IAS Pankaj Joshi: કોઈ વહીવટી અધિકારી સત્તા પર બેસીને ટોચના સ્તરેથી કેવું પરિવર્તન લાવે અને વહીવટને કેવો પ્રજાભિમુખ બનાવે તેનું ઉદાહરણ જોવું હોય તો IAS અધિકારી પંકજ જોશી (IAS Pankaj Joshi)ને જ જોઈ લો. ઉત્તરાખંડના જન્મેલા આ અધિકારીએ ફક્ત 24 વર્ષની વયે યુપીએસસી પાસ કરીને પોતાની કાબેલિયત પુરવાર કરી દીધી હતી. આઇઆઇટી દિલ્હીમાં સિવિલ એન્જિનિયરિંગ સાથે બીટેક અને એમટેક તથા આઇઆઇટી દિલ્હીમાં એમફિલ પાસ કરીને તેમનું પ્રોફેશનલ ક્વોલિફિકેશન પુરવાર કર્યુ હતુ.

IAS Pankaj Joshi:જ્ઞાનનો ઉપયોગ સમાજની સ્થિતિ સુધારવા સનદી અધિકારી બન્યા
તેમણે ધાર્યુ હોત તો શાંતિથી પ્રોફેસરની નોકરી કરી હોત અને જીવન પસાર કરી દીધુ હોત, પરંતુ તેમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજની સ્થિતિમાં સુધારો લાવવા કરવાનો નિર્ણય લીધો અને તેના કારણે તેમણે IAS Pankaj Joshi અધિકારી તરીકેની કારકિર્દી પસંદ કરી. 1965માં નૈનિતાલમાં જન્મેલા આ અધિકારી 35 વર્ષનો વિશાળ વહીવટી અનુભવ ધરાવે છે. ગુજરાત કેડરમાં મૂકવામાં આવ્યા બાદ તેમણે જુદાં-જુદાં હોદ્દા પર વહીવટ કરીને તેમની કાબેલિયત પુરવાર કરી છે.

પ્રજાની આકાંક્ષા અને સરકારની કામગીરી વચ્ચે સમન્વય સાધ્યો
ગુજરાત સરકારમાં ચીફ સેક્રેટરી જેવો હોદ્દો સંભાળનારા અધિકારીની દક્ષતા અંગે કોઈ સવાલ ન હોઈ શકે. તેમણે સંચાલનથી લઈને સરકારની નીતિ ઘડતરની પ્રક્રિયા, વિભાગીય સંકલન અને વહીવટી સુધારાની કામગીરી અત્યંત અસરકારક રીતે સંભાળી છે. રાજ્ય સરકારનું તંત્ર સુચારુ રીતે ચાલે તેનો બધો ભાર તેમના શિરે હતો. ગુજરાત સરકારે લીધેલા વહીવટી નિર્ણયોમાં તેમની ભૂમિકા હંમેશા મહત્વની રહી છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત સરકારે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે.

આદિવાસીઓ માટે જ્વલંત કામગીરી
તેમની કાર્યક્ષમતા જોઈને કેન્દ્ર સરકારે તેમને આદિવાસી મંત્રાલયમાં ડિરેક્ટરની સમકક્ષ પ્રાઇવેટ સેક્રેટરીનો હોદ્દો સોંપ્યો હતો, તેના પછી કેન્દ્રમાં શહેરી વિકાસ મંત્રાલયમાં શહેરી ગરીબી નિવારણની અને હાઉસિંગ વિભાગમાં ડિરેક્ટરની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે સામાજિક ન્યાય વિભાગમાં તે જોઇન્ટ સેક્રેટરીની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. આના પરથી તેમની વહીવટી દક્ષતાની ખબર પડે છે.

દરેક હોદ્દા પર કામગીરીની આગવી છાપ છોડી
ગુજરાત સરકારમાં તેમણે પંચમહાલ જેવા પછાત જિલ્લામાં DDO તરીકે કામગીરીનો પ્રારંભ કર્યો હતો. તેના પછી તેઓએ જૂનાગઢ અને સુરતમાં ડિસ્ટ્રીક્ટ કલેક્ટરની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તે સુરત, રાજકોટ અને જામનગરમાં મ્યુનિસિપલ કમિશ્નરની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. આ દરેક ભૂમિકા ભજવવાની સાથે-સાથે વહીવટી માળખા સાથે જુદી જ રીતે અને પોતાની આગવી રીતે કામ કરવાની આવડતના કારણે તે તંત્ર અને લોકો વચ્ચે સામંજસ્ય બેસાડવામાં સફળ રહ્યા હતા. તેમણે તંત્ર અને પ્રજાની અપેક્ષા વચ્ચે સંકલન સાધવામાં ખાસ્સી મહેનત ઉઠાવી છે.

સરકારી તંત્ર પ્રજાની આકાંક્ષાઓનો અને તેના બદલાતા મિજાજનો પડઘો પાડતું થાય તેના માટે તેમણે ખાસ્સુ કામ કર્યુ હતુ. તેમના સ્પષ્ટવક્તા સ્વભાવના કારણે તેઓ જ્યાં પણ ગયા ત્યાં લોકોને ખૂબ જ પસંદ પડ્યા હતા. તંત્રની નીતિઓને તળિયાના સ્તર સુધી સફળ રીતે અમલ કરાવવામાં તેમનો અભિગમ રાજ્ય સરકારને પણ પસંદ આવ્યો હતો.

પ્રજાની તકલીફોને સરકારી માળખામાં રહીને ઉકેલવાની આગવી સૂઝ
સંવાદ સાધીને સમસ્યાઓનો ઉકેલ શોધવો તેમની આગવી લાક્ષણિકતા છે. તેઓ કોઈપણ પ્રકારની હોહા વગર પોતાનું કામ શાંતિથી કરવામાં માને છે. પ્રજાની પીડા અને તકલીફોને સરકારી તંત્રના માળખામાં રહીને કેવી રીતે ઉકેલવી તે વાત તે સુપેરે જાણે છે. સામાન્ય પ્રજા પ્રત્યે તેમના વ્યવહારુ અભિગમના કારણે તે જ્યાં પણ ગયા ત્યાં લોકો તેમને આજે પણ યાદ કરે છે.

સરકારી હોદ્દાનો ક્યારેય ગેરલાભ ન લીધો
આટલા મોટા હોદ્દા પર હોવા છતાં તેમણે ક્યારેય તેનો ગેરલાભ ઉઠાવ્યો નથી. સરકારી નીતિઓ હંમેશા કેવી રીતે પ્રજાલક્ષી રહી તે જોતાં રહેવું તે જ તેમનું ધ્યેય રહ્યું છે. સરકારની દરેક નીતિઓનો લાભ નાનામાં નાના માણસ સુધી પહોંચે તેને તેમણે હંમેશા ટોચની અગ્રતા આપી છે. તેમની આ ક્ષમતાના લીધે જ તેમને ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા હતા. તેમણે ચીફ સેક્રેટરી તરીકે સચિવાલયની વહીવટી પ્રક્રિયાને વધુને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે મહત્વના પગલાં લીધા છે. તેના કારણે ગાંધીનગરના સચિવાલયના કર્મચારીઓની કામગીરીની પદ્ધતિમાં પણ ધરમૂળથી ફેરફાર થયો છે. સરકારે નક્કી કરેલો વિકાસનો મહામંત્ર તળિયાના સ્તર સુધી પહોંચાડવામાં તેમણે આપેલું પ્રદાન ભૂલી શકાય તેમ નથી.
આ પણ વાંચો:વન સ્કૂલ, વન ગ્રાઉન્ડ: IAS ગાર્ગી જૈનની નવી પહેલ
આ પણ વાંચો:તેલંગણાના વતની, પણ ગુજરાતને બીજું ઘર બનાવતા IAS Officer શ્રીનિવાસ કટિકિથાલા
આ પણ વાંચો:IAS અધિકારી રાજકુમારઃ બ્યૂરોક્રેસીમાં હોવા છતાં બ્યૂરોક્રેસી જેમને સ્પર્શી નથી
