આજે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં દરેક પાસે ટુ-વ્હીલર જોવા મળે છે, ગુજરાતમાં તો જાણે ટુ-વ્હીલર જો તમારી પાસે ન હોય તો તમે જાણે અપંગ હોવ તેમ કહેવાય છે. પણ ટુ-વ્હીલર લઈને લોકો નીકળી તો પડે છે, પરંતુ તેના અંગેના નિયમોની તેમને ખબર જ નથી હોતી.
પહેલું તો તેઓએ તેમની પાસે અપડેટેડ પીયુસી રાખવું પડે, આ પીયુસી દર વર્ષે કઢાવવાનું હોય છે. મોટાભાગના ટુ-વ્હીલર માલિકો આ નિયમનું પાલન કરતાં નથી. પછી જ્યારે તેઓ પકડાય છે ત્યારે રીતસર 500 રૂપિયાનો દંડ ભરે છે, તે સમયે તંત્રને મનમાં અપશબ્દો બોલતા બોલતા ભરે છે અથવા તો પોલીસને લાંચ આપવાનો પ્રયત્ન કરે છે.

આ સિવાય બીજો મૂળભૂત નિયમ હેલમેટ પહેરવાનો છે. પણ ટુ-વ્હીલર ચાલકો તેની તસ્દી લેતા જ નથી. આ વાતની ખબર જ્યારે અકસ્માત થાય ત્યારે પડે છે. આ સિવાય પોલીસ જ્યારે તેની સ્પેશ્યલ ડ્રાઇવ ચાલુ કરીને દંડ ફટકારે છે ત્યારે ખબર પડે છે. ટુ-વ્હીલર ચાલકોએ વીમો પણ ઉતરાવવાનો હોય છે અને તેમા થર્ડ પાર્ટી વીમાનો પણ સમાવેશ થાય છે. પણ ટુ-વ્હીલર લેનારાઓ મોટાભાગે બેથી ત્રણ વર્ષ વીતી ગયા પછી વાહનનો વીમો જ લેતા નથી. વાસ્તવમાં વાહનનો વીમો દર વર્ષે લેવો જોઈએ અને તેના કાગળિયા પણ પોતાની પાસે રાખવા જોઈએ. આમ ન કરનારને પોલીસ દંડ ફટકારી શકે છે.
આજે ઘણા લોકોને વાહન ચલાવતી વખતે કયા પ્રકારના દસ્તાવેજો તેની પાસે રાખવાના હોય તેની ખબર નથી. કોઈપણ વાહન માલિક વાહન ચલાવતો હોય ત્યારે તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ, વાહનનો વીમો, ઓળખ કાર્ડ આટલા દસ્તાવેજ રાખવા ફરજિયાત છે. કેટલાય વાહન માલિકો થર્ડ પાર્ટી વીમો લેતા નથી. આ તેમની મોટી ભૂલ છે, આ બદલ તેમણે જંગી દંડનો સામનો કરવાનો આવી શકે છે.

આ ઉપરાંત કેટલાક લોકો બાઇક પર કે કારની પાછળ વિચિત્ર સ્લોગન લખતા હોય છે. વાસ્તવમાં આ પ્રકારના સૂત્રો લખવાની મનાઈ છે. તાજેતરમાં બનેલા આવા જ એક કિસ્સામાં એક યુવાનને બાઇક પાછળ વિચિત્ર સ્લોગન લખવું મોંઘુ પડ્યું હતું અને તેણે દંડ પેટે રીતસરનું ખિસ્સું ખાલી કરવું પડ્યુ હતું. લોકો પોતાના વાહન તરફ બીજાનું ધ્યાન ખેંચાય તે માટે આવું કરે છે.
વાસ્તવમાં મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ વાહનની નંબર પ્લેટ પર આ પ્રકારની વસ્તુઓ લખવી ગેરકાયદેસર છે અને ટ્રાફિક પોલીસ આ બદલ તમારી પાસેથી દંડ વસૂલી શકે છે. આ જ કાયદાની જોગવાઈ મુજબ જોઈએ તો વાહન સરકારી હોય કે ખાનગી તેના પર કોઈ સ્ટીકર ન હોવું જોઈએ. આ ઉપરાંત કોઈપણ વિભાગ કે પોસ્ટનું નામ ન હોવું જોઈએ. આ ઉપરાંત વાહન પર કોઈપણ પ્રકારનું અશ્લીલ સ્ટીકર લગાવ્યું તો ગયા સમજો, તેમા સજા થઈ શકે તેમ છે.

તમે જો વાહન પર પછી તે ટુ-વ્હીલર હોય કે ફોર વ્હીલર જાતિ અને ધર્મને લગતા શબ્દો, સ્ટીકરો અથવા ચિત્રો ચોંટાડ્યા હોય અથવા નંબર પ્લેટ માર્ગદર્શિકા મુજબ ન હોય તો મોટર વ્હીકલ એક્ટ 192 મુજબ પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો ડ્રાઇવર ફરીથી આવું કરે તો એક વર્ષ સુધીની જેલ કે દસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. પણ આપણે રાજ્યમાં જોઈએ છીએ કે કેટલાય વાહનો પર આ પ્રકારે કંઇને કંઇ લગાડેલું હોય છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. જો કે તેનો અર્થ એવો ન કરવો કે ક્યારેય કાર્યવાહી થશે જ નહી, જો એવી માન્યતા તમે ધરાવતા હોવ તો તે તમારી સૌથી મોટી ભૂલ હશે.
આ ઉપરાંત ટ્રાફિકના નિયમ મુજબ વાહનોમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) ફરજિયાત છે. નવા વાહનોમાં તો આ પ્લેટ આવે જ છે, પરંતુ જૂના વાહનોમાં પણ આ પ્લેટ રિઇન્સ્ટોલ કરાવવી જરૂરી છે. આજે પણ ગુજરાતમાં કેટલાય લોકોએ HSRP પ્લેટ ન લગાવવાના કારણે દંડ ભરવો પડી રહ્યો છે.

હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટની ખાસિયત એ હોય છે કે વાહનની સંપૂર્ણ વિગત તે પ્લેટમાં હોય છે. પ્લેટની વિગત સલામત રાખવા માટે તેમા વિશિષ્ટ લેસર કોડ હોય છે. તે કોઈના માટે પણ દૂર કરવો અઘરો હોય છે. આ કોડ કોમન કોડ નથી, તે દરેક વાહને જુદો-જુદો હોય છે. આ ઉપરાંત આ પ્લેટની માર્ગદર્શિકામાં જોઈએ તો નોન કોમર્સિયલ વાહનોમાં નંબર પ્લેટનું બેકગ્રાઉન્ડ સફેદ અને કોમર્સિયલમાં પીળું હોવું જોઈએ.
પ્લેટના નંબરો દૂરથી સ્પષ્ટ રીતે દેખાતા હોવા જોઈએ. ટુ-વ્હીલર અને કાર માટે રજિસ્ટ્રેશન અક્ષરો અને નંબરો પૃષ્ઠભૂમિમાં કાળા રંગમાં લખેલા હોવા જોઈએ. કોમર્સિયલ વાહનો માટે પીળા બેકગ્રાઉન્ડમાં કાળા અક્ષરોમાં લખાણ હોવું જરૂરી છે. વાહનની દરેક સીરિઝની નંબર પ્લેટ અને તેના અક્ષરોની સાઇઝ પેમ્ફલેટમાં દર્શાવેલી હોવી જોઈએ. આ ઉપરાંત ફેન્સી અક્ષરોની મંજૂરી નથી. વાહનના આગળ અને પાછળ બંનેના ભાગમાં પ્લેટ રાખવી ફરજિયાત જ છે.
હવે જો તમે વિચારતા હોવ કે નંબર પ્લેટમાં શું, ફિટ જ કરી દેવાની હોય ને. ના, તેવું નથી. નંબર પ્લેટ પણ વાહનની સાઇઝ મુજબ નક્કી થાય છે. હવે જો તમારી પાસે ટુ-વ્હીલર હોય તો પ્લેટની સાઇઝ 200 X 100 mm હોવી જોઈએ. જ્યારે પેસેન્જર કાર કે લાઇટ મોટર વ્હીકલ (LMV) માટે સાઇઝ
500 X 120 mm હોવી જરૂરી છે. જ્યારે કોમર્સિયલ વાહનોની પ્લેટ નંબરની સાઇઝ 340 X 200 mm હોવી આવશ્યક છે.
આ પણ વાંચો: શહેર પોલીસે સંખ્યાબંધ વાહન જપ્ત કરી મેમો ફટકાર્યા, RTOમાં દંડ ભરવા ચાલકોની લાંબી લાઈન
આ પણ વાંચો: વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરાઈ કમિટીની રચના,હવે નહિ ખાવા પડે RTOના ધક્કા
આ પણ વાંચો: બનાસકાંઠામાં ટ્રક ચાલકો અને RTO કર્મીઓ વચ્ચે બબાલ
