ગેનીબેન ઠાકોર
કોંગ્રેસના વાવથરાદના સાંસદ ગેનીબેન ઠાકોર તાજેતરમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદઘાટન વખતે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. ગેનીબેન ઠાકોર દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં સિંહની જેમ ગરજતા સિંહોની સ્થિતિ ભાજપમાં બકરી જેવી થઈ ગઈ છે, હું ત્યાં સુધી કહીશ કે બકરી કરતાં પણ વધારે ખરાબ છે. બકરી તો બેં બે પણ કરી શકે છે, આ ભૂતપૂર્વ કોંગ્રેસીઓ ભાજપનો ખેસ પહેર્યા પછી પ્રજાકીય કાર્યોને લઈને જરા પણ મોઢું ખોલી શકતા નથી. તેમના મોઢા પર શિસ્તરૂપી તાળુ લગાવી દેવામાં આવે છે. એકદમ ખંભાતી તાળુ તેમના મોઢા પર લાગેલું હોય છે, કોઈ જાણે ચૂંકે ચા કરી શકતું નથી.
આ જ કોંગ્રેસીઓ અહીં પક્ષની અંદર કેટલીય ખટપટ કરતા હતા, આંતરિક બળાપો વ્યક્ત કરી શકતા હતા, તેમને અન્યાય થયો હોય તો તેને વાચા આપી શકતા હતા. તેઓ પ્રજાની વાત રજૂ કરી શકતા હતા, પોતાની ફરિયાદ રજૂ કરી શકતા હતા. ગેનીબેન ઠાકોર પોતાનો અસંતોષ ખુલ્લેઆમ વ્યક્ત કરી શકતા હતા. ફરિયાદ કરી શકતા હતા. આ બધુ જ ભાજપમાં ગયા પછી ખતમ થઈ ગયું છે. હવે જો તે ભાજપમાં કંઇપણ કરવા જાય તો તેમને સીધું કહી દેવાય છે કે કોંગ્રેસનું કલ્ચર કોંગ્રેસમાં જ મૂકીને આવો. અમારી તો કેડર આધારિત પાર્ટી છે, સૂચનાનું પાલન કરવાનું. પક્ષના વિરોધમાં જાહેરમાં કશું જ નહી કહેવાનું, કોઈપણ પ્રકારની પક્ષવિરોધી પ્રવૃત્તિ નહીં કરવાની. આ બધુ કોંગ્રેસની મુક્ત હવામાં ઉછરેલાને માફક આવવું અઘરું છે.
કોંગ્રેસની જનાક્રોશ યાત્રાનો હિસ્સો બનેલા ગેનીબેન ઠાકોર આ યાત્રા પાલનપુર આવી ત્યારે પક્ષપ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં પક્ષપલટુઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની કોંગ્રેસની કચેરીના ઉદઘાટનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી છોડીને ભાજપમાં ગયેલા લોકોની સ્થિતિ એવી છે કે જીવ કોંગ્રેસમાં છે, પરંતુ ખોળિયું ભાજપમાં છે. તેઓ ભાજપમાં ભલે હોય, પરંતુ કોંગ્રેસનું કલ્ચર છોડી શકતા નથી અને ભાજપનું કલ્ચર અપનાવી શકતા નથી. ગોડાઉનમાં જેમ માલ ભરવામાં આવે તે રીતે ભાજપ બીજા પક્ષોના આગેવાનો અને કાર્યકરોને ભરી તો દે છે, પછી ગોડાઉનમાં જેમ માલ પડ્યો રહે છે તેમ તે લોકો પડ્યા રહે છે. આ રીતે કોંગ્રેસના પક્ષપલ્ટુઓની સ્થિતિ ભાજપમાં જાણે વખારે પડેલા માલસામાન જેવી થઈ ગઈ છે. હવે આ વખારમાંથી માલસામગ્રી બહાર પડે તો તેનો કંઇક ભાવ ઉચકાય અને દેખાય.
તેથી ત્યાં જઈને ભરાઈ ગયેલા કોંગ્રેસીઓ હવે બીજાને કહે છે કે ભાઈ અહીં પાછા આવતા નહીં. અમે તો ભરાઈ ગયા છીએ તમે ભરાતા નહીં. દરેકને પોતાનો છોકરો જ વ્હાલો હોય, કંઈ પારકા છોકરા થોડા વ્હાલા હોય. વ્હાલાદવલાની નીતિ દરેક સ્થળે ચાલે છે. પછી ભાજપ જેવી કેડર બેઝ પાર્ટી હોય તો તે પણ બાકાત નથી. સહકારી ચૂંટણીમાં જે થઈ રહ્યુ છે તે આપણને દેખાય છે. શાસક પક્ષના જ મેન્ડેટનો તેમના જ પક્ષના લોકો કેવો અનાદર કરે છે. આ જ લોકો પાછા શિસ્તના ઢોલ પીટે છે.
તેમણે તાજેતરમાં જ ડાંગના મંગળ ગામીત ભાજપમાંથી વિલા મોઢે કોંગ્રેસમાં પરત ફર્યા હતા અને હજારો કાર્યકરો સાથે જોડાયા હતા તેનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ જ ફરક ભાજપ અને કોંગ્રેસમાં છે. કોંગ્રેસમાં મુક્ત વાતાવરણ છે, અહીં તમે ખુલી હવામાં શ્વાસ લઈ શકો છો, તમને કોઈ રોકનાર નથી, તમારો અભિપ્રાય મુકતમને આપી શકો છો. તમે શું આવી સ્થિતિ ભાજપમાં કલ્પી શકો છો, જરા પણ નહીં. ભાજપ આખી કેડર આધારિત પાર્ટી છે, તેમા જે કેડર હોય તેણે ફક્ત સૂચનાનું પાલન કરવાનું હોય છે. તેણે તેની વાત તેની કેડરમાં જ કરવાની હોય છે. અહીં કોઈપણ અભિપ્રાય આપવો તે પણ જાણે શિસ્તભંગ થયો હોય તેમ માનવામાં આવે છે.
ગેનીબેન ઠાકોર જણાવે છે આ સ્થિતિ પક્ષપલ્ટુઓને ચેતવણી છે કે ટૂંકાગાળા માટે રાજકીય લાભ જોનારાઓની સ્થિતિ બીજા પક્ષમાં જઈને કેવી થાય છે. તમે એમ માનતા હોવ કે પક્ષ બદલીને તમને ત્યાં અહીંથી વિશેષ માનમરતબો મળશે, મોભો મળશે, મોટી જવાબદારી મળશે, તમારી અહીંના કરતાં પણ વધુ વાહવાહી થશે, તમે કદાચ શાસક પક્ષના સભ્ય હોવાના કારણે વધુને વધુ પ્રમાણમાં પ્રજાકીય કામો કરાવી શકશો, પણ આ આશા બર આવતી નથી. બધી જ આશા ઠગારી નીવડે છે.
ગેનીબેન ઠાકોર તેઓની સ્થિતિ જાણે કોઈ રસ્તો ભૂલી ગયેલા વટેમાર્ગુ જેવી થઈ ગઈ છે. તેઓ હવે એ વિમાસણમાંથી સાચો રસ્તો ક્યાંથી શોધવો, પાછા નીકળ્યાતા પણ એ રીતે કે પાછા વળવાના બધા જ રસ્તા બંધ થઈ ગયા છે. પક્ષ છોડીને જવાની પણ પદ્ધતિ હોય છે, પણ તે લોકો એવી રીતે નીકળ્યા હતા કે જાણે તેમને કદી કોંગ્રેસની જરૂર જ પડવાની નથી. હવે તે કયા મોઢે કોંગ્રેસમાં પરત આવી શકે. તેઓની રાજકીય કારકિર્દી જાણે એક જ જગ્યાએ જાણે થંભી ગઈ છે, અહીંથી આગળ વધવાનો કોઈ માર્ગ તેમને દેખાતો નથી. તેથી જ હવે તેઓ બીજાને સલાહ આપે છે કે ભાઈ અહીં આવવાનું વિચારતો હોય તો જરા પોરો ખા. અહીં આવીશ તો મળવાનું કંઈ નથી, ઉપરથી જે મળ્યું છે તે ગુમાવવાનું આવશે અને બોલી પણ નહીં શકો. બોલશો તો શિસ્તભંગના પગલાં લેવાશે.
આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !
આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા
આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો

