Tech News: એક સમય હતો જ્યારે માણસે વિજ્ઞાનની મદદથી એવી (Artificial Intelligence Risk) શક્તિ ઊભી કરી હતી, જેના વિશે તેને લાગતું હતું કે તે દુનિયાને બદલી નાખશે. પરમાણુ બોમ્બના વિકાસ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપનહાઇમર અને તેમની ટીમે જે ટેક્નોલોજી વિકસાવવામાં મદદ કરી, તેનો પ્રથમ વખત યુદ્ધમાં ઉપયોગ થયો અને 1945 માં હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા.થોડા જ સમયમાં દુનિયાને સમજાયું કે માણસે માત્ર નવી ટેક્નોલોજી નથી બનાવી…તેણે પોતાની જ વિનાશ કરવાની ક્ષમતા પણ અનેકગણી વધારી દીધી છે. પછી રસાયણશાસ્ત્ર અને ઉદ્યોગમાં થયેલા અનેક આવિષ્કારોની જેમ બીજી ઘણી ટેક્નોલોજીનો ઉપયોગ પણ સારા અને ખરાબ- બંને હેતુઓ માટે થયો.
Artificial Intelligence Risk
એટલે આજે સવાલ એ નથી કે ટેક્નોલોજી સારી છે કે ખરાબ.સવાલ એ છે કે… ટેક્નોલોજી માણસ કરતાં ઝડપથી શક્તિશાળી બનવા લાગે, તો તેનું નિયંત્રણ કોના હાથમાં રહેશે? અને આજે આ સવાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સામે ઊભો થયો છે. કારણ કે AI બનાવતી કંપનીમાં કામ કરી ચૂકેલો એક સંશોધક નોકરી છોડીને બહાર આવ્યો છે અને કહી રહ્યો છે…“AI કંપનીઓ આપણા જીવન સાથે જુગાર રમી રહી છે.” આ સંશોધકનું નામ છે … જેકબ કોક્સન(Jacob Coxon)
I resigned from Anthropic today. I spent the last three years doing pretraining research at both OpenAI and Anthropic. Neither company is acting responsibly. They are racing straight to self-improving superintelligence and gambling with our lives. More thoughts below.
— Jacob Coxon (@hilbertspaess) September 9, 2026
27 વર્ષીય કોક્સને તાજેતરમાં એન્થ્રોપિકમાંથી (Anthropic) રાજીનામું આપ્યું. તેઓ અગાઉ ઓપનએઆઈ અને એન્થ્રોપિક બંનેમાં AI મોડલ્સના પ્રી-ટ્રેનિંગ સાથે જોડાયેલા સંશોધનમાં કામ કરી ચૂક્યા છે.અને રાજીનામું આપ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર એવી ચેતવણી આપી કે AIની દોડ ભવિષ્યમાં અત્યંત શક્તિશાળી, પોતાની ક્ષમતાઓ સુધારતી સિસ્ટમ્સ સુધી પહોંચી શકે છે. કોક્સનની ચિંતા છે કે કંપનીઓ સેલ્ફ-ઇમ્પ્રુવિંગ સુપર-ઇન્ટેલિજન્સ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે.

સરળ ભાષામાં સમજીએ તો…આજે આપણે AIને પ્રશ્ન પૂછીએ છીએ અને તે જવાબ આપે છે.આવતી કાલે એવી સિસ્ટમની કલ્પના કરવામાં આવે છે જે વધુને વધુ જટિલ કામ કરી શકે, પોતાની ક્ષમતાઓ સુધારવામાં મદદ કરી શકે અને અનેક ક્ષેત્રોમાં માનવી કરતાં આગળ નીકળી શકે.
અહીંથી સૌથી મોટો સવાલ ઊભો થાય છે…AI જેટલી ઝડપથી શક્તિશાળી બનશે, શું માણસની તેને સમજવાની અને નિયંત્રિત કરવાની ક્ષમતા પણ એટલી જ ઝડપથી વધશે? અને આ ચિંતા માત્ર કોક્સનની નથી. એન્થ્રોપિકના સિનિયર સંશોધક ઇવાન હ્યુબિંગરએ પણ કોક્સનની ચિંતાને જાહેરમાં સમર્થન આપ્યું. હ્યુબિંગરે પોતાના વ્યક્તિગત અંદાજ તરીકે કહ્યું કે આગામી દાયકામાં AIના કારણે માનવજાત માટે અત્યંત ગંભીર અસ્તિત્વના જોખમની શક્યતા તેઓ દસ ટકાથી વધારે માને છે.પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. આ કોઈ સાબિત ભવિષ્યવાણી નથી. આ એક સંશોધકનો વ્યક્તિગત જોખમનો અંદાજ છે.
એટલે સવાલ એ નથી કે “AI ચોક્કસપણે માણસોને ખતમ કરી દેશે.” સવાલ એ છે…જો આવી શક્યતા નાની હોય, પરંતુ પરિણામ આખી માનવજાત માટે વિનાશક હોય, તો શું આપણે એ જોખમને અવગણી શકીએ? આ જ કારણથી AI સલામતી અંગેની ચર્ચા વધી રહી છે.

હવે વાત કરીએ એન્થ્રોપિકની. એન્થ્રોપિક વિશ્વની જાણીતી AI કંપનીઓમાંની એક છે અને તેનું મુખ્ય AI મોડલ છે ક્લોડ.કંપનીએ શરૂઆતથી જ AI સલામતી અને જવાબદારી પર (Self Improving AI) ભાર મૂકવાની વાત કરી છે.એટલે જ્યારે એ જ કંપનીનો સંશોધક બહાર આવીને કહે કે AI વિકાસની દોડ જોખમી બની શકે છે…ત્યારે સવાલ વધુ ગંભીર બની જાય છે.અને AIની આ ચિંતા માત્ર એક કંપની પૂરતી નથી. AI સલામતી સાથે જોડાયેલા અનેક સંશોધકો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે કે ટેક્નોલોજીની ક્ષમતાઓ જે ઝડપે વધી રહી છે, તેની સામે તેને વિશ્વસનીય રીતે ચકાસવાની અને નિયંત્રિત કરવાની વ્યવસ્થા એટલી ઝડપથી વિકસી રહી છે કે નહીં … એ મોટો પ્રશ્ન છે.
અહીં ફરીથી ઇતિહાસ આપણને એક વાત યાદ અપાવે છે.પરમાણુ વિજ્ઞાનનો વિકાસ માણસે કર્યો હતો.પણ તેના જોખમોને નિયંત્રિત કરવા માટે દુનિયાને પછીથી નિયમો, સંધિઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવી પડી.AI સાથે પણ કદાચ આજનો સવાલ એવો જ છે…પહેલા શક્તિ ઊભી કરવી કે પહેલા તેને નિયંત્રિત કરવાની વ્યવસ્થા ઊભી કરવી? કારણ કે AIનો ખતરો માત્ર કોઈ ફિલ્મના રોબોટ જેવો હોવો જરૂરી નથી. વધુ શક્તિશાળી AIનો દુરુપયોગ ખોટી માહિતી, સાયબર હુમલા અને અન્ય ગંભીર નુકસાન માટે થઈ શકે છે.અને જો ભવિષ્યમાં AI પોતાની ક્ષમતાઓમાં ખૂબ ઝડપથી સુધારો કરવામાં સક્ષમ બને…તો તેને નિયંત્રિત કરવાની સમસ્યા વધુ જટિલ બની શકે છે.

એટલે આજે દુનિયા સામે બે રસ્તા છે. એક તરફ છે … AIની અદ્ભુત પ્રગતિ. બીજી તરફ છે …આ પ્રગતિની સાથે જોડાયેલા અજાણ્યા જોખમો.અને કદાચ સૌથી મોટો સવાલ આ નથી કે…“AI આપણને ખતમ કરશે કે નહીં?” સવાલ એ છે… “AI એટલું શક્તિશાળી બને એ પહેલાં શું આપણે તેને સુરક્ષિત રીતે નિયંત્રિત કરવાની રીત શોધી શકીશું?” હિરોશિમા અને નાગાસાકીની ઘટના આપણને ટેક્નોલોજીથી ડરવાનું નથી શીખવતી…પરંતુ એ જરૂર શીખવે છે કે માણસ પોતાની બનાવેલી શક્તિના પરિણામો વિશે પહેલેથી વિચારતો રહે. ટેક્નોલોજી માણસની સુવિધા માટે હોવી જોઈએ… માણસના નિયંત્રણની બહાર જવા માટે નહીં.
તો હવે સવાલ તમારો…AIની આ દોડ રોકવી જોઈએ? કે પછી વિકાસ ચાલુ રાખીને તેની સાથે સુરક્ષા પણ એટલી જ ઝડપથી વિકસાવવી જોઈએ? તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો.
આ પણ વાંચો: 6G ઈન્ટરનેટ ક્રાંતિ તરફ ભારતનું મોટું કદમ,સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત-અમેરિકા હાથ મિલાવશે
આ પણ વાંચો: OpenAI એ લોન્ચ કર્યું અત્યાધુનિક GPT-6 Astra, માનવ મગજની જેમ વિચારવામાં સક્ષમ
આ પણ વાંચો:AI Jobs: બિલ ગેટ્સની 3 મોટી ચેતવણી, યુવાનોની નોકરીઓ પર વધશે ખતરો
