ભાજપના સંગઠનાત્મક માળખામાં ફેરફારની ટોચના સ્તરેથી શરૂ થઈ ચૂકી છે અને તેની અસર તળિયા સુધી અનુભવાય તો આશ્ચર્ય નહી થાય. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીતિન નબીનના સ્વરૂપમાં થયેલી નિમણૂક આ શરૂઆત માનવામાં આવે છે. તેમને પહેલા વચગાળાના અને પછી પૂર્ણકાલીન વડા તરીકે નીમવામાં આવી શકે છે. તેઓ જે પી નડ્ડાનું સ્થાન લેશે. નબીન બિહારમા ભાજપના પાંચ વખતના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને મંત્રી પણ રહી ચૂક્યા છે. બિહારમાં તેમની સંગઠનાત્મક કુશળતાની નોંધ લેવાઈ છે.

ભાજપની આગામી ચૂંટણીનું સૂત્ર યુવા હશે તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્તરે પણ સંગઠનમાં વધુને વધુ યુવાન આગેવાનોને તક આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. નીતિન નબીન નવા પ્રમુખ બન્યા પછી તે પોતાની જ નવી ટીમની પસંદગી કરશે. તેમના પુરોગામી જેપી નડ્ડાએ 2020થી 2025 સુધી પક્ષનું પ્રમુખપદ સંભાળ્યુ હતુ તે જોતાં નીતિન નબીનને કમસેકમ 2029ની લોકસભા ચૂંટણી સુધી તો પાક્કા જ સમજવા જોઈએ. હાલમાં બિહારમાં ભાજપ જે પ્રકારે આગળ વધી રહ્યુ છે અને રાષ્ટ્રીય રાજકારણમાં પણ બિહારને પ્રાધાન્ય આપવાને ધ્યાનમાં લઈને નીતિન નબીનની નિમણૂકનું પગલું લેવાયું છે.

ભાજપની કેન્દ્રીય નેતાગીરીની ફેરફારના પગલે આગામી દિવસોમાં કેબિનેટમાં પણ ફેરફાર થાય તો આશ્ચર્ય નહી થાય. આ ફેરફાર બજેટ પછી ગમે ત્યારે થઈ શકે છે. આ આખી નવરચનાની કવાયતમા ભાજપમાં સંઘના નેતાઓને વધુને વધુ પ્રાધાન્ય મળે તો આશ્ચર્ય નહી થાય, કારણ કે પીએમ મોદી પણ પોતે સંઘમાંથી આવેલા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસ પણ સંઘના છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ સંઘમાંથી ભાજપમાં આવેલા છે. સંઘના નેતાઓને સામાન્ય રીતે મૂલ્યનિષ્ઠ માનવામાં આવતા હોવાથી તેઓ કૌભાંડો કરે તેવી સંભાવના ઘણી ઓછી છે.

આગામી દિવસોમાં ભાજપમાં સંગઠનાત્મક સ્તરે તળિયાઝાટક ફેરફારોની પૃષ્ટભૂમિ રચાઈ ચૂકી છે. આ ફેરબદલમાં અનેક નેતાઓના પત્તા કપાઈ પણ શકે છે તો બીજા નવા લોકોને લોટરી પણ લાગી શકે છે. નવા જ આગેવાનોને તક પણ આપવામાં આવી શકે છે. પક્ષ આમ પણ નવા આગેવાનોને તક આપવા માટે જાણીતું છે.
આ ફેરબદલ આગામી દિવસોમાં યોજાનારી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે પણ મહત્વનો રહેવાનો છે. તેમા પણ ખાસ કરીને બંગાળની અને આસામની ચૂંટણી પક્ષ માટે મહત્વની છે. આસામમાં પક્ષે સત્તા જાળવવાની છે તો બંગાળમાં પક્ષે સત્તા મેળવવાની છે. બંગાળ પર પક્ષે વધુને વધુ ફોકસ કર્યુ હોવાથી પક્ષની અંદર પણ બંગાળી નેતાઓની સંખ્યામાં વધારો થાય તો આશ્ચર્ય નહી થાય. શાસક પક્ષ તરીકે ભાજપ ચૂંટણીલક્ષી વ્યૂહરચનામાં માહેર છે. આ સંજોગોમાં સંગઠનમાં નવરચના આ બધી ચૂંટણીઓ સાથે કામ પાર પાડવામાં કેટલી ઉપયોગી નીવડી શકે છે તે આ ચૂંટણી વખતે ખબર પડી જશે, પરંતુ ભાજપને હંમેશા સંગઠનાત્મક ફેરફારથી ફાયદો થતો જ રહ્યો છે.
સંગઠનમાં નિયમિત રીતે સમયાંતરે ફેરફારો કરતાં રહેવાના કારણે પક્ષને સૌથી મોટો ફાયદો એ થયો છે કે પક્ષમાં દરેકને આશા હોય છે કે તેને તક મળશે. સતત બદલાનું જતું સંગઠન નીતનવા લોકોને નીતનવા હોદ્દા અને જવાબદારીઓ સોંપી શકતું હોઈને નવા આવેલા આગેવાનોને પણ કંઇક કરી બતાવવાની ઝંખના હોય છે અને પક્ષને તેનો ફાયદો મળે છે.
હાલમાં તો પક્ષ પાસે ઉત્તરપ્રદેશ અને બિહારમાં સત્તા છે અને હવે તે બંગાળમાં સત્તા મેળવવા માટે પ્રયત્નશીલ છે ત્યારે તેમા નવરચિત સંગઠનની ભૂમિકા મહત્વની નીવડી શકે છે. સંગઠનની નવરચના થાય તો કેબિનેટમાં કેટલાક મંત્રીને કાઢીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. તેઓને નવી ભૂમિકા સોંપી શકાય છે. નીતિન નબીન પર હવે પક્ષને નબીન બનાવવાની મોટી જવાબદારી આવીને ઊભી છે. આ વર્ષે યોજાનારી વિવિધ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં તેમના નેતૃત્વની ક્ષમતાની બરોબરની કસોટી પણ થશે. આ ઉપરાંત જે રાજ્યોમાં ચૂંટણીઓ છે તેના નેતાઓને સંગઠનમાં પ્રાધાન્ય આપવામાં આવશે તેમ માનવામાં આવે છે. નીતિન નવીન જનપ્રતિનિધિઓ સાથે સંવાદ કરી શકે તેમ છે.

આ ઉપરાંત નીતિન નબીન પક્ષ અને આરએસએસ વચ્ચે સારામાં સારો તાલમેળ જાળવીને કામ કરવા માટે સક્ષમ હોવાનું માનવામાં આવે છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમના તાલમેલના કારણે ભાજપને આ મોરચે ઘણી સફળતા મળી રહી છે. તેના કારણે ઘણી વખત ભાજપ અને આરએસએસની નેતાગીરી વચ્ચે જે સંઘર્ષ થતો હતો તે ટાળવામાં સફળતા મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.

નીતિન નબીનના આગેવાની હેઠળની નવીન ટીમ સાથે નવા જ પ્રકારનું રાજકારણ જોવા મળી શકે છે. તેની સાથે આ નવરચિત ટીમ કયા-કયા લોકોની નિમણૂકો કરે છે તેના પર પણ મહત્વની નજર રહેશે. તેમા આગામી રાજ્યોમાં જ્યાં ચૂંટણી છે તેના નેતાઓને તો પ્રાધાન્ય આપશે તે સુનિશ્ચિત છે. આમ ચૂંટણીને બ્યૂગલ વાગતા પહેલાં જ ભાજપે પક્ષની અંદર જ નવરચનાના દુંદુભિ વગાડવા માંડ્યા છે. આગામી દિવસોમાં નબીન નેતાગીરી હવે પક્ષને કયા પ્રકારની દિશા તરફ લઈ જાય છે તે પણ જોવું મહત્વનું નીવડી શકે છે. ભાજપનું ભાવિ આમ હાલમાં નબીન હાથમાં છે અને તેના પછી નબીન દ્વારા રચવામાં આવેલી નવીન ટીમના હાથમાં હશે. આમ બરોબરની શિયાળાની ઠંડીમાં સંગઠનાત્મક ફેરફાર નવા જ પ્રકારની રાજકીય ગરમી લાવશે. આના કારણે હવે ઊંઘ કોની-કોની ઉડે છે તે જોવાનું રહેશે અને કોના હાથમાં બગાસુ ખાતા પતાસુ આવી જાય છે તે જોવું પણ મહત્વનું રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
