સુરેન્દ્રનગર (Surendranagar) જાણે ખનિજ માફિયાઓનું (Mining Mafia) ગઢ બની ગયું હોય તેવી સ્થિતિ છે…. ખનિજ માફિયાઓ સુરેન્દ્રનગરમાં રીતસરના બેફામ બન્યા છે. કોઈને પણ થાય કે રાજ્યમાં બીજા કોઈ શહેર નહીં ને સુરેન્દ્રનગરમાં જ કેમ ખનિજ માફિયાઓ બેફામ થયા છે…. સુરેન્દ્રનગરમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર સ્થાનિક પોલીસ તંત્ર (Local Police) ના ચારેય હાથ હોવાનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. આ સનસનીખેજ ખુલાસો બીજા કોઈએ નહીં પણ ખનિજ વિભાગના પ્રાંત અધિકારીએ જ કર્યો છે.
સુરેન્દ્રનગરના થાનગઢમાં (Thangadh) કાર્બોસેલ (Carbosel) ખનિજની બેફામ ચોરી થઈ રહી છે અને આવું જ મૂળી પંથકમાં પણ ચાલુ છે. ખનિજ ચોરીના આખા પ્રકરણમાં સ્થાનિક પોલીસ તંત્રની શંકાસ્પદ ભૂમિકાને લઈને વર્ષોથી આંગળી ચીંધાતી જ હતી, પરંતુ હવે તો તેના પર મંજૂરીની મહોર બીજા સરકારી અધિકારીએ જ મારી દેતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. આમ ખનિજ ચોરીમાં જે પોલીસની ભૂમિકા સામે આંગળી ચીંધાતી હતી હવે તો તેનો પૂરેપૂરો હાથ હોવાની વાત જાહેર થવાના પગલે વહીવટીતંત્ર હચમચી ઉઠ્યું છે. જો પોલીસ તંત્રની આ સ્તર સુધીની ખનિજ માફિયાઓ સાથે મિલીભગત હોય તો પછી ખનિજ ચોરી કાબૂમાં ક્યાંથી આવે. તેની સાથે સરકારી તિજોરીને પણ આ ભ્રષ્ટાચારના કારણે જંગી ફટકો પડે છે.

પ્રાંત અધિકારીએ ખનિજ માફિયાઓ પર દરોડો (Raid) પાડ્યો હતો, તેના પગલે તેમને માહિતી મળી હતી કે સ્થાનિક પોલીસ જ ખનિજ માફિયાઓની ટ્રકો પસાર કરાવતી હતી. પ્રાંત અધિકારીએ ખનિજ માફિયાઓના મોબાઇલ જપ્ત કર્યા હતા અને તેમા સુરેન્દ્રનગર અને લીમડીના ડીવાયએસપીના નંબર મળી આવ્યા હતા.
હવે જે પ્રાંત અધિકારીએ (Regional Officer) આ વાત કરી તે અધિકારી હરેશ મકવાણા (Haresh Makvana) ખનિજ માફિયાઓનું ચેકિંગ કરતા હતા તેમની કારનો લાંબા સમયથી એક થાર પીછો કરતી હોવાનું તેમણે જોયું હતું. તેમણે જોયું કે આ કાર તેમની રેકી કરતી હતી. તેઓ જ્યાં પણ જતા હતા ત્યાં કાર તેમની પાછળ જતી હતી. આના પગલે તેમણે તેમની પીછો કરનાર કારનો ટ્રેક રાખવાનો પ્રારંભ કર્યો. સળંગ બે મહિના સુધી કાર પર વોચ રાખ્યા પછી કારને ચોટીલા ખાતે જપ્ત કરવામાં આવી. કારમાં બેઠેલા બે ખનિજ માફિયાની અટકાયત કરવામાં આવી.
આ માફિયાઓની અટકાયત કરવામાં આવતા તેમની પાસેના મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા. તેમા મોટા કાંડનો ખુલાસો થયો. પ્રાંત અધિકારીએ પકડેલા ખનીજ માફિયા પાસેથી જપ્ત કરવામાં આવેલા મોબાઇલમાં સુરેન્દ્રનગર અને લીમડીના ડીવાયએસપીના નંબર નીકળી આવતા તે ચોંકી ગયા હતા. આ સિવાય તેમની વચ્ચે થયેલી વાતચીતનો રેકોર્ડ પણ આ માફિયા પાસે હતો. આ વાતચીત લેતીદેતીની હતી.

હવે પ્રાંત અધિકારી પાસે ડીવાયએસપીની ખનિજ માફિયા પાસે આ પ્રકારની વાતચીતનો રેકોર્ડ આવે તો પોલીસ વિભાગમાં તોફાન મચી જાય તે સ્વાભાવિક છે. આના પગલે સુરેન્દ્રનગરનો પોલીસ વિભાગ એકદમ હરકતમાં આવી ગયો છે. આખા વિવાદ પર ઢાંકપિછોડો કરવા માટે તપાસનો કાર્યક્રમ ચાલુ કરી દેવાયો છે.
પ્રાંત અધિકારીએ પકડેલા ફોનમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ જોડે રહીને ટ્રકો પસાર કરાવતો હોવાની માહિતી મળી છે. આના પગલે સુરેન્દ્રનગરમાં ખનિજ ચોરી બેરોકટોક ચાલે છે. માફિયા પાસેથી જપ્ત કરેલા મોબાઇલમાં સ્પષ્ટ લખ્યું છે કે લીમડી ડીવાયએસપી અને સુરેન્દ્રનગર ડીવાયએસપી.

આ બનાવના પગલે લીમડીના ડીવાયએસપીએ સ્પષ્ટતા કરી છે કે ખનિજ માફિયાએ જે નંબર સેવ કર્યો છે તે મારો નથી. આગામી દિવસોમાં સુરેન્દ્રનગરમાં આ મામલો વધારે ગરમી પકડી શકે છે. એકરીતે કહીએ તો આ મુદ્દાને લઈને ખનિજ વિભાગ અને સુરેન્દ્રનગર પોલીસ વિભાગ સામસામે આવી જઈ શકે છે. ખનિજ વિભાગના પ્રાંત અધિકારીએ પોલીસનો ભ્રષ્ટાચાર પકડ્યો છે તો પોલીસ આગામી દિવસોમાં વળતો ઘા કરીને ખનિજ વિભાગનો ભ્રષ્ટાચાર પકડીને વળતો પ્રહાર કરી શકે છે.
કોઈપણ સરકારી વિભાગ સદંતર ભ્રષ્ટાચારવિહીન હોય તેવું તો બને જ નહી. તેથી આગામી દિવસોમાં આ મુદ્દાને લઈને સરકારના બંને વિભાગો સામ-સામે એકબીજાના કૌભાંડનો પર્દાફાશ કરીને સ્કોર સેટલ કરી શકે છે.

ખનિજ વિભાગના જ પ્રાંત અધિકારીએ ઘટસ્ફોટ કરતાં હાલમાં તો પોલીસ વિભાગ બેકફૂટ પર છે. જ્યારે ખનિજ વિભાગની કચેરી ગેલમાં છે, કારણ કે ખનિજ ચોરીના મુદ્દે ખનિજ વિભાગ પર ખાસ્સા માછલા ધોવાયા છે અને તેના પર ખનિજ માફિયાઓ સાથે મિલીભગતના આરોપ મૂકવામાં આવ્યા છે. હવે ખનિજ માફિયાઓ સાથે પોલીસની મિલીભગત બહાર આવતા ખનિજ વિભાગને હાશ થઈ છે. હવે આ મુદ્દે આગામી દિવસોમાં પોલીસ વિભાગ આખા પ્રકરણ પર ઢાંકપિછોડો કરવામાં કયા પ્રકારની વ્યૂહરચના અપનાવે છે અને ખનિજ વિભાગ સાથે આખા મુદ્દાની કઈ રીતે પતાવટ કરે છે તે જોવાનું રહેશે. આ માટે શું તે ખનિજ વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે કે પછી ખનિજ ચોરીની કાળી કમાણીમાંથી તેમનો પણ ભાગ પડશે તે જોવાનું છે.
આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર
આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ
આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’
