રાજ્યમાં મંત્રીમંડળ પછી હવે વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો તોળાઈ રહ્યો છે. મંત્રીમંડળમાં તળિયાઝાટક ફેરફારો થયા પછી વહીવટીતંત્ર ધરખમ ફેરફારો સાથે સજ્જ થઈ ચૂક્યું છે. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મનોજ દાસની નિમણૂક આ વાતનો પુરાવો છે. તેઓ હવે પંકજ જોષીનું સ્થાન લેશે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી 31મી ઓક્ટોબરે વિદાય લેશે.
આમ મંત્રીમંડળ પછી હવે વહીવટીતંત્રમાં પણ ટોચના સ્તરે સાફસૂફી થવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એક સમયે માનવામાં આવતું હતું કે પંકજ જોષીને એકસ્ટેન્શન મળશે, પરંતુ હવે આ વાત પર પૂર્ણવિરામ મૂકાઈ ચૂક્યું છે. આ બતાવે છે કે વહીવટીતંત્રમાં ફેરફારોની ઘડીઓ ગણાઈ રહી છે. આટલું ઓછું હોય તેમ નિવૃત્તિના આરે આવીને ઉભેલા રાજ્યના અગ્રસચિવ સુનયના તોમરને હાઈકોર્ટે કોર્ટના તિરસ્કારની નોટિસ ફટકારી છે.
હાઇકોર્ટે આપેલા ચુકાદાનું પાલન કરાવવાના કેસમાં નિષ્ફળ જવા બદલ આ નોટિસ ફટકારવામાં આવી છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજો અને સરકારી પોલિટેકનિક કોલેજોમાં એડહોક તેમજ કરાર આધારિત લેક્ચરર્સ-આસિસ્ટન્ટ પ્રોફેસરને રેગ્યુલર પે સ્કેલ અને સંલગ્ન લાભો સહિત આઠ ટકા વ્યાજ સાથે ચૂકવણી કરવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટે આપ્યો હતો. તેનો ગુજરાત સરકારે અમલ ન કરતાં અગ્રસચિવ સુનયના તોમર સામે પણ નોટિસ જારી કરવામાં આવી છે. આમ નિવૃત્તિના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેમણે નોટિસનો સામનો કરવાનો આવ્યો છે.
આના પગલે હવે ગુજરાત સરકારે તેમને આગામી દિવસોમાં બીજા કોઈ હોદ્દા પર ગોઠવવા પડે તેવી સંભાવના છે. તેઓ આમ પણ વરિષ્ઠ અધિકારી હોઈ તેથી તેમણે તેમના જુનિયરના હાથ નીચે કામ કરવું ન પડે તેવા જ કોઈ હોદ્દા પર ગોઠવવામાં આવી શકે છે, આના કારણે તેમને અમદાવાદથી લઈને ગાંધીનગરની બહારનું પોસ્ટિંગ મળે તેવી પ્રબળ સંભાવના છે.
આમ દાસના મુખ્ય સચિવ બનવાની સાથે જ સીએમઓને પણ નવો ઓપ આપવામાં આવી શકે છે. દાસ અગાઉ પણ રૂપાણી સરકાર સમયે સીએમઓમાં કામ કરી ચૂક્યા હોવાથી સરકારને તેમનો અનુભવ ઘણો કામ આવી શકે છે.
રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યુ છે અને તંત્રની દરેક વસ્તુ ડિજિટાઇઝ થઈ રહી છે ત્યારે તેને અનુરૂપ સરકારી નીતિઓ પણ ઘડાવવી જરૂરી છે, તેને સતત પ્રત્સાહન મળી રહે તથા રાજ્યની વિકાસની ગતિને બ્રેક ન વાગે તે માટે તંત્રનું ડિજિટાઇઝેશન પણ જરૂરી છે. એકબાજુએ સરકારી ખર્ચ સ્થિર રાખીને બીજી બાજુએ કલ્યાણકારી અને જનસુખાકારીભરી નીતિઓને વેગ આપવા તંત્ર દરેક બાબતનું ત્વરિત પ્રતિસાદ આપે તે જરૂરી છે.
દાસની નિમણૂકના પગલે હવે તે પણ સુનિશ્ચિત થઈ ગયું છે કે રાજ્યના તમામ મંત્રાલયોમાં સચિવ કક્ષાએ પણ ફેરફાર થશે. આમ સાફસૂફી ટોચના સ્તરે થવાની છે અને પછી તે તળિયા સુધી પણ પહોંચશે. આ પ્રકારની કામગીરી કરવાનું કારણ વહીવટીતંત્રને વધુને વધુ ગતિશીલ રાખવાનું છે. રાજ્યનું વહીવટીતંત્ર જડ અને નીંભર ન રહે તથા સતત પ્રજાની આકાંક્ષાઓનો જવાબ પાડતું રહે તે જોવાનું છે.
તાજેતરના સમયમાં તે બૂમરાણ ઉઠી છે કે સરકારી અધિકારીઓ જવાબ આપતા નથી, તે પ્રજાની તકલીફોની રજૂઆત માટે આવેલા કોર્પોરેટરો અને વિધાનસભ્યોને પણ ગાંઠતા નથી, તેઓને સરખો જવાબ પણ આપતા નથી અને આપે છે તો સાવ ઉડાઉ કે તુમાખીથી ભરેલો જવાબ આપે છે. હવે આ સંજોગોમાં સામાન્ય માણસ માટે કામ કરવાની કે તેના પ્રત્યેની સંવેદનાની તો વાત જ ક્યાં રહી.
હવે આ પ્રકારના તંત્રમાં સુધારો લાવવાનો હોય તો પછી છેક ટોચના સ્તરેથી જ લાવવો રહ્યો. વહીવટીતંત્ર પ્રજાભિમુખ રહે તે જ શાસનનો મુદ્રાલેખ હોવો જોઈએ, પણ તંત્ર પાસેથી તેનું પાલન કરાવવું પણ તેટલું જ અઘરું છે. વહીવટીતંત્રમાં અનેક સ્તરો હોય છે. આ સ્તરો પાછા તંત્રએ પાર પાડવાના હોતા નથી, પણ સામાન્ય નાગરિકોએ તંત્રના અનેક સ્તર અંગે ઝઝૂમવાનું હોય છે. પીએમ મોદી પણ વહીવટીતંત્રની કામગીરી અંગે કટાક્ષ કરી ચૂક્યા છે.
તેમણે સીએમ હતા તે સમયે એક ભાષણમાં જણાવ્યું હતું કે નદીમાં પૂર આવે ત્યારે કોઈ વ્યક્તિ ફસાયો હોય તો તેને દોરડું નાખીને ખેંચીને બચાવવાનો હોય. આ એક સામાન્ય કામગીરી છે, પરંતુ હવે આ જ કામગીરી વહીવટીતંત્રએ કરવાની હોય તો તે પૂર આવે ત્યારે દોરડું ખરીદવા જાય, તેની પાસે પહેલેથી દોરડું જ ન હોય. આ દોરડું ખરીદવા માટે તે ટેન્ડર બહાર પાડે, તેમા પણ પાછું કૌભાંડ થાય કે કૌભાંડના આક્ષેપો થાય, એટલે પાછી સમિતિ બેસાડાય, તે પાછો રિપોર્ટ આપે, સરકાર તેના પર કોઈ બલિનો બકરો શોધીને અધિકારીને સસ્પેન્ડ કરવાના પગલાં લે, પણ પૂરમાં ફસાયેલાને બચાવવા માટે દોરડું તો ન જ આવે. વહીવટી પ્રક્રિયા આવી હોય, હવે આટલા સમય દરમિયાન શું પૂરમાં ફસાયેલો માણસ જીવતો રહેવાનો, શક્ય જ નથી. બસ હું વહીવટીતંત્રના આ બધા જમા થઈ ગયેલા સ્તરોની પરત જ ઉખાડવામાં લાગેલો છું, જેથી તે સામાન્ય માનવી માટે કામ કરી શકે.
હવે રાજ્યમાં આ જવાબદારી વર્તમાન સરકારે નીભાવવાની છે. પીએમ મોદીની ઇચ્છા મુજબનું પ્રજાભિમુખ વહીવટીતંત્ર બનાવવા માટે ફક્ત મંત્રીમંડળ જ નહીં સરકારના તંત્રમાં દરેક મંત્રાલયોમાં સચિવ સ્તરથી લઈને દરેક સ્તરે સાફસૂફી જરૂરી છે, પરિવર્તન જરૂરી છે. કોઈ અધિકારી એક જ વિભાગમાં લાંબા સમય સુધી એક જ સ્થળે રહે તે ઘણી વખત સરકારને અને તંત્રને બંનેને નુકસાન કરે છે. ચૂંટણીને હજી બે વર્ષની વાર છે ત્યારે વહીવટીતંત્રના આ તળિયાઝાટક ફેરફાર દ્વારા પ્રજાને પ્રજાભિમુખ વહીવટના દર્શન નહીં પણ થોડી ઘણી ઝાંખી થાય તે પણ બહુ છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!
આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!
