ભાવિશ્વ : ભાવિની વસાણી @ મંતવ્ય ન્યૂઝ
“ઢમ…ઢમ…ઢમ…ઢમ..ઢમ..ઢમ..
જ્ઞાનની ખુલી છે…. દુકાન,
ઓ અજ્ઞાની… જાગી જજો.”
જીવનમાં જ્ઞાન હોવું તે ખૂબ જ સારી બાબત છે. પરંતુ જ્ઞાની હોવાનો ભ્રમ ખૂબ જ ખતરનાક હોય છે. વાસ્તવિકતા અને ભ્રમણા વચ્ચે ઘણા અટવાઇ જતાં હોય છે. એક ખરા અર્થમાં જ્ઞાન હોય છે. જ્યારે બીજુ જ્ઞાન જેવો આભાસ હોય છે. મહદ અંશે આપણને જે દેખાય છે તે ચિત્ર સમગ્ર નથી હોતું. પરંતુ જે ચિત્ર દેખાય છે તેને જ આપણે સમગ્ર માની લઈએ તો એ ભ્રમણા છે. ઉદાહરણ તરીકે આપણે દરેક વ્યક્તિ વિશે એક ઈમેજ આપણી ફોટોફ્રેમમાં ફિટ કરી દઈએ છીએ. ફોટોફ્રેમમાં દેખાય છે તે ફોટો વાસ્તવિક જ હોય છે. પરંતુ ફોટોફ્રેમમાં દેખાય છે તે ફોટો સમગ્ર વાસ્તવિકતા રજૂ કરી શકે નહીં. વાસ્તવિક ચિત્ર અનેક ગણું વિશાળ હોઈ શકે છે. બીજા અર્થમાં જોઈએ તો આપણે જેવા રંગના ચશ્મા પહેરીએ છીએ તેવું જ ચિત્ર આપણને જોવા મળે છે. એક લાઈનમાં કહીએ તો દ્રષ્ટાની દ્રષ્ટિ સીમિત હોય છે જ્યારે દ્રશ્ય ખૂબ વિશાળ હોય છે. અત્યારે જ્યારે ઠેરઠેર લોકોને પોતાને જ્ઞાની હોવાનો વહેમ જોવા મળે છે,ત્યારે બીજું કંઈ હું કહી શકવા માટે સક્ષમ નથી પરંતુ એટલું જરૂર કહીશ કે જ્ઞાન અને ત્યાગ એ પ્રદર્શનની વસ્તુ નથી. બીજાની બાબત જ નહીં પોતાની બાબતમાં પણ આપણને ભ્રમણા થતી હોય છે. આપણે ભલે બીજાને ઓળખવાનો દાવો કરતા હોય પરંતુ આપણે પોતાની જાતને પણ ખરા અર્થમાં ઓળખી શકતા નથી. દા.ત. આપણને એવો ભ્રમ હોય કે આપણે ગાયક જેવું જ સૂરમાં ગાઇ શકીએ છીએ, પરંતુ વાસ્તવિકતા અંગે અન્ય લોકો આપણી નોંધ કરતા હોય છે.

cm rupani / મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી મોરારીબાપુએ પાઠવી સારા સ્વાસ્થ્યની શુભેચ્છા
જ્ઞાન એટલે શું? આ વિશે મેં ઘણું વાંચ્યું, સાંભળ્યું તથા અનુભવ્યું છે. તેમ છતાં હજુ પણ મને એવું લાગે છે કે હું સમજી શકી નથી. પરંતુ મારા મનમાં સંગ્રહ થયેલી જ્ઞાન વિશેની આના કરતાં વધારે સુંદર વ્યાખ્યા મેં ક્યાંય જોઈ કે સાંભળી નથી. એકવાર રામકૃષ્ણ પરમહંસ નાના હતા ત્યારે તેઓનું મન શાળામાં લાગતું ન હતું. તેઓને શાળાના શિક્ષકો પાસેથી શીખવવામાં આવતું કશું જ ગમતું ન હતું. તેઓ જ્ઞાનની ખોજ કરી રહ્યા હતા.તેઓને ઘરમાં બધા ‘રામ’ કહીને બોલાવતા હતા. તેમના મોટાભાઈ સાથે જ્ઞાન કોને કહેવાય? તે અંગેની ચર્ચા થઈ રહી હતી. આ વખતે મોટાભાઈ જે પણ કહે તેની સામે નાના ભાઈ એટલે કે ‘રામ’ એમ જ કહે… આ જ્ઞાન નથી, આ જ્ઞાન નથી… આવુ બે-ત્રણ વખત બને છે. ત્યારે મોટાભાઈ ગણિત અને વિજ્ઞાનના ઉદાહરણો દ્વારા જ્ઞાનની સમજ આપે છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસ મોટાભાઈ પાસે નેતિ…નેતિ…નેતિ… કરતા જાય છે, ત્યારે મોટાભાઈ કહે છે કે ‘રામ’આખરે તું જ્ઞાન કોને કહે છે ? પછી એક રામકૃષ્ણ પરમહંસ એક વાર્તા દ્વારા જ્ઞાનની સમજ આપે છે. તેઓ જુના સમયના વાતાવરણ પ્રમાણે ઉદાહરણ આપે છે કે જ્યારે એક કન્યાને વિવાહ અર્થે કોઈ કુમાર જોવા જાય છે. આ વખતે જે કન્યાનું સગપણ નિશ્ચિત થવા જઈ રહ્યું છે, તે તેની સખીઓ જોડે બાજુના ઓરડામાં હોય અને પડદા પાછળથી આ કુમાર અને તેના ભાઈબંધોને નિહાળી રહી હોય. અને કન્યાને તેની સખીઓ બતાવીને પૂછે છે આમાં તારા વાળો કોણ ? તે પડદા પાછળથી વારાફરતી આંગળી બતાવીને પૂછે છે આ… ત્યારે કન્યા કહે છે…”ના” પરંતુ જ્યારે આ આંગળી મૂળ પાત્ર પર જશે ત્યારે કન્યાની આંખો નીચી નમી જશે અને તે “હા” કે “ના” કશું જ નહીં બોલે. કારણકે અહીં મૌનમાં પણ સ્વીકૃતિ હોય છે. આમ, જ્ઞાન એ છે જેનો ચૂપચાપ સ્વીકાર કરી લેવામાં આવતો હોય.

Cricket / IPL માટે ખેલાડીઓની હરાજીની યાદીમાં ગુજરાતનાં 17 ખેલાડીઓનો સમાવેશ
જ્યારે ત્યાગ એટલે શું ? આ બાબતમાં વર્ષો પહેલા મોરારીબાપુની કથામાં સાંભળેલો એક દ્રષ્ટાંત મને ખૂબ જ પસંદ છે. ભગવાન રામ જ્યારે પિતા દશરથે માતા કૈકેયીને આપેલા વચન મુજબ ૧૪ વર્ષના વનવાસ માટે જવા રવાના થઈ રહ્યા હોય છે . આ વખતે ભગવાન રામને વળાવવા માટે કૌશલ્યા માતા, સુમિત્રા માતા અને કૈકેઈ માતા સહિત સમગ્ર રઘુકુળ, રાજભવનમાં રહેતા પરિજનો તેમજ અયોધ્યાવાસીઓ તેમને વિદાય આપવા માટે તેમની સાથે-સાથે ગામ પૂરું ન થાય ત્યાં સુધી ચાલીને જાય છે. આ વખતે ખૂબ જ ભાવુક દ્રશ્ય સર્જાય છે તેમજ બધાના આંખમાં અશ્રુ હોય છે. નાનાભાઈ લક્ષ્મણજી ભગવાન રામ અને ભાભી સીતાની સાથે જીદ કરીને વનવાસમાં જોડે સેવા કરવા માટે જાય છે. ત્યારે ભગવાન રામના ભાઈ ભરતજીએ મનોમન નિશ્ચય કર્યો હોય છે કે તેઓ ભગવાન રામની જગ્યા ક્યારેય લેશે નહીં અને તેમણે પોતાના મોટાભાઈ રામના પાદુકા રાજગાદી પર રાખી વર્ષો સુધી તેમની પૂજા કરી હતી. એટલું જ નહીં ભગવાન રામ ઉઘાડા પગે વનવાસમાં જઈ રહ્યા હોય, ભરતજી પણ મનોમન નિર્ણય કરે છે કે તેઓ પણ ભગવાન રામના વનવાસના વર્ષો દરમિયાન ચરણપાદુકા પહેરશે નહીં. પરંતુ તેઓ જ્યારે ભગવાન રામને ગામ લોકોની સાથે-સાથે વિદાય આપવા માટે જાય છે ત્યારે પગમાં પાદુકા પહેરીને જાય છે. તેનું સૌથી મોટું કારણ એ હતું કે ભરતજી મોટાભાઈ રામ, ત્રણેય માતાઓ તેમજ લાગણીશીલ અયોધ્યાવાસીઓ સમક્ષ પોતાના ત્યાગને દર્શાવવા નહોતા માંગતા કારણકે બે ભાઈઓ જ્યારે વનવાસમાં જઈ રહ્યા હોય ત્યારે ભરતજી પોતે પણ આવો પ્રણ લે ત્યારે માતાઓને કેટલું દુઃખ થાય એમ વિચારીને તેઓએ નક્કી કર્યું હોય છે કે તેઓ જે ત્યાગ કરી રહ્યા છે તેના વિશે કોઈને ખબર પડવા દેશે નહીં. આમ, ત્યાગ એ પણ પ્રદર્શન માટે હોતો નથી ત્યાગ એક લાગણી છે. આવું જ કંઈક દાનનું હોય છે. આજે ઠેર-ઠેર લોકો પોતાને દાતા ગણાવીને પ્રસિદ્ધિ કરી અને પોતાનો અહમ પોષતા જણાઈ રહ્યા છે ત્યારે આ માટે આપણી ગુજરાતી કહેવત છે કે “જમણો હાથ દાન કરે તો ડાબા હાથને પણ તેની ખબર પડવા દેવી જોઈએ નહીં.” આ બધી બાબતો સ્વૈચ્છિક સમજણ માટેની હોય છે.
ભાવનગર / પાલીતાણા ન.પા.માં કોંગ્રેસને મોટો ઝટકો, 31 ફોર્મ રદ્દ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
