Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોની હારમાળા યથાવત રહી છે. આજે વહેલી સવારે વાવ-થરાદ હાઈવે પર દિયોદર તાલુકાના લુદરા ગામ પાસે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. આઈસર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ટેન્કર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઓછી વિઝિબિલિટી બની અકસ્માતનું કારણ
સૂત્રોના જણાવ્યા મુજબ વહેલી સવારના સમયે જ્યારે ધુમ્મસભર્યું વાતાવરણ અથવા ઓછી વિઝિબિલિટી હોઈ શકે, ત્યારે લુદરા ગામના પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઈસર ટ્રક અને દૂધ ભરેલા ટેન્કર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક લાખાભાઈ રબારી વાહનનો ભુક્કો બોલી જવાના કારણે કારણે ગંભીર ઇજાઓના લીધે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
સ્થાનિકોની મદદ પણ બચાવી ન શકી
અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક દિયોદર પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દિયોદર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક લાખાભાઈ રબારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
શોકનું મોજું ફરી વળ્યું
મૃતક ટેન્કર ચાલક લાખાભાઈ રબારી રબારી સમાજના અને સ્થાનિક રહેવાસી હોવાથી તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનો અને સમાજમાં શોકની લાગણી ફરી વળી છે. એક સામાન્ય કામ અર્થે નીકળેલા ચાલકનું અકાળે અવસાન થતા સમાજમાં અને ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
માર્ગ સુરક્ષાને લઈ સર્જાયો સવાલ
આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર વધતી જતી વાહનોની ગતિ અને ટ્રાફિક નિયમોના પાલન સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. વહેલી સવારે ડ્રાઈવરોને આવતી ઝોલાની અસર અથવા ઓવરટેકિંગની લ્હાયમાં આવા જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. દિયોદર પોલીસે હાલ આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આઈસર ટ્રકના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં માતેલા સાંઢની જેમ આવેલી કારે દાદા-પૌત્રને ઉડાવ્યા
આ પણ વાંચો: ડીસા-પાલનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, ટેલર-ટ્રક પલટ્યા
આ પણ વાંચો: ડીસામાં રોંગ સાઈડ ટ્રકથી અકસ્માત, બે સ્કૂટી સહિત ત્રણને ગંભીર ઈજાગ્રસ્ત
