MANTAVYA Vishesh/ અલ્પેશ ઠાકોર 26મી જાન્યુઆરીએ કરશે ક્રાંતિ !

અલ્પેશ ઠાકોરે ગાંધીનગરમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપવા માટેની ક્રાંતિની જાહેરાત કરી છે .આ માટે ક્રાંતિ 26મી જાન્યુઆરીએ રાત્રે ત્રણ વાગે ફૂંકાશે. આ દિવસે રાત્રે ત્રણ વાગે આ સંસ્થાનું ભૂમિપૂજન કરવામાં આવશે.

Mantavya Vishesh

ભાજપના વર્તમાન ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સરકારમાં કેબિનેટમાં થયેલી નિમણૂકમાં અને તેના પછી પક્ષના સંગઠનમાં થયેલી નિમણૂકોમાં અવગણવામાં આવ્યા બાદ તેમણે સક્રિયતા બતાવવાનું શરૂ કરી દીધું છે. ઠાકોર સેનાના આ વડાને લાગવા માંડ્યું છે કે આમ રાહ જોઈને બેસી રહીશું તો કશું જ નહીં થાય આમને આમ જ બેસી રહીશું તો નવું કશું મળવાનું તો બાજુએ રહ્યુ, પરંતુ હાલમાં છે તે પણ ઝૂંટવાઈ જતાં વાર નહીં લાગે. આના પગલે અલ્પેશ ઠાકોરે સામાજિક કાર્યક્રમોમાં સક્રિયતા દાખવવા માંડી છે. તેઓ ઠાકોર સમાજના વધુને વધુ કાર્યક્રમોમાં દેખાવવા લાગ્યા છે, અગાઉ તેમને હાજરી સમાજના જે-જે કાર્યક્રમોમાં પાંખી હતી અને દેખાતા જ ન હતા તેવા સ્થળોએ પણ તે દેખાવવા લાગ્યા છે. તે સમજી ગયા છે કે જો સમાજમાં જ નહીં દેખાઈએ તો રાજકારણમાં પણ નહીં દેખાઈએ.

તેની સાથે-સાથે તેમણે ઠાકોર સેનાને પણ સાબદી કરવા માંડી છે. આ જ દિશામાં આગળ ધપતા તેમણે 26મી જાન્યુઆરીના રોજ ક્રાંતિ કરવાની જાહેરાત કરી હતી.  આના કારણે બધાના કાન સરવા થઈ ગયા હતા કે તે હવે કઈ ક્રાંતિ કરવાની છે. અગાઉ પણ તેમની ઠાકોર સેના પરપ્રાંતીયો સામે વિવાદાસ્પદ કાર્યક્રમ હાથ ધરી ચૂકી છે. તેથી ક્રાંતિની વાત આવી ત્યારે પહેલાં તો આ જ પ્રકારની સમજ આવી હતી, પરંતુ પછી તેમણે જાહેરાત કરી હતી ત્યારે સમજાયું કે ના આ ક્રાંતિ નથી. અલ્પેશ ઠાકોર તો ઠાકોર સમાજમાં શૈક્ષણિક ક્રાંતિની વાત કરી રહ્યા છે.

અલ્પેશ ઠાકોરે ગાંધીનગરમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપવા માટેની ક્રાંતિની જાહેરાત કરી છે .આ માટે ક્રાંતિ 26મી જાન્યુઆરીએ રાત્રે ત્રણ વાગે ફૂંકાશે. આ દિવસે રાત્રે ત્રણ વાગે આ સંસ્થાનું ભૂમિપૂજન કરવામાં આવશે. ઠાકોર સમાજના યુવાનો અને યુવતીઓ આ સંસ્થામાં ભણી શકે તે માટે આ સંસ્થા બનાવવામાં આવી છે. ઠાકોર સમાજને શિક્ષણ મેળવવામાં મદદરૂપ થવામાં આ સંસ્થા બનાવાઈ છે. ઠાકોર સમાજ શૈક્ષણિક રીતે પછાત રહી ન જાય અને વિકાસની દોડમાં પાછળ રહી ન જાય તે માટે આ સંસ્થા બનાવવામાં આવી છે. આ સંસ્થા ઠાકોર સમાજના વિકાસમાં પાયાના પથ્થરનું કામ કરશે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીએ રાતે ત્રણ વાગે ઠાકોર સમાજના આગેવાનોને કંઈ મોજમસ્તી માટે કે કોઈ રાજકીય કાર્યક્રમ માટે બોલાવ્યા નથી. સમાજના કામ માટે બોલાવ્યા છે. આ શૈક્ષણિક સંસ્થા ઠાકોર સમાજના યુવાન-યુવતીઓને વિકાસનો માર્ગ ચીંધશે. તેમની વિકાસની દોડમાં પાયાના પથ્થરનું કામ કરશે.

અલ્પેશ ઠાકોર ભાજપની અંદર રહીને તેમનું રાજકીય અસ્તિત્વ જાળવવા મરણિયા બન્યા છે. તેમને સમજ આવી ચૂકી છે કે ભાજપમાં રાજકીય પ્રભુત્વ ઊભું કરવાનો માર્ગ સામાજિક પ્રભુત્વમાંથી જ નીકળે છે. આ સામાજિક પ્રભુત્વ કંઈ એમને એમ તો આવવાનું નથી. સમાજ માટે કશુંક કરશો તો આવશે. તેમણે ઠાકોર સેના ઊભી કરી હતી અને તેમના કારણે તેમને મળેલું પ્રભુત્વ તે જોઈ ચૂક્યા છે. હવે તેમણે ઠાકોર સેનાથી પણ આગળ વધીને શૈક્ષણિક સંસ્થા ઊભી કરવાની વાત કરી છે. હવે તે ફક્ત રાજકીય આગેવાન નહીં સમાજના માર્ગદર્શક બનીને સમાજને નવો રાહ ચીંધનારા તરીકે પોતાની છાપ ઉપસાવવા પ્રયત્નશીલ છે.

આજે ઠાકોર સમાજ ગુજરાતની વસ્તીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતો હોવા છતાં આજે શિક્ષણથી લઈને નોકરી બધામાં પાછળ છે. તેનું કારણ સમાજની અંદર પછાતપણુ, શિક્ષણનો અભાવ અને યુવાનોમાં દારૂની ટેવ છે. તેના કારણે આ સમાજે સામાજિકથી લઈને રાજકીય અસ્તિત્વ ઉપરાંત આર્થિક સુખાકારી માટે પણ વલખા મારવા પડે છે. અલ્પેશ ઠાકોર હવે ઠાકોર સમાજના વિકાસનો પાયો બનવા માટે આતુર છે અને તેથી જ પાયો નાખવાનું કામ કરી રહ્યા છે. આ માટે જ તેમણે 26મી જાન્યુઆરી જે દિવસે પ્રજાસત્તાક જાહેર થયો હતો તે દિવસે ક્રાંતિ ફૂંકવાની જાહેરાત કરી હતી. પહેલાં તો માનવામાં આવતું હતું કે તે કોઈ રાજકીય આંદોલનની કે કોઈ નવા પક્ષની જાહેરાત કરશે, પરંતુ તેવું કશું જ બન્યું નથી.

તાજેતરમાં જ ઠાકોર સમાજના વિવિધ રાજકીય આગેવાનો સામાજિક જાગૃતિનું ઘણુ કામ કરી રહ્યા છે. હજી થોડા સમય પહેલાં જ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજના લોકોને જણાવ્યું હતું કે વાતેવાતે ભુવાઓ જોડે જવાનું છોડો. પોતાના સંતાનોના ઇલાજ ડોક્ટર પાસે કરાવો, ભુવાઓ પાસે ન જાવ. અંધશ્રદ્ધામાંથી બહાર આવો. દશામાનું વ્રત કરવાની કોઈ જરૂર નથી. દશામાં ક્યાંય કોઈનેકશું કરતાં નથી અને તે કોઈને નડતાં પણ નથી. હવે જેમને દશામા નડતા હોય તેમણે દશામાને મારી પાસે મોકલી આપવા. હું તેમને મારી જોડે ગાડીમાં લઈને ફરીશ. તેમણે જણાવ્યું હતું કે કોળી સમાજનો યુવાનને જો અમદાવાદ જવાનું કહે તો કહે કે મને ત્યાં ન ફાવે, પણ સાંજે પડે તેને દારૂની પોટલી પીવાનું ફાવે. શું આ રીતે સમાજ વિકાસ કરશે. સમાજનો દરેક યુવાન પગભર નહીં થાય ત્યાં સુધી કોઈ સમાજ વિકાસ નહીં કરી શકે.

દરેક સમાજના અને દરેક રાષ્ટ્રના વિકાસનો આધાર યુવાનો હોય છે. હવે યુવાનો પોટલી પીને પડ્યા રહે તો કંઈ ઠાકોર સમાજનો ઉદ્ધાર થવાનો છે. તેઓ જ્યાં સુધી ભણશે નહી, સરકાર કે ખાનગી કંપનીઓમાં હોદ્દા મેળવશે નહીં ત્યાં સુધી તેમનું કુટુંબથી લઈને સમાજ કઈ રીતે આગળ આવશે. એકવીસમી સદી જ્ઞાનની સદી છે, જે સમાજ જ્ઞાનની યાત્રામાં પછાત રહી જશે તે સમાજ બધી જ રીતે પછાત રહી જશે. હાલમાં તેમની જે સ્થિતિ છે તેનાથી પણ વધુ ખરાબ થશે. તેથી ઠાકોર સમાજના જાગવાનો આ સમય છે, તેઓ પોતાનો વિકાસ કરીને રાજ્યની વિકાસ કૂચમાં મહત્વનો હિસ્સો બની શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો