ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને શાસક પક્ષ અને વિપક્ષ બધા નવતર વાઘા સજી રહ્યા છે. રાજ્યમાં કોર્પોરેશનની આ વખતની ચૂંટણી શાસક પક્ષ માટે મોટો પડકાર બનીને આવી છે. શાસક પક્ષે એકબાજુએ પ્રબળ બનેલી સત્તાવિરોધી લહેરનો સામનો કરવાનો છે, બીજી બાજુએ 27 ટકા ઓબીસી અનામતના કારણે જનરલ બેઠકોમાં ઘટાડો થવાના કારણે કેટલાય કોર્પોરેશનોમાં કોર્પોરેટરોની ટિકિટ કપાશે, તેની સામે યુવા ચહેરાઓને તક આપવામાં આવતા પક્ષમાં પણ ઉઠતા અસંતોષના જુવાળનો સામનો કરવાનો છે. આના પગલે રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં બેઠકોની વ્યવસ્થાથી લઈને, સીટિંગ કોર્પોરેટરોની ટિકિટ કપાવવાથી લઈને તળિયાઝાટક ફેરફાર થાય તેવી પ્રબળ સંભાવના છે.
કુટુંબ મોટું થાય તેમ તેની સાથે સંકળાયેલા પ્રશ્નો પણ મોટા થતાં હોય છે, તેથી તેની સાથે જોડાયેલો નાનામાં નાનો વિવાદ પણ મોટો બની જતો હોય છે. શાસક પક્ષની નેતાગીરીએ પક્ષપ્રમુખની નિમણૂક કરી છે અને મંત્રીમંડળમાં સફળ ફેરફાર કરીને યુવાઓને સ્થાન આપવામાં આવ્યું તે જ ફોર્મ્યુલાનો અમલ કરવાનો છે. અગાઉના પ્રમુખ સી આર પાટિલે 60થી વધુ વયના કોર્પોરેટરોને ટિકિટ ન આપવાનો સફળ પ્રયોગ કર્યો હતો તેને જાળવી રાખવાની જવાબદારી હવે નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માના શિરે આવી છે.
હવે જોવાનું એ છે કે તેઓ આ ફોર્મ્યુલાને અનુસરે છે કે નવી જ ફોર્મ્યુલા દાખલ કરે છે તેના પર બધાની નજર રહેશે. આમ આદમી પાર્ટી (AAP) યુવા ચહેરાઓ પર જુગાર ખેલી રહી છે, તેથી અન્ય વિપક્ષ કોંગ્રેસ અને શાસક પક્ષ માટે પણ યુવા ચહેરા પર જુગાર ખેલ્યા વગર છૂટકો નથી. રાજ્યની દરેક મહાનગરપાલિકાથી લઈને દરેક નગરપાલિકામાં ઓબીસી અનામતનો અમલ થવાના કારણે બેઠકોના સમીકરણો ફરી ગયા છે. તેથી તેમા અગાઉની કે જૂની વ્યૂહરચના મુજબ કામ ચાલે તેમ જ નથી.
આ બદલાયેલા સમીકરણોનો લાભ લેવા માટે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તડામાર તૈયારીઓ કરી છે. તેમા પણ આમ આદમી પાર્ટીએ તો તળિયાના સ્તરથી કામગીરી કરવા માંડે છે. તેણે શહેરોમાં વોર્ડ દીઠ ધોરણે લોકોના પ્રશ્નોને વાચા આપવા માંડી છે. તેના કારણે શાસક પક્ષે પણ તેને તળિયાના સ્તરથી જવાબ આપવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જ્યારે પણ નવા નિયમોના અમલના કારણે બેઠકોના સમીકરણો બદલાય છે ત્યારે સૌથી અસર શાસક પક્ષ પર જ પડે છે. નવા નિયમ મુજબ બેઠકોની ફાળવણીની યાદી પણ બહાર પાડવામાં આવી છે. અમદાવાદમાં જોઈએ તો મહાનગરપાલિકાની કુલ 192 બેઠકોમાંથી 50 ટકા અનામત મુજબ 96 બેઠકો તો મહિલાઓ માટે જ અનામત થઈ ગઈ. જ્યારે બીજી 50 બેઠકો પછાત વર્ગ માટે અનામત રખાઈ હતી. તે ઓબીસી અનામતના કારણે 52 થઈ છે. હવે આ આમ કુલ 196 બેઠકમાંથી 148 બેઠક અનામતમાંથી ગઈ, આમ જનરલ કેટેગરીમાં માંડ 48 બેઠક આવે છે. ઓબીસી અનામતના કારણે હવે દર ત્રીજી કે ચોથી બેઠકે ઓબીસી ઉમેદવાર હશે.
આના કારણ અમદાવાદમાં જોઈએ તો રામોલ-હાથીજણ, ગોતા, અસારવા, નવરંગપુરા, ખાડિયા, વેજલપુર, સરખેજ, ઓઢવમાં ઓબીસી અનામતની અસર જોવા નહીં મળે. જ્યારે ચાંદખેડા, સાબરમતી, નવાવાડજ, ઘાટલોડિયા, થલતેજ, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, સરદારનગર, સૈજપુર બોઘા, શાહીબાગ, શાહપુર, બોડકદેવ, વિરાટનગર, બાપુનગર, સરસપુર, જમાલપુર, પાલડી, મક્તમપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, અમરાઈવાડી, વસ્ત્રાલ, ભાઈપુરા-હાટકેશ્વર, ખોખરા, વટવામાં ઓબીસી અનામતના કારણે ફેરફાર થશે.
આ પહેલા મ્યુનિ.માં ચૂંટાયેલી 96 મહિલામાં 75 મહિલા જનરલ કેટેગરીમાં હતી. હવે જનરલ કેટેગરીમાં 59 મહિલા જ વિજેતા થશે. પુરુષમાં 96 બેઠકમાં 76 બેઠક પર જનરલ કેટેગરીમાં ઉમેદવાર હતા. જ્યારે 59 પુરુષ બેઠકો પર જનરલ કેટેગરીમાં રહેશે. આના પગલે મેયર પ્રતિભા જૈન, ભૂતપૂર્વ મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ભૂતપૂર્વ ચેરમેન હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગીતા પટેલ, પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ અને ભૂતપૂર્વ નેતા ભાસ્કર ભટ્ટના વિસ્તારો બદલાશે.
જાન્યુઆરી 2025ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં 46 લાખ મતદાર નોંધાયેલા છે. તેમા લગભગ 24 લાખ પુરુષ અને 22 લાખ મહિલા મતદાર છે. સૌથી વધુ સાડા ચાર લાખ જેટલા મતદાર ઘાટલોડિયામાં અને સૌથી ઓછા બે લાખ મતદાર દરિયાપુરમાં છે.
વડોદરા મ્યુનિસિપાલિટીમાં જોઈએ તો કુલ 19 વોર્ડની 76 બેઠક છે. 76માંથી કુલ 54 બેઠક અનામત છે. કુલ 71 ટકા બેઠકો અનામત છે.સામાન્ય બેઠક 22 છે, જ્યારે ઓબીસી માટે 21 બેઠક અનામત છે. આ પૈકી પાંચ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે, જેમાં બે બેઠક અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત છે. અનુસૂચિત આદિજાતિ માટે ત્રણ બેઠક અનામત છે. જ્યારે એક બેઠક આદિજાતિની મહિલા માટે અનામત છે. પછાતવર્ગ માટે 21 બેઠક અનામત છે. જ્યારે 10 બેઠક પછાત વર્ગની મહિલા માટે અનામત છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો છે. તેમાં મહિલા માટે 50 ટકા અનામત હોવાથી 120માંથી 60 બેઠક મહિલાઓ માટે અનામત છે. આ ઉપરાંત ઓબીસી અનામત 27 ટકા સુધી વધારાતા પછાત વર્ગની બેઠક 12થી 20 વધીને 32 થઈ ગઈ છે. આ ઉપરાંત એસસી માટે ચાર બેઠક અને એસટી માટે ત્રણ બેઠક અનામત હોવાથી કુલ 120માંથી 99 બેઠક અનામતમાં ગઈ છે અને 21 જ જનરલ બેઠક છે. ઓબીસીની 32 બેઠકમાં પણ 50 ટકા એટલે કે 16 બેઠક મહિલાઓ માટે અનામત છે.
રાજકોટમાં જનરલ બેઠકો કુલ 72માંથી પહેલા 31 હતી, પરંતુ મહિલા અનામતન સહિત બધા જ અનામત ગણતા કુલ 72 બેઠકોમાંથી 54 બેઠકો અનામતમાં ગઈ પછી ઓબીસી અનામતના અમલના કારણે ઓબીસી બેઠકો વધીને 11માંથી વધીને 19 થતાં જનરલ બેઠકો ઘટીને ઘટીને ફક્ત 22 જ રહી ગઈ છે.
રાજકોટમાં તાજેતરમાં જ શાસક પક્ષના કોર્પોરેટરના પતિ AAPમાં જોડાઈ ગયા, તેના કારણે પણ રાજકીય હલચલને વેગ મળ્યો છે. આ બતાવે છે કે શાસક પક્ષની અંદર પણ બધુ સમુસૂતરું નથી, હવે શાસક પક્ષ પર મોટી જવાબદારી છે કે તેણે આંતરિક અસંતોષને કેવી રીતે ખાળવો. રાજકોટ ભાજપમાં પણ મંત્રીમંડળની જેમ યુવા ચહેરાઓને અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. રાજ્યની બધી નગરપાલિકાઓમાં રાજકોટ પર બધાની નજર રહેશે, કારણ કે રાજકોટને સૌરાષ્ટ્રમાં શાસક પક્ષ સામેના અસંતોષનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી હવે તેના પર કબ્જો જાળવી રાખવા શાસક પક્ષ યથાસંભવ પ્રયત્ન કરી રહ્યું છે, તેની સામે વિપક્ષ કોંગ્રેસ અને હમણા જોર કાઢી રહેલી આમ આદમી પાર્ટી પણ શાસક પક્ષના આ ગઢના કાંગરા ખેરવવા પ્રયત્નશીલ છે.
ઓબીસીની બેઠકોમાં જંગી વધારાથી ટિકિટ વહેંચણીની રણનીતિમાં પણ ધરખમ ફેરફાર થશે. આ ચાર મહાનગરપાલિકા જેવી સ્થિતિ રાજ્યની દરેક મ્યુનિસિપાલિટીમાં જોવા મળશે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!
આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!
