ગુજરાતમાં સવર્ણોએ આર્થિક અનામતને લઈને ધોકો પછાડ્યો છે. આ ધોકો પાછો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ પછાડવામાં આવતા તંત્રમાં ધ્રૂજારી પેદા થઈ છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ, સોની, વાણિયા સમુદાયના આગેવાનોની બેઠક મળી હતી. તેઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંયુક્ત રીતે 10 ટકા આર્થિક અનામત (EWS)ની માંગ કરી હતી.

ઝવેરીપંચની ભલામણો પર અસરકારક અમલ નહીં
તેઓનો દાવો છે કે ઝવેરી પંચે ભલામણો તો કરી છે, પરંતુ તેના અમલીકરણમાં મોટાપાયા ગડબડ થઈ છે. તેના કારણે આર્થિક અનામતનો લાભ મળવો જોઈએ તેટલો મળી રહ્યો નથી. આના કારણે હવે આ આગેવાનોને લાગી રહ્યુ છે કે આર્થિક અનામતનો લાભ પૂરેપૂરો મેળવવો હોય તો આ લાભ જ્યાં સુધી રાજકીય અનામત મળશે ત્યાં સુધી અસરકારક રીતે નહીં મળે. તેથી હવે તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWSના અમલની માંગ કરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ મુદ્દો ઉછળ્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વર્ષમાં ગમે ત્યારે યોજાય તેવી સંભાવના છે. આ વખતે જ 10 ટકા આર્થિક અનામતનો મુદ્દો ઉછળતા સરકાર સાણસામાં સપડાઈ છે. આ મુદ્દો હવે શિક્ષણ અને નોકરી પૂરતો જ મર્યાદિત ન રહેતા રાજકીય પ્રતિનિધિત્વ સુધી આગળ વધી ગયો છે. પાટીદાર અનામત આંદોલનની જો સૌથી મોટી સિદ્ધિ હોય તો તે સવર્ણોને નોકરી અને શિક્ષણમાં મળેલું આર્થિક અનામત છે, તેથી હવે આ જ અનામતને ચૂંટણીઓમાં અમલી બનાવવા માટે સવર્ણોએ તંત્ર સામે બાથ ભીડવાનું નકકી કરી લીધું છે.

રાજકીય પક્ષો પર દબાણ વધ્યું
તંત્ર જેમ ચૂંટણી પહેલાં જ બધા કામોના ઉદઘાટન કરીને કે પૂરાં કરીને વાહવાહી લૂંટે છે તે જ રીતે હવે આ સામાજિક આગેવાનો પણ ચૂંટણી સમયે જ સરકારનું નાક દબાવવી પેરવી કરવા લાગ્યા છે, જેથી સરકાર પાસે અપેક્ષા મુજબ કામ કરાવી શકાય. આર્થિક અનામતને લઈને ફક્ત ભાજપ જ નહીં બધા રાજકીય પક્ષો પર રાજકીય દબાણ વધ્યું છે. તેઓએ પણ આ મુદ્દે કંઇકને કંઇક પગલું ભરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આમ અનામતમાં પહેલી વખત સવર્ણો માટે આર્થિક અનામતનું શ્રેય 2015માં થયેલા પાટીદાર આંદોલનના શિરે જાય છે, તેની સફળતામાંથી જ બોધપાઠ લઈને હવે સવર્ણ સમુદાય આ જ અનામતને હવે રાજકીય સ્વરૂપમાં અમલી બનાવવા માંગે છે.

રાજકીય અનામત મળે તો જ આર્થિક અનામત જળવાશે
સવર્ણ સમુદાય સમજી ચૂક્યો છે કે જો શિક્ષણ અને નોકરીમાં મળેલા આર્થિક અનામતને જાળવી રાખવું હોય અને તેનો અસરકારક અમલ કરાવવો હોય તો ચૂંટણીમાં પણ અનામતનો અમલ કરવો જ પડશે. જો ગુજરાતની ચૂંટણી પૂર્વે સવર્ણ સામાજિક આગેવાનોને 10 ટકા આર્થિક અનામતના અમલીકરણમાં સફળતા મળી તો કદાચ આ જબરદસ્ત વાત હશે. કદાચ નવો જ રાજકીય પ્રયોગ પણ તેને કહી શકાય. આજે શિક્ષણ અને નોકરીમાં દસ ટકા અનામત આ ઉપરાંત 27 ટકા ઓબીસી અનામત રાજકારણનો સફળ પ્રયોગ બની ચૂક્યા છે. તેના જ પગલે આ મુદ્દે સવર્ણ આગેવાનો તંત્ર સામે ફ્રન્ટફૂટ પર રમીને તેને બેકફૂટ પર ધકેલવામાં સફળ રહ્યા તો આ પ્રયોગને રાષ્ટ્રીય સ્તરે પણ અમલમાં લાવતા કોઈ નહીં રોકી શકે.

આર્થિક અનામત નવું ચૂંટણીલક્ષી મોડેલ
ગુજરાતના સવર્ણ આગેવાનો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા અનામતની માંગ ચૂંટણીલક્ષી રાજકારણમાં સવર્ણો માટેનું નવું જ રાજકીય મોડેલ બની શકે છે. શિક્ષણ, નોકરી અને રાજકારણમાં 10 ટકા આર્થિક અનામત અને તેનો અસરકારક અમલ કરાવનારની તરફેણમાં મતદાન લોકલ બોડી ઇલેકશનમાં નવા જ રાજકીય આયામને વેગ આપી શકે છે. આગામી દિવસોમાં આ જ મોડેલની માંગ વિધાનસભાથી લઈને લોકસભા ચૂંટણી સુધી થાય તો આશ્ચર્ય ન થવું જોઈએ.

ગુજરાત હવે હિંદુત્વ પછી આર્થિક અનામતની લેબોરેટરી
ગુજરાત આમ પણ ભાજપ માટે હિંદુત્વની લેબોરેટરી રહ્યુ છે. હવે તેમા પાટીદાર આંદોલનના લીધે સવર્ણોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત મળી ચૂક્યું છે. હવે આ વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા આર્થિક અનામતના અમલ સુધી પહોંચી છે. તેથી આજે ગુજરાતમાં ઉઠેલો મુદ્દો આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે પહોંચે તો આશ્ચર્ય નહીં થાય.

આમ ઓબીસી અનામતની સાથે આર્થિક અનામતનો મુદ્દો પણ સરકાર માટે પેચીદો બની ગયો છે. ઓબીસી અનામતના રાજકીય અમલમાં હજી તો સુપ્રીમ કોર્ટની ફાંસ ઊભી છે, હવે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવર્ણોને 10 ટકા અનામતનો મુદ્દો ઉછળ્યો છે. આ સંજોગોમાં સરકારને ચૂંટણી પહેલા નવનેજા પાણી ઉતરે તેમ માનવામાં આવે છે. હજી હમણા જ આખી કેબિનેટની પુર્નરચના કરવામાં આવી છે અને પછી સંગઠનની પુર્નરચના કરાઈ છે. આ બધુ થાળે પડી રહ્યુ હતુ ત્યાં નવો પડકાર સામે આવ્યો છે. તેમા પણ સરકારે તે ધ્યાન રાખવાનું છે કે આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે. તેથી જો આ મુદ્દાનો ઉકેલ આ વર્ષે નહીં આવ્યો તે આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને પણ તે સીધી અસર કરી શકે.
