Surat News : સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત રાત્રે એક ગંભીર અને ચકચારી અકસ્માતની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા સો. મીડિયા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈ પોતાની કાર વડે બે બાઇકસવારોને અડફેટે લીધા હતા. આ અકસ્માત (Accident) માં બંને બાઇકસવારોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પૂરપાટ ઝડપે કાર ચલાવતા અકસ્માત(Accident)
પ્રાપ્ત માહિતી અનુસાર, મોટા વરાછા વિસ્તારમાં આવેલા ‘દુઃખિયાના દરબાર’ નજીક હિરેન પટેલ પોતાની કાર (નં. GJ-11-CQ-6007) લઈને અત્યંત ઝડપી ગતિએ પસાર થઈ રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કારની ઝડપ એટલી વધુ હતી કે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રસ્તા પર જઈ રહેલા બે બાઇકસવારોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક કારની નીચે ફસાઈને લાંબે સુધી ઢસડાઈ હતી.
અકસ્માત બાદ લોકો દોડી આવ્યા
અકસ્માત (Accident) થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા અને ઇજાગ્રસ્તોને બચાવવાનો પ્રયાસ કર્યો. બંને બાઇકસવારો ગંભીર રીતે ઘવાયેલા હોવાથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલતને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કારમાંથી મળી દારૂની બોટલ
લોકોએ કારચાલક હિરેન પટેલને કારમાંથી બહાર કાઢતા તે નશામાં ધૂત હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. આ દરમિયાન કારની તપાસ કરતાં અંદરથી દારૂની નાની બોટલ પણ મળી આવી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નશાની હાલતમાં વાહન ચલાવવાનું જાણવા મળતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.
રોષે ભરાયેલા લોકોએ મેથીપાક ચખાડ્યો
અકસ્માત અને દારૂ મળવાની ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોએ હિરેન પટેલને પકડી લીધો અને તેને મેથીપાક ચખાડ્યો હતો. “આવાને માર ન મરાય, મોનોકોટો પીવડાવી દેવાય” જેવા સૂત્રોચ્ચાર સાથે લોકોનો ગુસ્સો બહાર આવ્યો હતો. ઘટનાસ્થળે થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો હતો.
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ભીડમાંથી હિરેન પટેલને સુરક્ષિત રીતે બહાર કાઢી તેની અટકાયત કરી હતી. હાલ પોલીસ દ્વારા દારૂ પીવાની સ્થિતિમાં વાહન ચલાવવું અને ગંભીર અકસ્માત (Accident) સર્જવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ અકસ્માત (Accident) ના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ કરી રહી છે.
