ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે બંને દેશની સ્થિતિ લગભગ સરખી જ હતી. પણ આજે જે પાકિસ્તાન છે તે 1947 કરતાં પણ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યું છે. પાકિસ્તાનની આજની પ્રજા રીતસરની અનાજના દાણા માટે તરસી રહી છે. પાક.માં સત્તા ભલે ગમે તેના હાથમાં હોય, પરંતુ તેની ચાવી લશ્કરની પાસે જ રહે છે. પહેલા ફ્રન્ટ ડ્રાઇવ કરતું પાક આર્મી હવે બેક ડ્રાઇવ કરે છે. આના કારણે પાકિસ્તાન અંગે એવું કહેવાય છે કે દરેક દેશ પાસે લશ્કર હોય છે, પરંતુ પાકિસ્તાનમાં લશ્કર પાસે દેશ છે.
આજે એક સરેરાશ પાકિસ્તાની એક સરેરાશ ભારતીય આગળ ક્યાંય ટકી શકે તેવો નથી. આઝાદીના સમયે ભારતીયો અને પાકિસ્તાનીઓની સ્થિતિ સરખી જ હતી, પરંતુ આજે લશ્કરી શાસનના કારણે પાકિસ્તાનીઓની હાલત ભિખારીઓ જેવી થઈ ગઈ છે. સત્તાવાર ભીખારીઓની સંખ્યા ત્રણ કરોડને આંબી ચૂકી હોવાનું કહેવાય છે. પાકિસ્તાનમાં ભીખારીઓ હજી પણ વધવાના જ છે. પાક. શાસકોએ અને તેના લશ્કરે એટલી ખરાબ નીતિ અપનાવી કે પાકિસ્તાનીઓ આજે કંગાળ સ્થિતિમાં જીવી રહ્યા છે. કાશ્મીરમાં આતંકવાદને પોષવાની સ્થિતિમાં પાકિસ્તાને આજે આખા વિશ્વમાં બધે કટોરો લઈને ઊભા રહી જવું પડે તેવી સ્થિતિ છે.
પાકિસ્તાન કદાચ વિશ્વની એવી પહેલી પરમાણુ સત્તા છે જેને ત્યાં લોકોને ફાંફા છે. કોઈપણ દેશની આર્થિક સ્થિતિનો અંદાજ તેની વ્યક્તિગત આવક પરથી લગાવી શકાય છે. તેમા જોઈએ તો આ મોરચે 1947 સુધી પાકિસ્તાન અને ભારત બંનેની વ્યક્તિગત આવક લગભગ સરખી જ હતી. તે સમયે ભારતની પ્રતિ વ્યક્તિ દીઠ આવક 85 ડોલર તો પાકિસ્તાનીની આવક 82 ડોલર હતી, જે બરોબર કહી શકાય. તેની સામે આજે પ્રતિ ભારતીયની આવક 2,700 ડોલરથી વધારે છે તો પાકિસ્તાનીની આવક માંડ 1,581 ડોલર જેટલી માંડ છે.
પાકિસ્તાની લોકોની નબળી કમાણીની અસર તેમના શરીર પર પણ પડી છે. તેઓનું આયુષ્ય પણ ભારતીયોની તુલનાએ ઘટ્યું છે. છેલ્લા દાયકામાં તો આ ગેપ ખાસ્સો વધી ગયો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 1960માં સરેરાશ ભારતીયની વય 46 વર્ષ હતી તો પાકિસ્તાનીની 44 વર્ષ હતી. 2024માં ભારતીયની સરેરાશ વય 72 વર્ષની છે તો સરેરાશ પાકિસ્તાનીની વય 67 વર્ષની છે.
બંને દેશોના નાગરિકોના જીવનધોરણમાં સતત વધતા અંતરનું મોટું કારણ એ છે કે પાકિસ્તાન ભારતના મુકાબલે પોતાની જીડીપીની નોંધપાત્ર રકમ ફોજ પાછળ ખર્ચે છે. 1960માં ભારત તેની જીડીપીનો 4.3 ટકા ખર્ચ લશ્કર પર ખર્ચતું હતું. તે સમયે પાકિસ્તાન બે ટકા ખર્ચ કરતું હતું. હવે 2023માં જોઈએ તો ભારત તેની જીડીપીના 2.4 ટકા લશ્કર પાછળ ખર્ચે છે તો પાકિસ્તાન 2.8 ટકા ખર્ચે છે. જ્યારે 145 દેશોના પાવર ઇન્ડેક્સમાં ભારત ચોથા સ્થાને તો પાકિસ્તાન 12માં સ્થાને છે.
પાકિસ્તાનમાં લશ્કર પાછળ જંગી ખર્ચ કરવાના કારણે હવે સ્થિતિ એવી આવી છે કે શિક્ષણ અને આરોગ્ય સહિત બધા મોરચે પાકિસ્તાન દયનીય સ્થિતિમાં પહોંચી ગયું છે. ભારતે 2023માં જીડીપીના 4.1 ટકા શિક્ષણ પાછળ ખર્ચ્યા તો પાકિસ્તાને ફક્ત 1.9 ટકા રકમ જ ખર્ચી. આના પરિણામે પાકિસ્તાનમાં પુખ્ત વયના લોકોમાં સાક્ષરતા 2021 મુજબ 58 ટકા છે, જે ભારતમાં 2023 મુજબ 80 ટકા છે.
પાક સરકાર પાસે લશ્કર પાછળ ખર્ચવા રૂપિયા છે, પરંતુ સામાન્ય નાગરિકોના આરોગ્ય પાછળ ખર્ચવાના રૂપિયા નથી. 2000માં આરોગ્ય પાછળ પાકિસ્તાને જીડીપીનો 2.5 ટકા ખર્ચ જ કર્યો હતો અને 2021માં આ ખર્ચ પણ લશ્કરની તુલનાએ થોડો જ વધારે હતો.
આમ પાકિસ્તાનના નેતાઓએ અને લશ્કરી આગેવાનોએ લશ્કર પાછળ ખૂબ જ ખર્ચ કર્યો. તેથી લશ્કર તો સારું રહ્યુ, પરંતુ પાકિસ્તાની પ્રજાની હાલત કથળી ગઈ. તેમા પણ પાકિસ્તાનની વરવી રાજકીય પરિસ્થિતિ અને ખરાબ રાજકીય નિર્ણયોએ પાકિસ્તાનને મોટો ફટકો માર્યો. તેણે ગરીબીમાંથી નીકળવા ચીન સાથે કરેલી દોસ્તી પણ તેને માફક ન આવી. આજે પાકિસ્તાન ચીનનું ખંડિયું બની ગયું છે, તે રીતસરનું ચીનનું દેવાદાર છે. પાકિસ્તાનીઓ સાઉદી અરેબિયાથી મળતી કેટલાક અબજ ડોલરની ખેરાત પર માંડ-માંડ તેના દિવસો પસાર કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં આજે મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 300 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. દરેક શાકભાજી 200થી 250 રૂપિયા કિલો વેચાય છે. ફળો તો જાણે અદ્રશ્ય થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. તે હવે સામાન્ય પાકિસ્તાનીની પહોંચ બહાર થઈ ગયા છે.
આજે સ્થિતિ એવી છે કે વિશ્વમાં કોઈ દેશ પાકિસ્તાનીઓને વિઝા આપવા તૈયાર નથી. દરેક આતંકવાદી કે તેનો સ્ત્રોત પાકિસ્તાનમાંથી જ પકડાય છે. પાકિસ્તાન જાણે ટેરરિસ્ટ એક્સ્પોર્ટ સેન્ટર બની ગયું છે. અમેરિકા પર હુમલો કરનારો ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાંથી જ પકડાયો હતો. પાકિસ્તાને જ્યારથી આતંકવાદને આશરો આપવાનું શરૂ કર્યુ ત્યારથી તેની માઠી દશા બેઠી છે. આજે બલૂચિસ્તાનમાં તો પાકિસ્તાનનું લશ્કર જઈ શકે તેવી સ્થિતિ નથી. અહીં પંજાબી પાકિસ્તાનીને રીતસર ખતમ કરી દેવાય છે. પાકિસ્તાની પોલીસ અને વહીવટીતંત્રનું બલૂચિસ્તાનમાં કશું ચાલતું નથી. પાકે. પોતે મનથી સ્વીકારી લીધું છે કે બલૂચિસ્તાન જાણે સ્વતંત્ર વિસ્તાર જ છે અને તેની કોઈ હકુમત નથી. આગામી દિવસોમાં પાક.ની કંગાળિયત જેમ-જેમ વધતી જશે તેમ-તેમ તેના બધા અંકોડા છૂટા પડતા જશે તેમ માનવામાં આવે છે. આમ પાકિસ્તાન તેના અસ્તિત્વના અંતિમ દિવસો ગણી રહ્યું હોવાનું મનાય છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
