કેન્દ્ર સરકારે વક્ફ બિલ (Waqf bill) રજૂ કર્યુ હતું તેને લઈને સંસદમાં (Parliament) ભારે ચર્ચા ચાલી હતી. લોકસભામાં વક્ફ (સંશોધન) ખરડો રજૂ કરી દેવામાં આવ્યો છે….કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજ્જુએ (Kiren Rijju) રજૂ કર્યો છે…. તેમણે આ બિલને મુસ્લિમ સમાજ (Muslim Community) માટે મહત્વનું ગણાવ્યું છે….અગાઉ ત્રિપલ તલાક વખતે થયો હતો તેવો જ વિરોધ આ બિલને લઈને થઈ રહ્યો છે…. આ બિલ લોકસભામાં 288-232થી અને રાજ્યસભામાં 128-95થી પસાર થઈ ગયું છે અને હવે તે કાયદો બનશે.
કેટલાયને ખબર નથી કે વક્ફ એટલું શું, તેથી પહેલાં તો તે જાણીએ…. વક્ફ ઇસ્લામિક કાયદા હેઠળ એક એવું દાન છે જેમા કોઈ સંપત્તિને ધાર્મિક અથવા સામાજિક કલ્યાણ માટે સ્થાયી રૂપે સોંપવામાં આવે છે…. સંપત્તિ સામાન્ય રીતે જમીન, ઇમારત અથવા અન્ય પ્રકારની સંપત્તિઓ હોય છે, જેની માલિકી બદલી શકાતી નથી…. તેનું સંચાલન કરવા માટે ‘મુતવલ્લી’ કે ટ્રસ્ટી નીમવામાં આવે છે, જે આ સંપત્તિમાંથી થતી આવકનો નિર્ધારિત હેતુઓ માટે ઉપયોગ કરે છે…. વક્ફ સંપત્તિઓનો ઉપયોગ મસ્જિદ, સ્કૂલ, હોસ્પિટલ, કબ્રસ્તાન અને પીવાના પાણી જેવી જાહેર સેવાઓ માટે કરવામાં આવે છે….
ભારતમાં વક્ફ સંપત્તિઓનું સંચાલન વક્ફ બોર્ડ દ્વારા કરવામાં આવે છે, જે વૈધાનિક એકમ છે. ભારતમાં લગભગ 8.7 લાખ વક્ફ સંપત્તિઓ છે…. વક્ફની આ સંપત્તિઓ 9.4 લાખ એકર જમીન પર ફેલાયેલી છે, જેના હેઠળ તે દેશમાં ત્રીજા નંબરના સૌથી મોટું જમીન માલિક બને છે…. આશ્ચર્યની વાત તો એ છે કે આટલી બધી સંપત્તિ હોવા છતાં તેને વર્ષે માંડ 100 કરોડ રૂપિયાની આવક થાય છે, જ્યારે વાસ્તવમાં તો આટલી સંપત્તિ હોય તો વર્ષે હજારો કરોડ રૂપિયાની આવક હોવી જોઈએ….
વક્ફ (સંશોધન) ખરડો, 2024ના મહત્વના ફેરફાર
આ ખરડામાં વક્ફ સંપત્તિઓના સારા મેનેજમેન્ટ અને પારદર્શકતા માટે કેટલાય સંશોધનો પ્રસ્તાવિત કરાયા છે….
નામમાં ફેરફાર
વક્ફ અધિનિયમ 1995નું નામ બદલીને ઉમ્મીદ (UMMEED)એટલે કે યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એક્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 1995 કરવાનો પ્રસ્તાવ…
મહિલાને પ્રતિનિધિત્વ
વક્ફ બોર્ડમાં મુસ્લિમ મહિલાઓને સામેલ કરવાનો પ્રસ્તાવ…
સરકારી સંપત્તિઓ પર નિયંત્રણ
જો કોઈ સંપત્તિ સરકારની જાહેર થાય છે તો તેને વક્ફની સંપત્તિ નહીં માનવામાં આવે…. પહેલા વક્ફ ગમે તે સંપત્તિને તેની જાહેર કરે પછી તે તેની થઈ જતી હતી…. પછી તે સરકારી પણ કેમ ન હોય. આ ઉપરાંત તે ગમે તે પ્રોપર્ટીને તેની પ્રોપર્ટી હોવાનો દાવો કરે તો તેની થઈ જતી હતી, નવા કાયદા મુજબ તેવું નહીં હોય. આમ કલમ 40 નાબૂદ કરાઈ છે…
વક્ફ બોર્ડની તપાસ કરવાની સત્તા પર કાપ
હવે વક્ફ બોર્ડ પાસે તે નક્કી કરવાનો અધિકાર નહીં હોય કે કોઈ સંપત્તિ વક્ફ હશે કે નહીં….
નોંધણીની પ્રક્રિયામાં સુધારો
સંપત્તિઓની નોંધણીની પ્રક્રિયા વધારે સરળ અને પારદર્શક બનાવવામાં આવશે….
દેખરેખ અને ઓડિટ
કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની નાણાકીય લેવડદેવડ અને કામકાજની દેખરેખ રાખી શકશે…રાજ્ય પ્રાદેશિક વક્ફ બોર્ડ પર દેખરેખ રાખી શકશે….
ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે વક્ફ બિલ કંઇ એમને એમ લાવ્યા નથી… તેની સામે કુલ 97 લાખ અરજીઓ આવી છે, તેના પગલે અમે આ દિશામાં આગળ વધ્યા છીએ…. ગરીબ મુસ્લિમો અને મહિલાઓ આ બિલના સમર્થનમાં છે…. અગાઉ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાઈ, ત્રિપલ તલાક દૂર કરાયા ત્યારે પણ આવો જ વિરોધ થયો હતો…. આજે કાશ્મીર દેશની મુખ્યધારા સાથે જોડાયું છે અને ત્રિપલ તલાક દૂર કરાતા મુસ્લિમ મહિલાઓ આઝાદીનો શ્વાસ લેતી થઈ છે…. આ જ રીતે વક્ફના કાયદામાં સુધારાથી ગરીબ મુસ્લિમોને જ ફાયદો થશે….
વિપક્ષનો વિરોધ
વિપક્ષ આ બિલના વિરોધમાં છે….કોંગ્રેસ, એનસીપી, આપ અને અન્ય વિપક્ષોએ આ બિલને ગેરબંધારણીય અને વિભાજનકારી ગણાવ્યું છે… તેમનો આરોપ છે કે સરકારે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની ભલામણોને અવગણી છે….
કોંગ્રેસના આગેવાન ખલીકુર રહેમાનનું કહેવું છે કે આ બિલ વક્ફ બોર્ડની સ્વાયત્તતા પર તરાપ છે અને જિલ્લા મેજિસ્ટ્રેટને વધારે સત્તા આપે છે…. જ્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે આ બિલ સરકાર પોતાની નિષ્ફળતાઓ છૂપાવવા લાવી છે…. તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનરજીએ જણાવ્યું હતું કે સરકાર એક સમાજને લક્ષ્યાંક બનાવીને તેને હાંસિયે ધકેલી રહી છે, વક્ફ બિલ આ જ દિશામાં વધુ એક પગલું છે…. આમ આદમી પાર્ટીએ પણ જણાવ્યું હતું કે સરકાર પહેલેથી જ લઘુમતી વિરોધી રહી છે…. તેણે દાયકાના શાસનમાં દરેક પગલાં લઘુમતીના વિરોધમાં લીધા છે….હવે આ જ મોરચે આગેકૂચ જારી રાખતા તે વક્ફ બિલ લાવી છે….લાલુપ્રસાદની આરજેડીએ જણાવ્યું હતું કે સરકાર તેના દરેક મુસ્લિમ વિરોધી પગલાં દ્વારા હિંદુત્વની છબી મજબૂત કરવા માંગે છે…. આ રીતે તે તેની હિંદુ વોટબેન્ક અકબંધ રાખવા માંગતી હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે….
વક્ફનો ઇતિહાસ
વક્ફનો ઇતિહાસ 1913થી શરૂ થાય છે… વક્ફને 1913 પછી કાયદાકીય સ્વરૂપમાં લવાયું અને 1923માં મુસ્લિમ વક્ફ એક્ટ રજૂ કરાયો હતો…. આ કાયદો હિસાબ અને પારદર્શિતા પર ભાર મૂકી પસાર કરાયો હતો…. તેના પછી 1930માં મુસ્લિમ વક્ફ માન્યતા કાયદો ઘડવામાં આવ્યો, જેણે કૌટુંબિક વક્ફની કાનૂની માન્યતાને મજબૂત બનાવી હતી… આ બિલ કુટુંબ રહેલા વક્ફ પર ભાર મૂકતા લાવવામાં આવ્યું છે….
તેના પછી સ્વતંત્રતા પછી 1954માં પહેલી વખત વક્ફ કાયદો ઘડવામાં આવ્યો… તે સમયે 1954ના કાયદામાં રાજ્ય વક્ફ બોર્ડ માટેની પણ જોગવાઈ કરાઈ હતી…. 1995માં આ કાયદો વ્યાપકપાયે ઘડવામાં આવ્યો હતો અને ત્યારથી તેમા અનેક સુધારા કરાયા હતા…. ટ્રિબ્યુનલની સૌપ્રથમ વ્યવસ્થા 1995માં કરાઈ હતી, જેથી કોઈને વક્ફ બોર્ડનો કોઈ નિર્ણય પસંદ ન આવે અથવા પડકારવા માંગે તો ટ્રિબ્યુનલમાં જઈ શકે છે…. તે સમયે નક્કી કરાયું હતું કે જો મિલકતમાંથી આવક કોઈ સમયે પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો સરકાર તેના માટે એક્ઝિક્યુટિવ અધિકારીઓની નિમણૂક કરશે….આ જોગવાઈ 1995માં પણ આવી હતી….
યુપીએ સરકારે 2013માં વક્ફ કાયદામાં સુધારો કર્યો….કાયદામાં એવી જોગવાઈ હતી કે ફક્ત મુસ્લિમો જ નહી, પરંતુ હિંદુઓ, જૈનો, બૌદ્ધો, ખ્રિસ્તીઓ, પારસીઓ એટલે કે કોઈપણ ધર્મ કે જાતિના લોકો તેમની મિલકત વક્ફ કરી શકે છે…. દરેક જણ જાણે છે કે મુસ્લિમ પોતાની મિલકત અલ્લાહના નામે દાન કરી શકે છે…. પણ 2013માં કરાયેલા ફેરફાર મુજબ કોઈપણ વ્યક્તિ પોતાની મિલકત વકફ બોર્ડને દાન કરી શકે છે….તેની સાથે વક્ફ કાયદો દેશના કાયદાથી પર હોવાની જોગવાઈ પણ તેમા કરવામાં આવી હતી, જેને નવા નિયમમાં રદ કરાઈ છે….
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત
આ પણ વાંચો: સોલર પમ્પની નવી ટેકનોલોજીને લઈને તંત્રની ઉદાસીનતાથી ખેડૂતોને ફટકો
આ પણ વાંચો: કુબેરભંડારી મંદિરનો વિવાદ-ટ્રસ્ટીઓ બાખડ્યા, શ્રદ્ધાળુઓને હેરાનગતિ
