Ahmedabad News : અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે રાત્રે NSGની મોક ડ્રીલ (Mock Drill) દરમિયાન એક કારચાલકે પોલીસકર્મીને ટક્કર મારી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસની ટીમે પીછો કરીને આરોપીને ઝડપી લીધો હતો.
NSGની મોક ડ્રીલ (Mock Drill) ચાલી રહી હતી
મળતી માહિતી મુજબ, થલતેજ ચાર રસ્તા પર આવેલા મેટ્રો સ્ટેશન ખાતે રાત્રે આશરે 11:10 વાગ્યે NSGની મોક ડ્રીલ (Mock Drill) ચાલી રહી હતી. ડ્રીલને પગલે મેટ્રોની નીચેથી પસાર થતાં વાહનોને સ્થાનિક પોલીસ દ્વારા રોકી તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એક કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે પોલીસ ટીમ તરફ જ કાર દોડાવી દીધી હતી.
આ ઘટનામાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અનઆર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સરદાર સિંહ ઘાયલ થયા હતા. તેમને હાથ અને પગમાં ફ્રેક્ચર સહિત શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને એસજી હાઈવે પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ઘટના બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસ ટીમે તરત જ તેની કારનો પીછો કર્યો અને આશરે બે થી ત્રણ કિલોમીટર દૂર તેને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીનું નામ યશ સોની (ઉંમર આશરે 30 વર્ષ) હોવાનું સામે આવ્યું છે.
બોડકદેવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ચૌધરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, એડવાન્સ ટીમ દ્વારા ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ચાલકે ગાડી ટીમ પર ચડાવવાનો પ્રયાસ કરી ફરાર થયો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે બ્રેકની જગ્યાએ ભૂલથી એક્સિલેટર દબાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે આરોપી સામે વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
