વલ્લભીપુર નગરપાલિકામાં પીએમ આવાસ યોજના કૌભાંડીઓની નિવાસ યોજના બની છે. ગરીબોને રહેઠાણ આપવાની આ યોજના કૌભાંડોથી ખદબદી રહી હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આમ સરકારની વધુ એક યોજના ભ્રષ્ટાચારનો ભોગ બની છે.
વિપક્ષનો આરોપ છે કે વલ્લભીપુર નગરપાલિકામાં 2016-17થી પીએમ આવાસ યોજના અમલી બનાવવામાં આવી છે. તેના હેઠળ અત્યાર સુધી 468 લાભાર્થી નોંધાયા છે. વિપક્ષ વારંવાર આ યોજનામાં કૌભાંડ અને ગોલમાલનો આરોપ મૂકી રહ્યું છે.
વિપક્ષનો આરોપ છે કે પીએમ આવાસ યોજનામાં 56 જેટલા લોકોએ તેનો લાભ ખોટી રીતે લીધો હતો, તેના કારણે અહીં તપાસ પણ કરવામાં આવી હતી. તેમા 18 જણાએ તો યોગ્ય રીતે જ લાભ લીધો હોવાનું પુરવાર થયુ હતુ, પરંતુ બાકીના 38 જણાએ અયોગ્ય રીતે લાભ લીધો હોવાનું બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ લોકો હવે કઈ રીતે અયોગ્ય લાભ મેળવી ગયા તેની તપાસ ચાલુ થઈ છે.
પીએમ આવાસ યોજનામાં ફાળવવામાં આવતા મકાન એક પ્રક્રિયા હેઠળ ફાળવવામાં આવે છે. ઘરવિહોણા જરૂરિયાતમંદ લાભાર્તીઓને ખુલ્લા પ્લોટમાં મકાન ચણવા માટે 3.50 લાખ રૂપિયાની મર્યાદામાં તબક્કાવાર ધોરણે હપ્તા પદ્ધતિથી રકમ ચૂકવવામાં આવ્યા છે. તેના નિયમો અને શરતો મુજબ લાભાર્થીએ રીતસરનું સોગંદનામુ રજૂ કરવાનું હોય છે. આ યોજનામાં હવે અગાઉની સાડા ત્રણ લાખ રૂપિયાની મર્યાદા વધીને ચાર લાખ રૂપિયા થઈ છે.
આ પ્રકારની યોજનામાં કોણે કેવી રીતે રકમ મંજૂર કરી, ખોટા સોગંદનામા છતાં પણ મકાનો માટે ફાળવણી કઈ રીતે થઈ ગઈ, સાચા લાભાર્થીઓને અને જરૂરિયાતમંદોને કેમ ધ્યાનમાં ન લેવાયા તે સવાલ વિપક્ષે ઉઠાવ્યા છે.
વિપક્ષનું કહેવું છે કે વલ્લભીપુરની નગરપાલિકામાં પીએમ આવાસ યોજનામાં ઘરના ભુવાને ઘરના જ ડાકલા જેવી સ્થિતિ છે. તેમા નીતનવી રીતે કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે. ખોટા સોગંદનામા તો જાણે હવે ઘણી સામાન્ય બાબત બની ગઈ છે. આ ઉપરાંત મકાને બીજે હોવા છતાં પણ ફાયદો પીએમ આવાસ યોજનામાંથી મેળવાઈ જાય છે. કેટલાક મકાનો તો કાગળ પર જ બની ગયાના આક્ષેપ છે. તેનું ચણતર કર્યા વગર જ તેની રકમ ફાળવી દેવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જાણે પીએમ આવાસ યોજનાનું કૌભાંડીઓ માટે કૌભાંડ કરવાની યોજના બની ગઈ છે.
વિપક્ષનું કહેવું છે કે ગીધ જેમ શિકારીઓ પર તૂટી પડે તે રીતે પીએમ આવાસ યોજના પર કૌભાંડીઓ તૂટી પડ્યા છે. વિપક્ષના આરોપ અને મોટાપાયા પર ફરિયાદના પગલે પ્રાદેશિક કમિશ્નર વડી કચેરીએથી આ કૌભાંડમાં તપાસના આદેશો છૂટ્યા હતા. તેના પગલે એક પછી એક અરજીની ચકાસણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમા 38 અરજી સામે તપાસ કરવામાં શરૂ કરવમાં આવી હોવા વિપક્ષને સંતોષ નથી.
વિપક્ષનો દાવો છે કે વાસ્તવમાં 100 જેટલી અરજીઓમાં કૌભાંડ થયું છે. તેમા રીતસરની ગોલમાલ થઈ છે અને ભાગબટાઈની નીતિ અપનાવવામાં આવી છે. આ ભાગબટાઈ પીએમ આવાસ યોજનાના કૌભાંડીઓ વચ્ચે થઈ છે. તેના કારણે જરૂરિયાતમંદ યોજનાકીય લાભથી વંચિત રહી ગયા છે.
આમ વિપક્ષનું કહેવું છે કે ગરીબો માટે શરૂ કરવામાં આવેલી આ પીએમ આવાસ યોજનામાં ગરીબોને જ કશું મળ્યું નથી અને બધુ કૌભાંડીઓ ખાટી ગયા છે. મકાનોના પ્લોટ પર મકાન બનાવવા માટે રકમ ચૂકવાય છે અને આ રકમ હપ્તેથી મળે છે, પણ આ બધુ જ કાગળ પર હોવાનો દાવો વિપક્ષ કરે છે. તેમનું કહેવું છે કે 468 મકાનોમાંથી ગરીબોના હાથમાં માંડ-માંડ કંઈ આવ્યું છે.
ગરીબો માટે શરૂ થયેલી યોજનામાં ખિસ્સા ગરીબોના જ ભરાતા નથી, ગરીબો સિવાયના બાકીના બધા લોકો તેનો ફાયદો લઈ જાય છે. આવું જ વલ્લભીપુરની પીએમ આવાસ યોજનામાં પણ થયું છે. આ યોજનામાં લાભાર્થીઓને કોઈ લાભ થયો નથી અને કૌભાંડીઓ માલામાલ થઈ ગયા છે. છતાં સરકારી ચોપડે સીધું લાગે કે બધું જ બરોબર થયું છે. અજબનો ખેલ ચાલી રહ્યો છે. સરકારી ચોપડેથી ગરીબો નાબૂદ થઈ રહ્યા છે, પરંતુ ગરીબોની વસાહતો વધી રહી છે. પીએમ આવાસ યોજના જાણે પડતર મકાન યોજના બની ગઈ છે. કૌભાંડીઓ ગરીબોની જીવાદોરી ખેંચીને પોતાની જીવાદોરી લાંબી કરતા રહે છે. ગરીબના હક્ક પર તરાપ પડતાં તે ગરીબ જ રહી જાય છે. તેને જીવનમાં કદી પણ ઉપર આવવાની તક મળતી નથી. તેની પાસે પોતાનું ઘર પણ હોતું નથી. પીએમની અનેક ઇચ્છા છતાં ગરીબને ગરીબ રાખવાનો કીમિયો આ કૌભાંડીઓએ શોધી કાઢ્યો છે, જે ગરીબને ઘરમાલિક બનાવવાના વાસ્તવિક હેતુને પરાસ્ત કરે છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
