલ મીડિયામાંથી થતી કમાણીએ ટીવીને પાછળ છોડી દીધું. બ્રાન્ડ્સ હવે તેમના રૂપિયા તે પ્લેટફોર્મ્સ પર લગાવી રહી છે જ્યાં તેમને ખબર છે કે કેટલા લોકોએ જાહેરાત જોઈ અને કેટલા લોકોએ સામાન ખરીદ્યો. તેની સામે પરંપરાગત ટીવીમાં આ માપ કાઢવું મુશ્કેલ છે. તેથી ઇ-કોમર્સ અને કનેક્ટેડ ટીવી જાહેરાતોમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે.

કેબલ ટીવી અને DTJ સેક્ટરમાં આવેલી આ સુસ્તીની અસર સીધી આ સેક્ટરના રોજગાર પર પડી છે. 2018થી 2025 વચ્ચે કેબલ ટીવી અને DTJ સાથે જોડાયેલી લગભગ પાંચથી છ લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે. ચેનલ ચલાવતી કંપનીઓ ક્યાં તો નુકસાનમાં ચાલી રહી છે અથવા તો કંપની બંધ કરી રહી છે. જિયોસ્ટારે માર્ચ 2025માં નુકસાનના કારણે કોમેડી સેન્ટ્રલ અને એમટીવી બીટ્સ જેવી 11 ચેનલ બંધ કરી દીધી હતી.

વર્તમાન સ્થિતિને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે ટીવીનો દબદબો કંઈ સંપૂર્ણ ખતમ તો નહીં થઈ જાય, પરંતુ પહેલા જેવો દબદબો હતો તેવો દબદબો પણ નહીં રહે. ટીવી પહેલા જેવી બાદશાહત ભોગવતું હતું તેવી બાદશાહત રહે તેવી સંભાવના ઘણી ઓછી છે. આમ છતાં અહીં તે વાત નોંધવી જરૂરી છે કે પ્રાદેશિક ટીવી ચેનલો પર આ બધાની ખાસ અસર પડી નથી. તેનું કારણ એ છે કે તેની સાંસ્કૃતિક જડ ઘણી ઊંડી છે. તેની સાથે ઇન્ટરનેટ આધારિત IPTV અને OTT એપ્સનું ચલણ વધી રહ્યું છે. ટીવી હવે રેડિયોની જેમ જ પોતાની એક ખાસ જગ્યા બનાવીને તો રાખશે, પરંતુ પહેલાં જે તેની બાદશાહત અને દબદબો હતો તે ફરીથી જોવા નહીં મળે.

આ છે પરિવર્તનનો ફૂંકાતો પવન. એક પેઢી રેડિયો સાંભળીને, બીજી પેઢી ટીવી જોઈને અને ટેપ સાંભળીને, ત્રીજી પેઢી કેબલ ટીવી અને ડીટીએચ જોઈને મોટી થઈ તો હવે જમાનો ઇન્ટરનેટ આધારિત IPTV અને OTT એપ્સનો છે. હવે 5G તેમજ આગામી 6Gમાં ઉછરનારી નવી પેઢી મોબાઇલમાં જ બધુ જોઈ લેશે તેમ માનવામાં આવે છે. મોબાઇલ જ તેમનું રિમોટ બની જાય તો આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો