કહેવાય છે નર્મદા નદીનો પ્રવાહ, તેના અવનવા વળાંકો અને તેની ગતિને કળવી અઘરી છે. હવે આવું નર્મદા જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE)માં એન્ટ્રી મેળવવા આવકના બનાવટી દાખલાનું કૌભાંડ થયું છે. હવે આ કૌભાંડે રાજકીય સ્વરૂપ ધારણ કરતાં રીતસરનો ભડકો થયો છે. તેમા પણ કૌભાંડ કરનાર ભાજપના નજીકના નેતાને ઓળખતો હોવાનું કહેવામાં આવતા તે નેતાએ હાથ ખંખેરી નાખ્યા છે.
આવકના બનાવટી દાખલાના કૌભાંડનો મુખ્ય આરોપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલને ઓળખતો હોવાનું બહાર આવતા અને તેની સાથે ઘરોબો ધરાવતો હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. આના પગલે ઘનશ્યામ પટેલે સ્પષ્ટતા કરવી પડી હતી કે હું આરોપી દર્પણને ઓળખતો પણ નથી અને તે કોઈ ગુનામાં સંડોવાયેલો હોય તો તેની મને કંઈ ખબર નથી.
આવકના ખોટા દાખલાના પ્રકરણમાં પાંચ ફરાર આરોપીમાં અત્યાર સુધી એકપણ આરોપી પકડાયો નથી. હવે તેમા સાંસદ મનસુખ વસાવાએ પણ ઝંપલાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આવકના બનાવટી દાખલાનું કૌભાંડ કંઈ નાનુંસૂનું નથી. તેમા અનેક મોટા માથાની સંડોવણી છે. તેમણે જણાવ્યું હતું કે તેમા ફક્ત ભાજપના જ નેતાઓ સંડોવાયેલા છે તેવું નથી, તેમા કોંગ્રેસના અને આપના નેતાઓ પણ સંડોવાયેલા છે.
હવે મનસુખ વસાવા જેવા સાંસદે આ વાત કરતા કૌભાંડની ચિનગારીએ આગ પકડી છે. હવે આ મામલામાં ભાજપના નેતાના આક્ષેપોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. અગાઉ મુખ્ય કૌભાંડી દર્પણ પટેલ ભાજપ સાથે ઘરોબો ધરાવતો હોવાની વાત હતી. તેની રાજકીય વગની વાત હતી. જ્યારે ભાજપના જ સાંસદ મનસુખ વસાવાનો દાવો છે કે અહીં તો ગાંધી-વૈદ્યનું સહિયારું છે.
મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી (આપ) પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા પણ આ કૌભાંડમાં સામેલ છે, જ્યારે દર્પણ પટેલ નિરંજન વસાવાના મિત્ર છે. તેઓને આ કૌભાંડની જાણકારી પણ છે. તેની સાથે તેઓ તેમા હિસ્સેદાર હોય તેવી સંભાવના પણ નકારી શકાય નહીં. રૂપિયા કોને ના ગમે.
આ ઉપરાંત આવકના બનાવટી દાખલાના કૌભાંડનો વ્યાપ પણ વધ્યો છે. તેમા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માંગરોળ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ રાજપીપળા પોલીસમથકે પરિયાદ નોંધાવી હતી. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓએ ચિત્રાવાડી ગ્રામ પંચાયતમાં આવકના ખોટા દાખલા બનાવી તેમા તલાટી કમ મંત્રી તરીકેની ખોટી સહીઓ કરી હતી. આ ઉપરાંત ચિત્રાવાડી ગ્રામ પંચાયતના ખોટા સીલ એટલે કે સિક્કા પણ લગાવ્યા હતા. આવકના ખોટા દાખલાઓનો ઉપયોગ રાઇટ ટુ એજ્યુકેશનનો ખોટો લાભ લેવા માટે કરવામાં આવ્યો હતો. આ તપાસ રાજપીપળા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી કરી રહ્યા છે.
આ ઉપરાંત નર્મદાના એએસપી લોકેશ યાદવે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચિત્રવાડી ગામમાં પણ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને આવકનો બનાવટી દાખલો બનાવવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત અન્ય પંચાયતે પણ આરોપી દર્પણ સહિત બીજા આઠેક જણા સામે ફરિયાદ કરી છે. ફક્ત સ્કૂલમાં પ્રવેશવા જ નહીં વિધવા સહાય યોજનામાં પણ આ પ્રકારે આવકના બનાવટી દાખલાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આના પગલે આગામી દિવસોમાં સિટની તપાસનો વ્યાપ વધુ વિસ્તરી શકે છે. તેની સાથે આ કૌભાંડમાં નવા ફણગા ફૂટે તો આશ્ચર્ય નહીં થાય.
બીજી બાજુએ મનસુખ વસાવાએ કૌભાંડને લઈને ધુંઆધાર બેટિંગ શરૂ કરી દીધી છે. તેનું કહેવું છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયના નેતાઓ આવકના ખોટા દાખલાના કૌભાંડના મોરચે તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ કરીને બેસી ગયા છે. ભાજપનું કંઈપણ હોય તો ઉછળી-ઉછળીને બોલતી કોંગ્રેસ આ વખતે આ કૌભાંડને લઈને કેમ ચૂપ છે, તેની આ ચુપ્પી જ બતાવે છે કે આ બધુ કંઈ એમને એમ થઈ રહ્યું નથી. હું પોતે ભાજપનો હોવા છતાં કહું છું કે આ કૌભાંડમાં ભાજપવાળા છે તો પછી કોંગ્રેસને તે કહેવામાં શું ચૂંક આવે છે કે અમારા નેતાઓ અને આગેવાનોની પણ તેમા મિલીભગત છે.
તેમણે આપ પર પણ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા તો વાતે-વાતે કૂદી પડતા હોય છે. લોકોના પ્રશ્નોની રજૂઆત કરવા તંત્ર સમક્ષ દોડી આવતા હોય છે. હવે તેમને આ કૌભાંડમાં લોકોનો કોઈ પ્રશ્ન દેખાતો નથી. આવકના ખોટા દાખલાના કૌભાંડને લઈને તેમણે કેમ મોઢા સીવી લીધા છે. પોતાના જ પક્ષની વ્યક્તિ હોય તો મોઢું નહીં ખોલવાના અલિખિત નિયમનું તે પાલન કરી રહ્યા હોય તો તેમા આશ્ચર્ય પામવા જેવું કશું નથી.
જો કે મનસુખ વસાવાની આ ધડબડાટીના પગલે કોંગ્રેસ તો કશું ન બોલી પરંતુ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આવકના બનાવટી દાખલાના આ કૌભાંડમાં ભાજપના નેતાઓ આરોપીઓને તેમનું રાજકીય કવચ આપવામાં લાગી ગયા છે. તેના કારણે જ આ આરોપીઓ હજી સુધી પોલીસની પક્કડમાં આવ્યા નથી. તેમણે તો દાવો કર્યો હતો કે જો પોલીસ ધ્યાનથી તપાસ કરે તો આ આરોપીઓ ભાજપના જ કોઈ નેતા કે કાર્યકરના ઘરમાંથી જ મળી આવશે. શાસક પક્ષના લોકો કૌભાંડમાં સામેલ હોવાથી તેની તપાસ પણ ધીમી ગતિએ ચાલી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેની સાથે આ કૌભાંડની ફળશ્રુતિમાં કૌભાંડીઓ કોરાધાકોર નીકળી જશે તેમ તેમણે જણાવ્યું હતું. પણ તેઓ અને આમ આદમી પાર્ટી શાસક પક્ષના ભ્રષ્ટાચાર સામેની લડત જારી રાખશે અને જ્યારે પણ તેની ખબર પડી કે તેને ખુલ્લો પાડવાની તક મળી તો તેને ખુલ્લો પાડતા રહેશે તેવો દાવો તેમણે કર્યો હતો.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
