MANTAVYA Vishesh/ કપાસ પર આયાત વેરા નાબૂદીથી ઉદ્યોગને ફાયદો, ખેડૂતોને ફટકો

કેન્દ્ર સરકારે તહેવારો પહેલા કપાસ પરનો 11 ટકા આયાત વેરો 31  ડિસેમ્બર 2025 સુધી ખતમ કર્યો છે. અમેરિકાએ જારી કરેલા ટેરિફના પગલે સ્થાનિક ગાર્મેન્ટ ઉદ્યોગને રાહત આપવા માટે સરકારે આ પગલું લીધું છે.

Mantavya Vishesh

કેન્દ્ર સરકારે તહેવારો પહેલા કપાસ પરનો 11 ટકા આયાત વેરો 31  ડિસેમ્બર 2025 સુધી ખતમ કર્યો છે. અમેરિકાએ જારી કરેલા ટેરિફના પગલે સ્થાનિક ગાર્મેન્ટ ઉદ્યોગને રાહત આપવા માટે સરકારે આ પગલું લીધું છે. અગાઉ સરકારે 30 સપ્ટેમ્બર સુધી જ આયાત વેરા નાબૂદી કરી હતી, હવે તેને બીજી ત્રણ મહિના એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી છે. આના પગલે આ સમયગાળા દરમિયાન કપાસની આયાત પર 11 ટકાના બદલે શૂન્ય દરે વેરો લાગશે. સરકારના પગલાંના કારણે અમેરિકન કપાસનો ભારતમાં આવવાનો માર્ગ મોકળો થયો છે. જ્યારે ભારતીય ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આમ સરકારે ઉદ્યોગોને સાચવવા ખેડૂતોનું બલિદાન આપ્યું છે.

સરકારના આ કપડાંના લીધે ગાર્મેન્ટ્સ ઉત્પાદકો અને ગ્રાહકોને રાહત મળવાની આશા છે. સરકારના વેરાના કારણે સ્થાનિક બજારમાં કપાસની ઉપલબ્ધતા વધશે. આ ઉપરાંત તૈયાર વસ્ત્ર ઉત્પાદનો પર ફુગાવાનું દબાણ પણ ઘટશે. સરકારનો દાવો છે કે તેનું પગલું ઉત્પાદન ખર્ચ ઘટાડીને કપડા ક્ષેત્રમાં લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને સંરક્ષણ આપીને ભારતીય કપડા ઉત્પાદનોની સ્પર્ધાત્મકતામાં વધારો કરવાનું છે. આમ અમેરિકાના ટેરિફનો સામનો કરી રહેલા કપડા ઉદ્યોગને હાલમાં ડિસેમ્બર સુધી તો રાહત મળી ગઈ છે.

ઉદ્યોગનું કહેવું હતું કે તે 25 ટકા ટેરિફને પહોંચી વળત, પરંતુ 50 ટકા ટેરિફને પહોંચી વળવું તેમના માટે અશક્ય છે. આ સંજોગોમાં સરકારનું પગલું તેમને અમેરિકન બજારમાં 50 ટકા ટેરિફે પણ ટકી રહેવાની તક પૂરી પાડે છે. આમ સરકારે વર્તમાન પગલાં અમેરિકાને ખુશ કરવા માટે લીધું હોવાનું મનાય છે.

અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારત પર ટેરિફ લાદ્યા પછી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી તેની માંગ આમ પણ કરી રહી હતી. અહીં તે પણ ઉલ્લેખનીય છે કે ભારતને કપાસ વેચવામાં અમેરિકા બીજા સ્થાને છે. નિષ્ણાતોનું કહેવું છે કે સરકારના આ નિર્ણયના કારણે સૌથી વધારે ફાયદો અમેરિકાને જ થશે. આના પગલે અમેરિકન કપાસ ભારતીય બજારમાં ખડકાય તો આશ્ચર્ય નહીં થાય. વાસ્તવમાં તો સરકારે આ પગલું ટેક્સ્ટાઇલ એક્સ્પોર્ટરોને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યું છે, પરંતુ તેનો ફાયદો સ્થાનિક ગ્રાહકોને મળવાની આશા છે. ઉદ્યોગનો આયાત ખર્ચ ઘટતા તેની અસર પ્રોડક્ટના ભાવ પર પણ પડશે. ફેબ્રુઆરી 2021થી કપાસની આયાત પર 11 ટકા જકાત લાગુ હતી.

કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય ઇન્ડસ્ટ્રી બોડીએ સરકાર સમક્ષ કપાસ પરથી આયાત જકાત દૂર કરવાની માંગ કરી હતી, જેથી ઉદ્યોગને બીજા દેશોની તુલનાએ વધારે હરીફાઈવાળો બનાવી શકાય. સરકારે 2030 સુધીમાં ટેક્સ્ટાઇલ નિકાસ 100 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ મુજબ ભારતે 2023-24માં 57.92 કરોડની કપાસની આયાત કરી હતી. જ્યારે 2024-25માં આ આયાત 107 ટકા વધીને 120 કરોડ ડોલર થઈ ગઈ હતી. ભારતને કપાસ પૂરી પાડતા દેશોમાં જોઈએ તો ઓસ્ટ્રેલિયાએ 26 કરોડ કરોડ, અમેરિકાએ 23 કરોડ, બ્રાઝિલે 18 કરોડ અને મિસરે 11 કરોડ ડોલરની કપાસ ભારત મોકલ્યો હતો.

ભારતમાં ગયા વર્ષે થયેલી કપાસમાં કુલ આયાતમાં 99 ટકા 28 એમએમ અથવા તેનાથી વધારે સ્ટેપલ લંબાઇની હતી. ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ તેમજ વ્યાપાર સમજૂતી હેઠળ આ શ્રેણી હેઠળના મોટાભાગની કપાસની આયાત ડ્યુટી વગર જ થાય છે.

સરકારે આયાત જકાતમાં ઘટાડો કરવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે લગભગ મહિના પછી દેશમાં કપાસનો નવો પાક આવવાનો છે. હવે જો પાક આવ્યો તે સમયે બજારભાવ ઓછો રહ્યો તો ખેડૂતોને તેના કારણે નુકસાન પણ જઈ શકે છે. તેની સામે જીટીઆરઆઈના સંસ્થાપકનું કહેવું છે કે સરકારના ધ્યાન પર આ વાત છે. તેથી તો ત્રણ મહિના માટે જ આયાત જકાતમાં છૂટ આપવામાં આવી છે. નવો પાક આવશે ત્યાં સુધી બજારમાં ભાવ સ્થિર થઈ જશે.

જો કે ખેડૂત સંગઠનો આ વાત સાથે સંમત નથી. તેમનું માનવું છે કે આના કારણે ખેડૂતોને નુકસાન જશે સંયુક્ત કિસાન મોરચાએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે કપાસ પર આયાત જકાત પડતી મૂકવાના લીધે સ્થાનિક સ્તરે કપાસના ભાવ ઘટશે. પત્રકારો સાથેની વાતચીતમાં એસકેએમના નેતાઓએ જણાવ્યું હતું કે આના લીધે ભારતીય ખેડૂતો અમેરિકાથી આવતા મોટા અને વિશાળ પાયા પરના ઇન્ડસ્ટ્રીયલ કોટનની આયાત સામે ઝીંક નહીં ઝીલી શકે. અમેરિકામાં તો કપાસના ખેડૂતોને મોટાપાયા પર 12 ટકા જેટલી સરકારી સબસિડી મળે છે. તેની સામે ભારતીય ખેડૂતને માંડ 2.37 ટકા સરકારી સબસિડી મળે છે. આ જંગી અસમાનતાના કારણે દેશના ખેડૂતો વિકસિત દેશોના કપાસના ઉત્પાદકો કે ખેડૂતો સામે ઝીંક નહીં ઝીલી શકે. તેના કારણે તેમની સ્થિતિ વધુ ખરાબથશે તેમ મનાય છે.

સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણયના કારણે બે મહિના પહેલા ઊંચા વળતરના દરની આશાએ કપાસનો રોકડિયો પાક લેનારા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવશે. તેઓએ કપાસના પાક પાછળ સારો એવો ખર્ચો પણ કર્યો હોય છે. આમ આ રીતે કપાસની ડ્યુટી પરત ખેંચવી તે ખેડૂતો માટે રીતસરનો ખરાબ સમય છે. કપાસના ખેડૂતોએ હવે સારો ભાવ મેળવવા મહેનત કરવી પડશે. ખેડૂતોનું માનવું છે કે સરકારે ઉદ્યોગધંધાને સાચવવા માટે તેમને રીતસર કોઈપણ સમર્થન વગર વૈશ્વિક હરીફાઈમાં એકલા ઉતારી દીધા છે. સરકારે ભારતીય ખેડૂતોએ ઉગાડેલા કપાસના માર્કેટ પર અમેરિકાને હુમલો કરવાની સીધી સગવડ કરી આપી છે.

જોકે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી આમ પણ માંગ કરતી હતી કે જો કપાસ પરની આયાત જકાતમાં કાપ મૂકાય કે નાબૂદ કરાય તો ઉદ્યોગ બાંગ્લાદેશ તથા વિયેતનામ દ્વારા અમેરિકામાં થતી નિકાસને પહોંચી વળી શકશે. આ પગલાં દ્વારા અમેરિકન વાટાઘાટકારોને પણ ભારતે સંકેત આપ્યા છે કે ભારત લવચીક અભિગમ અપનાવવા માટે આતુર છે.

ઉદ્યોગના એક્ઝિક્યુટિવોનું કહેવું છે કે ઉદ્યોગની લાંબા સમયથી માંગ હતી તે આયાત જકાતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી ઉદ્યોગને રાહત થઈ છે, તેની સાથે આ ઘટાડો ઓફ સીઝનમાં કરવામાં આવ્યો હોવાથી કપાસના ખેડૂતોને પણ કોઈ નુકસાન નહીં થાય તેવો તેમનો દાવો છે. તેમનું કહેવું છે કે કપાસને ચૂંટવાની સીઝન ઓક્ટોબરથી શરૂ થાય છે અને તે માર્ચમાં બજારમાં પહોંચે છે. આમ ઓક્ટોબરથી માર્ચ કપાસ માટે પિક સીઝન માનવામાં આવે છે. આ જોતાં કપાસના ખેડૂતોને ખાસ વાંધો નહીં આવે, પણ ખેડૂત સંગઠનોને આ વાત યોગ્ય લાગતી નથી.

નિકાસકારોએ આ પગલાંને આવકારતા જણાવ્યું છે કે સરકારે આ પગલું ભર્યુ તો છે, પરંતુ તે ટૂંકાગાળા માટેનું છે. સરકારનું પગલું નિકાસકારોને યુકે અને ઇયુનુ બજાર જાળવવામાં મદદ કરી શકે, પરંતુ અમેરિકાનું બજાર જાળવવા માટે સરકારે વધારે સારા પગલાં ભરવા પડી શકે છે એમ તેઓનું માનવું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર