સરકારી તંત્રની જડતા, નીંભરતા અને બેદરકારીનો અક્ષમ્ય કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે…. આના કારણે એક ગામને વર્ષના ત્રીજા ભાગ જેટલો સમય ચાલે તેટલો અનાજનો જથ્થો રીતસરનો સડી ગયો છે…. તંત્રએ જો જરા પણ સંવેદનશીલતા દાખવી હોત તો આ અનાજનો જથ્થો લોકો અને તેમા પણ ખાસ કરીને ગરીબોના પેટમાં ગયો હોત, પરંતુ તેના બદલે આ જથ્થો જીવડાઓના પેટમાં ગયો છે….
કહેવાય છે કે પાડાઓની લડાઈમાં ઘાસનો ખો નીકળે. બિલકુલ આવું જ પોલીસ અને પુરવઠા તંત્રની લડાઈમાં થયું છે…. તેના કારણે ગરીબોને સો દિવસ ચાલે તેટલા અનાજ સહિતની બીજી કરિયાણાની વસ્તુઓનો જથ્થો બરબાદ થઈ ગયો છે…. આ આખી ઘટનાના જાણકારોનું કહેવું છે કે હજારથી પણ વધારે લોકોને સો કરતાં પણ વધારે દિવસ ચાલે તેટલા ઘઉં, એક મહિનો ચાલે તેટલા ચોખા અને બે મહિનો પીવાય તેટલી ચાનો જથ્થો બે સરકારી વિભાગ વચ્ચેના સંઘર્ષમાં બરબાદ થઈ ગયા છે…. હવે આ બરબાદ થઈ ગયેલા અનાજના જથ્થાની જવાબદારી કોણ લેશે, પોલીસ લેશે કે પુરવઠાતંત્ર લેશે?…

આ આખા ઘટનાક્રમમાં જોઈએ તો કોરોના કાળમાં કરજણના કાસમપુરા ગામમાં ત્રિકમભાઈના વાડાની ઓરડીમાં સરકારી સસ્તા અનાજનો ગેરકાયદેસરનો જથ્થો ઝડપાયો હતો…. આ બનાવને લઈને પુરવઠા નાયબ મામલતદારો બે જણ સામે ગુનો નોંધ્યો હતો અને આ કેસ આખો હાઇકોર્ટમાં ગયો હતો…. તેના કારણે પાંચ વર્ષ સુધી અનાજનો આ જથ્થો એમને એમ રહ્યો અને સડી ગયો…. આ અનાજ કોઈના પેટમાં ન જતાં જીવડાઓના પેટમાં ગયું…
કોરોનાકાળમાં સરકારે રાહત પેકેજ જાહેર કર્યુ હતુ, લોકો ભેગા ન થાય અને ચેપ ન લાગે તે માટે ઓફલાઇન એન્ટ્રી કરીને અનાજ વિતરણ કરવા સસ્તા અનાજની દુકાનના સંચાલકોને છૂટ આપી હતી…. આ અંગેની પોલીસ ફરિયાદ મુજબ સસ્તા અનાજ એસોસિયેશનના પ્રમુખ અને સરપંચ પ્રવીણ અંબાલાલ પટેલે ઘઉં, ચોખા, ચણા, ખાંડ અને મીઠું ઓનલાઇન રજિસ્ટરમાં કાર્ડધારકોને વિતરણ કર્યાની ખોટી એન્ટ્રી કરી હતી…. પછી આ અનાજનો જથ્થો કાસમપુરના રહેવાસી ત્રિકમભાઈના વાડાની ઓરડીમાં સગેવગે કરી દીધો હતો….

પોલીસે મે 2020માં પાંચ લાખથી વધુ રૂપિયાનો આ જથ્થો જપ્ત પણ કરી લીધો હતો…. તેના પગલે પુરવઠા વિભાગના નાયબ મામલતદારે બંને સામે ગુનો નોંધ્યો હતો. નિયમ મુજબ સીઝ કરેલા જથ્થાના દંડની રકમ સંચાલકો પાસેથી વસૂલીને અનાજ છૂટું કરી દેવાય છે…. આ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ અહીં પકડાયેલા લોકો કોર્ટમાં જવાથી કેસ છેક હાઇકોર્ટ સુધી લંબાયો…. તેના લીધે અનાજ પાંચ વર્ષથી આ જ ઓરડીમાં પડ્યું-પડ્યુ રીતસરનું સડી ગયું છે અને હવે તેને જીવાત ખાઈ રહ્યા છે….
સસ્તા અનાજનો આ જથ્થો કાસમપુર, કુરાલી અને ધાવટના કાર્ડધારકોને આપવામાં આવતો હતો…. હવે જો આ જથ્થો કરીને ગામવાસીઓમાં વહેંચી દેવાયો હોત તો હજાર લોકોના ગામને ત્રણ મહિના સુધી ચાલે તેટલો આ જથ્થો હતો….

સસ્તા અનાજ પૂર્વ એસોસિયેશનના પ્રમુખ અને આ કેસના આરોપી પ્રવીણ પટેલે તેના બચાવમાં જણાવ્યું હતું કે અમે કોરોના કાળમાં અનાજ વહેંચવા માટે મજૂરો બોલાવ્યા હતા…. આ મજૂરોને પોલીસે માર માર્યો હતો…. પોલીસે જથ્થો જપ્ત કરીને નાયબ મામલતદારને ગુનો નોંધવા માટે દબાણ કર્યું હતું…. અમે પોલીસની દાદાગીરીને વશ ન થયા તેથી અમારી સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, અમારી સામે થયેલો કેસ પણ ખોટો છે…. નાયબ મામલતદારે પોલીસના દબાણના કારણે અમારી સામે કેસ કર્યો હતો…. અમે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે અમારી સામે કાયદાકીય કાર્યવાહી ભલે થાય, પરંતુ અનાજનો જથ્થો તો છોડો, જેથી તે જરૂરિયાતવાળાને પૂરો પાડી શકાય…. પણ તેઓએ તો આ કેસ હવે હાઇકોર્ટમાં હોવાથી તે જે નિર્ણય લેશે તે મુજબ થશે તેમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા…. હવે પાંચ વર્ષથી હાઇકોર્ટમાં કાર્યવાહી ચાલે છે અને જથ્થો તે જ ત્રિકમભાઈની વાડીના ઓરડામાં પડયોપડ્યો સડી રહ્યો છે….

જો તેઓએ કમસેકમ જથ્થો જપ્ત કરીને ગરીબોમાં વહેંચી દીધો હોત તો પણ અમને વાંધો ન હતો, આ તો દાંડાઈ અમારી નથી, પોલીસ અને તેમના ઇશારે ચાલેલા પુરવઠા વિભાગની છે…. તેઓને ગરીબોની કશી જ પડી નથી, પોલીસની દાળ અમારી આગળ ગળી નહી એટલે તેણે અમને સાણસામાં લીધા અને તેનો ભોગ બિચારા જરૂરિયાતવાળા અને ગરીબો બન્યા….બાકી અમે તો અમારી સામે કાર્યવાહી થઈ ત્યારે જ જણાવી દીધું હતું કે કાયદાકીય પ્રક્રિયા એકબાજુ રહી, પણ આ જથ્થાનો નીવેડો લાવો, પરંતુ તેઓએ કશું જ ન કર્યુ તેના લીધે અનાજનો જથ્થો સડી ગયો…. આ ઘટના બતાવે છે કે ગરીબોનું કોઈ બેલી નથી…. ગરીબો માટે સસ્તુ અનાજ પણ તંત્ર પહોંચવા દેતું નથી…. તે ફક્ત પારસ્પરિક હુંસાતુંસીમાં જ વ્યસ્ત રહે છે….
કાસમપુર ગામના ભૂતપૂર્વ સરપંચ ગોપાલ ભગતે પણ જણાવ્યું હતું કે અનાજ સદંતર સડી ગયું છે…. હવે તો તે માનવી તો ઠીક પશુને પણ ખવાય તેવું રહ્યું નથી…. જીવડાઓ જ તેને ખાઈ રહ્યા છે…. આ અનાજમાં જીવાત પડી ગઈ છે….તેના લીધે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે આસપાસના ઘરોમાં પણ જીવડા આવે છે અને અને તેના અનાજમાં પણ પડે છે… તેથી આજુબાજુવાળા પણ ત્રાહિમામ પોકારી ગયા છે….સાંજ પડવાની સાથે તો જાણે જીવડાના ઝુડના ઝુંડ આવે છે….આટલું ઓછું હોય તેમ ઓરડીની આસપાસ સાપ ફરતા થઈ ગયા છે….અનાજ સડી જતાં એટલી બધુ દુર્ગંધ મારી રહી છે કે તે દૂર કરવા દવા છાંટવી પડે છે….
હવે જે લોકોના લીધે આ અનાજ બગડ્યું છે તે લોકોને જો જેટલા મણ અનાજ બગડ્યું તેને ખેડૂતની જેમ જમીનમાંથી ફરી અનાજ ઉગાડવાનો દંડ ફટકારવો જોઈએ ત્યારે તેમને ખબર પડે કે અનાજ કેમ ઉગે છે…. તેમને અનાજનું મૂલ્ય સમજાવવું જોઈએ. આવી સજા નહીં થાય ત્યાં સુધી તેમને અનાજનું મૂલ્ય નહીં સમજાય….
આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?
આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત
