અમેરિકાના અલાબામામાં મૃત્યુદંડને અંજામ આપવા માટે નાઈટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દોષિત ઠરેલા આરોપીને ફેસ માસ્ક દ્વારા નાઈટ્રોજન ગેસ શ્વાસમાં આપવામાં આવ્યો હતો, જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. જ્યારે નાઈટ્રોજન ગેસ શરીરમાં પ્રવેશે છે, ત્યારે તે ઓક્સિજનનો નાશ કરે છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે. ત્યારે નાઈટ્રોજન ગેસ શ્વાસમાં લઈને મૃત્યુદંડ આપવાની આ પદ્ધતિએ સમગ્ર વિશ્વમાં નવી ચર્ચા જગાવી છે.
1988ની વાત છે. એક પાદરીએ કેનેથ યુજીન સ્મિથ અને તેનાં સહયોગીને તેની પત્નીની એલિઝાબેથની હત્યા કરવા માટે રાખ્યો હતો, અને આ બંનેએ બદલામાં પાદરી પાસેથી એક હજાર ડોલર લીધા હતા. બંનેએ પહેલા એલિઝાબેથને ચાકુ માર્યું હતું, પરંતું એ પછી પણ જ્યારે તે મૃત્યુ પામી નહીં, ત્યારે તેને ઢોરમાર મારીને ખતમ કરી દેવાઈ. ત્યારબાદ હત્યાના એક અઠવાડિયા પછી એલિઝાબેથના પાદરી પતિએ પણ આત્મહત્યા કરી. આ પછી પોલીસે તપાસ કરી અને સ્મિથ અને તેના પાર્ટનર વિરુદ્ધ કેસ દાખલ કર્યો, જ્યાં કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા હતા, સાથે જ સાથીદારને આજીવન કેદ અને સ્મિથને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
નવેમ્બર 2022માં સ્મિથને ઝેરી ઈન્જેક્શન આપીને સજા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતું નસ ન મળવાના કારણે તેને ઈન્જેક્શન આપી શકાયું ન હતું, અને આ પછી તેનું ડેથ વોરંટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.અને હવે ફરી એકવાર અમેરિકન રાજ્ય અલબામાનું વહીવટીતંત્ર સ્મિથને નાઇટ્રોજન ગેસ આપીને મૃત્યુદંડની સજા આપી છે.
ત્યારે હવે આપને જણાવી દઈએ કે નાઈટ્રોજન દ્વારા મૃત્યુદંડ કેવી રીતે અપાય છે? તો વ્યક્તિને એર ટાઈટ માસ્ક લગાવવામાં આવે છે, અને અધિકારીઓ આ માસ્કમાં શુદ્ધ નાઈટ્રોજન ગેસ છોડે છે. ત્યારબાદ જેતે વ્યક્તિ એ શ્વાસ લેવા માટે મજબૂર થવું પડ છે, પરિણામે ફેફસાંમાં નાઇટ્રોજન ગેસ પ્રવેશતાંની સાથે જ તેનું મૃત્યુ થાય છે. ત્યારે અલબામા સ્ટેટના ડેથ પેનલ્ટી ઇન્ફોર્મેશન સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રોબિન માહેરે સજા આપતા પહેલા જણાવ્યું હતું તે તેમને નાઇટ્રોજન ફાંસીની સજાનો કોઈ અનુભવ નથી તેમજ અમે ક્યારેય કોઈ ટેસ્ટિંગ પણ કર્યું નથી. તેમ છતાં અમને ખાતરી છે કે આનાથી સ્મિથને અંતિમ સફરમાં કોઈ મુશ્કેલી નહીં પડે. તે કોઈપણ પીડા વિના મૃત્યુ પામશે.
નાઇટ્રોજનથી મોત આપનાર ડેથ ચેમ્બરનું દૃશ્ય કઈક આવું હશે જેમાં કેદીના હાથ-પગ સાંકળોથી બાંધવામાં આવ્યા હશે અને એર ટાઈટ માસ્ક લગાવવામાં આવ્યું હશે, ત્યારબાદ વોર્ડને ડેથ વોરંટ વાંચી અને કેદીને તેને છેલ્લી વખત શું કહેવું છે તે પુછવામાં આવ્યું હશે . વોર્ડન નાઈટ્રોજન હાયપોક્સિયા સિસ્ટમને દૂરથી સક્રિય કરી હશે અને તેનાથી ખતરનાક ગેસ નીકળ્યો હશે… ત્યારબાદ નાઇટ્રોજન શરીરમાં જતાજ ઑક્સિજનને મગજ સુધી પહોંચતા અટકાવશે અને થોડીવાર પછી તે બેભાન થઇ એક પછી એક અંગો ખરાબ થવા લાગ્યા હશે અને તેમ છતાં જો દોષિતનું મૃત્યુ ન થાય, તો 15 મિનિટ સુધી ગેસનો સપ્લાય ચાલુ રાખવામાં આવ્યો હશે. આ પ્રક્રિયામાં રિસ્ક પણ રહેલ છે… ગેસ લીક થઈ શકે છે અને અન્ય લોકોને પણ તેની અસર થઇ શકે છે, માસ્કથી પણ ઓક્સિજન અંદર જઈ શકે છે અને ઓક્સિજન ઓછું હોવાનાં કારણે તેને ઉલ્ટી પણ થઈ શકે છે..
હવે સવાલ એ થાય છે કે જો મૃત્યુ સરળ છે તો યુએન શા માટે વિરોધ કરી રહ્યું છે? આપને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક સંગઠનો નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડનો વિરોધ કરી રહ્યા છે. યુએનમાં માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા રવિના શામદાસાનીએ જણાવ્યું હતું કે અમે નાઇટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડની સજા અંગે ચિંતિત છીએ, કારણ કે તેનો અગાઉ ક્યારેય ઉપયોગ થયો નથી. આ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદા હેઠળ ત્રાસ, ક્રૂરતા અને અમાનવીય હોઈ શકે છે.
તો એમોરી યુનિવર્સિટીના એનેસ્થેસિયોલોજી અને સર્જરીના એસોસિયેટ પ્રોફેસર ડૉ. જોએલ જિવોટ કહે છે કે મૃત્યુની આ પદ્ધતિ આરામદાયક હોઈ શકે નહીં. આ સૌથી ક્રૂર પદ્ધતિ છે. જ્યારે ગેસ સપ્લાય કરવામાં આવે છે ત્યારે એ લીક થઈ શકે છે, અને અન્ય લોકો પણ એનો શિકાર બની શકે છે. આ સજા અંગેનો રિપોર્ટ ખુદ ડૉ.જિવોટે યુએનને મોકલી આપ્યો છે.
તો સ્મિથનાં જેલનાં સલાહકાર ડૉક્ટરે જણાવ્યું હતું કે ઘણા તબીબી નિષ્ણાતોએ મને ચેતવણી આપી છે કે હું મારા જીવનને જોખમમાં મૂકી રહ્યો છું. જો નાઇટ્રોજન પાઇપમાંથી ગેસ લીક થાય અથવા માસ્કમાંથી લીક થાય, તો નાઇટ્રોજન આખા રૂમમાં ફેલાઈ શકે છે, અને નાઈટ્રોજનના સંપર્કમાં આવવાથી મૃત્યુ થઈ શકે છે.
હવે સવાલ એ પણ થાય કે આપણે 78% નાઈટ્રોજન તો શ્વાસમાં લઈએ છીએ તો શા માટે આપણે મૃત્યુ પામતા નથી? તો એઈમ્સના ભૂતપૂર્વ વરિષ્ઠ નિવાસી અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જયેશ દુબેના જણાવ્યા અનુસાર, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણું શરીર 78% નાઈટ્રોજન, 21% ઓક્સિજન, 0.04% કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય વાયુઓ શ્વાસમાં લે છે. ઓક્સિજન આપણા હીમોગ્લોબિન સાથે જોડાય છે અને આખા શરીરમાં ફેલાય છે. ઓક્સિજનના દબાણને કારણે અમુક ઓક્સિજન લોહીના પ્લાઝ્મામાં ઓગળી જાય છે અને રુધિરકેશિકાઓ દ્વારા આપણા હીમોગ્લોબિનમાં ઘણો ઓગળી જાય છે. 97% ઓક્સિજન હીમોગ્લોબિનમાં ભળે છે અને લોહી દ્વારા આખા શરીરમાં ફેલાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે 78% નાઈટ્રોજનનું શું થાય છે? તો ખરેખર, આપણા શરીરને ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. એ પ્રતિક્રિયા પણ કરે છે, જે આપણા શરીરના મૂળભૂત મેટાબોલિક કાર્યો કરે છે. આપણે જે નાઈટ્રોજન શ્વાસમાં લઈએ છીએ એ નિષ્ક્રિય વાયુ છે.
નાઈટ્રોજન કોઈપણ વસ્તુ સાથે પ્રતિક્રિયા આપતું નથી. નાઈટ્રોજન કંઈપણ કર્યા વિના આપણા શરીરમાંથી નીકળી જાય છે. આના કારણે આપણે મૃત્યુ પામતા નથી, પરંતુ જ્યારે શુદ્ધ નાઇટ્રોજન ગેસ આપવામાં આવે છે ત્યારે ઓક્સિજન મળતો નથી અને ગૂંગળામણ થવા લાગે છે. જ્યારે પણ કોઈને ગૂંગળામણ થાય છે ત્યારે તે તેના હાથ-પગ પર મારવા અથવા વેદનામાં તરફડિયાં જેવી હિલચાલ કરે છે.
આપને જણાવી દઈએ કે ભારતમાં પણ નાઈટ્રોજન ગેસ દ્વારા આત્મહત્યાના ઘણા કિસ્સાઓ છે…જુલાઈ 2017 માં હૈદરાબાદમાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા 26 વર્ષીય અવિનાશે કારમાં નાઈટ્રોજન ગેસ શ્વાસમાં લઈ આત્મહત્યા કરી હતી. નવેમ્બર 2020માં ઉત્તરાખંડના રુદ્રપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ N-95 માસ્ક પહેર્યું હતું અને નાઇટ્રોજન ગેસ શ્વાસમાં લઈ આત્મહત્યા કરી હતી. તો ડિસેમ્બર 2021 માં સોનીપતમાં એન્જિનિયર સંચિત રલ્હાને કારમાં નાઈટ્રોજન ગેસ-સિલિન્ડર ખોલીને આત્મહત્યા કરી. ડિસેમ્બર 2022 માં પણ બીમારીથી પીડાતા સોફ્ટવેર એન્જિનિયર વિજય કુમાર એ, બેંગલુરુમાં તેમની કાર બંધ કરી. નાઈટ્રોજન ગેસ-સિલિન્ડર ખોલીને આપઘાત કર્યો. આપઘાત કરતાં પહેલાં કારની બહાર મેસેજ લખ્યો હતો કે માત્ર પોલીસ જ કારનો દરવાજો ખોલે, અંદર ઝેરી ગેસ છે. પરંતું આ તમાં મૃતકનું મૃત્યુ વેદનામાં કે પીડા વિના થયું છે કે કેમ એ કોઈપણ કેસમાં જાણવા મળ્યું નથી.
આપને જણાવી દઈએ કે વિશ્વમાં, મૃત્યુદંડના ગુનેગારને મારવા માટે ગોળીબાર એ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. મહત્તમ 73 દેશોમાં મૃત્યુદંડના અમલ માટે શૂટિંગ કરવામાં આવે છે. આમાંથી 45 દેશોમાં ફાયરિંગ સ્ક્વોડ મૃત્યુદંડની સજા કરે છે. બાકીના 28 દેશોમાં શૂટિંગ સિવાયની અન્ય પદ્ધતિઓ પણ અપનાવી શકાય છે. વિશ્વના 58 દેશોમાં ફાંસી આપવામાં આવે છે. આમાં ભારત પણ સામેલ છે. ભારત સહિત 33 દેશોમાં ફાંસી એ મૃત્યુદંડની એકમાત્ર પદ્ધતિ છે, બાકીના 25 દેશોમાં અન્ય પદ્ધતિઓ પણ અપનાવી શકાય છે. વિશ્વમાં 97 દેશો એવા છે કે જેમણે મૃત્યુદંડની જોગવાઈ નાબૂદ કરી છે. તો પથ્થરમારો કરીને લોકોને મારવાની પ્રથા પણ છે.. દુનિયાના છ દેશોમાં મોતની સજા પામેલા ગુનેગારની જિંદગી પથ્થરમારો કરીને લઈ લેવામાં આવે છે. વિશ્વના ત્રણ દેશોમાં આ મૃત્યુદંડ શિરચ્છેદ દ્વારા ચલાવવામાં આવે છે. વિશ્વના પાંચ દેશોમાં ઈન્જેક્શન આપીને આ સજા આપવામાં આવે છે, તેમાંથી એક અમેરિકા છે. જ્યાં હવે નાઈટ્રોજન ગેસના ઉપયોગને લઈને નવી ચર્ચા જાગી છે. અમેરિકામાં ગેસ ઉપરાંત ઈલેક્ટ્રોકશન, ફાંસી અને ગોળીબારનો પણ ઉપયોગ થાય છે.
