અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર બિરાજતા પૂર્વે જ ધડબડાટી બોલાવવા માંડી છે. હજી તેમની શપથવિધિને મહિનાની વાર છે ત્યારે તેમણે જણાવ્યું છે કે ભારત ટેરિફ કિંગ છે, તે અમેરિકાની પ્રોડક્ટ્સ પર 200થી 300 ટકા સુધીનો ટેક્સ લાદે છે. તેની સામે અમેરિકા ભારતની પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ લાદતું નથી. અમે કોઈના પર પણ બિનજરૂરી ટેક્સ લાદતા નથી, પણ જો હવે કોઈ અમારી પ્રોડક્ટ્સ પર જંગી દરે વેરો લાદશે તો અમે તેને છોડીશું નહીં. કોઈ અમારી પ્રોડક્ટ્સ પર જેટલો ટેક્સ નાખશે તેટલો ટેક્સ અમે તેની પ્રોડક્ટ પર નાખીશું, જેને આપણે રેસિપ્રોકલ ટેક્સ કહી શકીએ. આગામી સમયમાં બધા લોકો રેસિપ્રોકલ ટેક્સ શબ્દ વારંવાર સાંભળશો એમ ટ્રમ્પે જણાવ્યું હતું. આના પગલે એવો સંકેત મળ્યો કે શું ટ્રમ્પ ભારત સાથે ટ્રેડ વોર છેડી શકે છે, જેવી તેણે અગાઉ ચીન સાથે છેડી હતી.

ટ્રમ્પના નિવેદનનો પડઘો પાડતા હોય તેમ હવે ટ્રમ્પ બીજા દેશો સાથે ટ્રેડ વોર નોતરશે તેવા ડરે અમેરિકાની વોલ સ્ટ્રીટનો ડાઉ જોન્સ ઇન્ડેક્સ રીતસરનો 1,123 પોઇન્ટ ખાબક્યો હતો. સ્વાભાવિક રીતે ટ્રમ્પની ટ્રેડ વોર બીજા દેશોને તો તકલીફ કરશે, પરંતુ તેની સાથે-સાથે અમેરિકન અર્થતંત્રને પણ સ્પષ્ટ અસર કરશે તે હકીકત છે. ટ્રમ્પના નિવેદનના બીજા દિવસે ભારતીય શેરબજાર પણ તેનું પ્રતિબિંબ પાડતા 964 પોઇન્ટ ઘટ્યું હતું. જો કે શેરબજાર કંઈ અર્થતંત્રનું બેરોમીટર નથી, પરંતુ તે કમસેકમ અર્થતંત્રની ઝાંખી તો જરૂર કરાવે છે.
ટ્રમ્પને જણાવાયું હતું કે તેના ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધ છે તો ટ્રમ્પે જણાવ્યું હતું કે તે આજે પણ મારા સારા મિત્ર છે અને હંમેશા મારા સારા મિત્ર રહેશે, પરંતુ મિત્રતા અલગ વસ્તુ છે અને વેપાર તથા વાણિજ્યવિષયક સંબંધો જુદી વસ્તુ છે. દેશની વાતમાં કોઈને પણ વચ્ચે લાવી ન શકાય. અમેરિકન પ્રોડક્ટ્સ પર ઊંચા દરે વેરો લાદવામાં આવી રહ્યો હોય અને અમેરિકન પ્રમુખ તરીકે હું ચૂપ બેસી રહું તે કેમ ચાલે. આ મારી અમેરિકન પ્રમુખ તરીકે અમેરિકન પ્રજાના નાણાકીય હિતોનું રક્ષણ કરવાની મારી જવાબદારી છે. અગાઉના પ્રેસિડેન્ટ્સે ભારત જેવા ઊંચા દરે વેરો લાદતા દેશો સામે પગલાં ન લીધા તેનો અર્થ એમ ન કરાય કે હું પણ તે ન કરું. અમેરિકાના પ્રજાનું હિત મારા હૈયે વસેલું છે. અમેરિકા ફર્સ્ટ મારી નીતિ છે.

ટ્રમ્પની નીતિ ભારતને આર્થિક મોરચે મોટો ફટકો મારે તેવી સંભાવના છે. સંભવતઃ ટ્રમ્પ પાસે બધુ તૈયાર જ છે. તે કદાચ આવતા સાથે સીધો એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરે તો પણ આશ્ચર્ય નહી થાય. બને કે પ્રારંભમાં ટ્રમ્પ કદાચ અમુક જ ભારતીય પ્રોડક્ટ્સને ટાર્ગેટ કરીને ચેતવણી આપે, તેના પછી પણ ભારત જો આ ટેક્સ લાદવાનું બંધ ના કરે તો બીજી ભારતીય પ્રોડક્ટ્સને પણ લક્ષ્યાંક બનાવી શકે. તેમા પણ ખાસ કરીને ભારતના આઇટી સેક્ટરને જો લક્ષ્યાંક બનાવ્યું તો ભારતને મોટો ફટકો પડી શકે તેમ છે.
ભારતે ટ્રમ્પ સાથે ડીલ કરવાના માર્ગ અત્યારથી જ શોધવા પડશે, ભારત આ પહેલા પણ ટ્રમ્પ સાથે ડીલ કરી ચૂક્યું છે,પણ આ વખતે ટ્રમ્પ કંઇક જુદુ જ કરવાની ફિરાકમાં છે. વાસ્તવમાં તેના મુદ્દા રાજકીય ઓછા પરંતુ આર્થિક વધારે હશે. ભારત માટે સૌથી મોટી શાંતિ પીએમ મોદીનું વ્યક્તિત્વ અને તેમની આભા છે. આમ છતાં પણ ક્યાંય ઓડનું ચોડ વેતરાય નહીં તે માટે ભારતે પોતાની આર્થિક કિલ્લેબંધી પણ કરવી પડશે. આ સમયે ટ્રમ્પના તેવર કંઇક જુદા જ છે. તેમા પણ તેને અબજપતિ ઉદ્યોગપતિ એલન મસ્કનો સાથ મળ્યો છે.

ટ્રમ્પ અમેરિકામાં જંગી રોકાણ લાવવા માટે આતુર છે. આ માટે તેણે એક અબજ ડોલરથી વધુ રોકાણ કરનારને સિંગલ વિન્ડો સિસ્ટમથી મંજૂરી આપવાની જાહેરાત કરી છે. ભારત,ચીન અને બ્રાઝિલ અમેરિકાની પ્રોડક્ટ્સ પર જંગી વેરા લાદતા હોવાથી આ ત્રણેય દેશો તેની નજરમાં છે. પણ તેની સાથે-સાથે કેનેડા જેવા મિત્ર દેશને પણ ટ્રમ્પ છોડે તે વાતમાં માલ નથી. કદાચ ટ્રમ્પ તેના પગલાંનો પ્રારંભ પણ કેનેડાથી જ કરે તો કોઈને આશ્ચર્ય નહીં થાય.
ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામન ટ્રમ્પના પગલાં પૂર્વે જો અગમચેતી નહીં દાખવે તો ભારતીયો મોંઘવારીના ખપ્પરમાં હોમાશે તે નિશ્ચિત છે. હાલમાં તો ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધરી રહ્યા છે અને બંને વચ્ચેના રાજકીય સંબંધોની ગાડી પાટે ચઢાવાઈ રહી છે. તેના પછી બંને દેશ તેમના આર્થિક સંબંધો પણ પૂર્વવત્ કરે તેમ મનાય છે. ચીન પણ સમજી ગયું છે કે ટ્રમ્પ કોઈપણ અવળચંડાઈ કરે તો તેને પહોંચી વળવા માટે તેને ભારત જેવું બજાર જ જોઈશે તો જ તેના ઉત્પાદનોની ખપત થશે અને તેને ત્યાં રોજગારી જળવાશે. ટ્રમ્પના આગમનના એંધાણ મળવાની સાથે જ ચીને લદ્દાખમાંથી લશ્કર પરત ખેંચી લીધું તે વાત સૂચક છે.

આમ ભારત સાથે સંબંધ સુધારવા તે ચીનની મજબૂરી છે. તેની સામે ટ્રમ્પ ભારત પર વેરા લાદે તો ભારત માટે ચીનનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. ભારતે પણ બીજા દેશો સાથે મળીને ટ્રમ્પના પગલાંને પહોંચી વળવા માટેની કિલ્લેબંધી કરવી પડશે. આ ઉપરાંત તેની સાથે સતત ડીલિંગ કરવાનું જારી રાખવું પડશે. ભારતે તે ધ્યાન રાખવું પડશે કે ટ્રમ્પનો યોગ્ય રીતે સામનો કરવામાં જરા પણ ભૂલ થઈ તો તેના પરિણામ આખા દેશે ભોગવવા પડશે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી ચેતવણી, ‘તમે અમારા પર જેટલા વધુ ટેરિફ લાદશો, તેટલા જ અમે લાદીશું’
આ પણ વાંચો: શું કેનેડા બનશે અમેરિકાનું 51મું સ્ટેટ? ટ્રમ્પ કંઇક નવું જ કરવાની વેતરણમાં
આ પણ વાંચો: ટ્રમ્પે યુ.એસ.માંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માટે યાદી તૈયાર કરી, મોટાભાગના ગુજરાતી
