MANTAVYA Vishesh/ ગુજરાતમાં છ મહિનામાં 60થી વધુ હીરાઘસુઓની આત્મહત્યા

હીરા વિશે કહેવાય છે, ડાયમંડ ફોરેવર. આ સાચુ પણ છે. પણ હકીકત એવી છે કે હીરો તો સદા રહેવાનો છે, પરંતુ રત્ન કલાકારો વિશે આવું ન કહેવાય. તે આજે છે અને આવતીકાલે ન પણ હોય.

Mantavya Vishesh

હીરા વિશે કહેવાય છે, ડાયમંડ ફોરેવર. આ સાચુ પણ છે. પણ હકીકત એવી છે કે હીરો તો સદા રહેવાનો છે, પરંતુ રત્ન કલાકારો વિશે આવું ન કહેવાય. તે આજે છે અને આવતીકાલે ન પણ હોય. હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી જબરદસ્ત મંદી આ જ વાતનો પુરાવો છે કે આજે જોવા મળતો હીરાઘસુઓ ઘણી વખત બીજા દિવસે દેખાતો નથી, કારણ કે તેણે મંદીથી ત્રાસી જઈને આત્મહત્યા કરી લીધી હોય છે….

હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના લીધે છેલ્લા છ મહિનામાં જ 60 હીરાઘસુઓ આત્મહત્યા કરી લીધી છે. આ બતાવે છે કે હીરા ઉદ્યોગમાં કેટલી ખરાબ સ્થિતિ છે. એક પછી એક બંધ થતી ફેક્ટરીઓ હીરા ઉદ્યોગની સ્થિતિ ઉત્તરોતર ખરા કરી રહી છે. હીરા ઉદ્યોગ આખા ભારતમાં 13 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે અને તેમાથી એકલા સુરતમાં જ આઠ લાખ લોકોને રોજગારી આપે છે….

ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયનનું કહેવું છે કે વૈશ્વિક અને સ્થાનિક પડકારોના કારણે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન હીરા ઉદ્યોગ આયાત અને નિકાસ બંનેમાં ઘટાડો થયો છે. તેની ચમક ફીકી પડી છે. તેના સૌથી મહત્વના પરિબળોમાં જોઈએ તો રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલતું યુદ્ધ છે. આ યુદ્ધે રીતસર હીરા ઉદ્યોગની કમર ભાંગી નાખી છે. આટલું ઓછું હોય તેમ ઇઝરાયેલ-હમાસ વચ્ચે ગાઝાપટ્ટીમાં દોઢ વર્ષથી ચાલતા યુદ્ધે ઉદ્યોગને જનોઈવઢ ઘા માર્યો છે. ઉદ્યોગ માટે અસ્તિત્વ ટકાવવું ચિંતાનો વિષય બન્યો છે….

તેની સાથે હાલમાં ચાલતી વૈશ્વિક મંદીના કારણે લોકો પોતાનો બજેટ કંટ્રોલ વધારી રહ્યા છે. તેના કારણે  હીરા સહિતની કેટલીય લક્ઝરી ચીજવસ્તુઓ પાછળના ખર્ચમાં ઘટાડો થયો છે. આમ ગ્રાહકોના નબળા આત્મવિશ્વાસ અને વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચના બદલાયેલા ટ્રેન્ડે હીરા ઉદ્યોગને મોટો ફટકો માર્યો છે. ગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હીરાઘસુઓ છેલ્લા ત્રણ વર્ષથી બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. તેમના માટે કોઈ વૈકલ્પિક રોજગાર પણ નથી. આ સિવાય રોજગાર હતો ત્યારે પણ તેમની કમાણી કંઈ એટલી ન હતી કે તેમાથી તે પોતાનું આગવું કંઇક ઊભું કરી શકે….

તેમનું કહેવું છે કે હીરા ઉદ્યોગમાં કામ કરનારાઓના પગારમાં છેલ્લા બેથી ત્રણ વર્ષ દરમિયાન 20થી 30 ટકા ઘટાડો થયો છે. જ્યારે મોટાભાગના અગ્રણી ડાયમંડ્સ યુનિટ અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ જ ચાલી રહ્યા છે. મંદીનો આનાથી મોટો વધારે પુરાવો કયો જોઈએ….

આશ્ચર્યની વાત એ છે કે ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત (DWUG)ને જુલાઈમાં આત્મહત્યા નિવારણ એકમ તરીકે લોન્ચ કરવામાં આવ્યા પછી 1,600થી વધુ કોલ આવી ચૂક્યા છે. એટલે કે દિવસમાં 50થી વધુ કોલ આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ આમાના 75 ટકા કોલ તેવા કામદારોના હતા જેમણે નોકરી ગુમાવી દીધી હતી, આ બાબત હીરા ઉદ્યોગના કામદારોમાં હતાશાની કેવી સ્થિતિ પ્રવર્તી રહી છે તેનું પ્રતિબિંબ પૂરું પાડે છે, એમ ટાંકે જણાવ્યું હતું….

આ વાતને સમર્થન આપતા ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયનના પ્રેસિડેન્ટ રમેશ જિલરિયાનું કહેવું છે કે મોટાભાગના રત્ન કલાકારો ગ્રામીણ  વિસ્તારોમાંથી આવે છે. કેટલાય કલાકારો જે શહેરોમાં રહીને કામ કરવા દરમિયાન તેમની દૈનિક જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી તે ગામડે પાછાં જતાં રહે છે. હવે તેઓ સારા ભવિષ્યની આશાએ શહેરોમાં આવ્યા હોય છે, પરંતુ તે આશા ફળીભૂત થતાં નિરાશ થઈ જાય છે. પણ કેટલાય લોકો આ નિરાશામાં ઘરે પરત ફરવાના લીધે જીવનનો અંત આણી દે છે….

આ કામદારો શહેરોમાં વસવા દરમિયાન એક દેવુ ચૂકવવા બીજું દેવુ કરે છે. આમ તે દેવાના ચક્રવ્યૂહમાં સપડાતા જ જાય છે. તેઓ પર્સનલ લોન લે છે, ઘણી વખત શાહુકારો પાસેથી ઊંચા દરે ધિરાણ લે છે, જેથી સ્કૂલની ફી અને કુટુંબના ખર્ચાને પહોંચી વળી શકાય. બેન્કો તેમને અનસિક્યોર્ડ લોન તો આપે છે, પણ બદલામાં તોતિંગ વ્યાજ પણ વસૂલે છે. તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહેલા આ રત્ન કલાકારો માટે કોઈ પેકેજ આપવામાં આવે….

ટાંકે જણાવ્યું હતું કે રત્ન કલાકારોની આત્મહત્યાના મોટાભાગના કેસ સરકાર અને ઉદ્યોગના ધ્યાન પર આવતા નથી. આ આત્મહત્યાના કારણે તેમના કુટુંબો નિસહાય સ્થિતિમાં છૂટી જાય છે અને તેમને તાત્કાલિક મદદની જરૂર છે. તેથી સરકાર જો આ દિશામાં કંઇક કરે તો તેમના માટે ઘણી રાહત થશે…

ઉદ્યોગે જણાવ્યું છે કે સરકારે આ માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવું જોઈએ અને તેમા તેને આવરી લેવા જોઈએ. કદાચ ભવિષ્યમાં આ પ્રકારનું બોર્ડ બીજા સેક્ટરના પણ આ પ્રકારના કારીગરો માટેના કલ્યાણની જોગવાઈનો માર્ગ મોકળો બનાવી શકે છે. આ બોર્ડ રાજ્યમાં રત્ન કલાકારોના કલ્યાણ અને સામાજિક સુરક્ષાની જોગવાઈઓ સુનિશ્ચિત કરે. આ બોર્ડનું યોગ્ય રીતે સંચાલન થાય તો કારીગરોનું ભવિષ્ય સુધરે અને તેમના જીવનમાં હીરા જેવી તો નહી પણ થોડી ઘણી ચમક તો આવે….

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ નૈમેષ પચચિગરે જણાવ્યું હતું કે ફક્ત રત્ન કલાકારો જ નહીં હીરા ઉદ્યોગના માલિકોની સ્થિતિ પણ ખરાબ છે. હીરા ઉદ્યોગ 2023થી 2024 દરમિયાન 5.1થી સાત ટકાના દરે વૃદ્ધિ પામવાની આશા હતી, પરંતુ વાસ્તવિકતા વિપરીત છે. આ સેક્ટરની માંગનું મુખ્ય ચાલકબળ અમેરિકા પોતે જ અત્યંત ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે. ઉદ્યોગમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર અને દિવાળીમાં તેજી જોવાતી હોય છે, પરંતુ આ વખતનું વર્ષ તો તેમા પણ અપવાદ રહ્યું હતું. આટલું ઓછું હોય તેમ યુરોપમાં ચાલતી મંદીએ પણ તેને વધુ મોટો ફટકો માર્યો. તેથી હવે મંદી ઓસરે પછી જ આ સેક્ટરની સ્થિતિમાં સુધારો થાય….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?

આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો

આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત