ખેડૂતોની વરવી દશા અટકવાનું નામ લે તેમ લાગતું નથી. એકબાજુ કમોસમી વરસાદે તેમની કમર તોડી નાખી છે. બીજી બાજુ સરકારનું રાહત પેકેજ અપૂરતું છે. આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં જણસ વેચવા જાવ તો ત્યાં કડદો થાય છે. આ પહેલા ચોમાસાની સીઝનમાં પણ ખેડૂતને અતિવૃષ્ટિ નડી હતી. આ બધુ ઓછું પડતું હોય તેમ કચ્છમાં હવે ખેડૂતોને અદાણી જૂથનો વિરોધ કરવો પડી રહ્યો છે. અદાણી જૂથની વીજ કંપનીની 765 કિલોવોટની ટ્રાન્સમિશન લાઇન કચ્છના ભચાઉના કેટલાક ગામમાંથી પસાર થઈ રહી છે. આ ગામના ખેડૂતો તેમને આ અંગે આપવામાં આવતું વળતર અત્યંત ઓછું હોવાને લઈને વિરોધમાં ઉતર્યા છે.
ખેડૂતોનો દાવો છે કે તેમને જમીનના બજારમૂલ્યને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવું જોઈએ તે ચૂકવવામાં આવી રહ્યું નથી. કંપની વળતર ચૂકવવામાં મનમાની કરી રહી છે. જમીન અમારી અને વળતર પણ તેઓ પૂરેપૂરું ન આપે તે ક્યાંથી ચાલે. કોઈ સરખું વળતર ચૂકવે તો ખેડૂત તેની જમીન આપે, પરંતુ પોતાની આજીવિકા કાયમ માટે ગુમાવનાર ખેડૂત પોતાની જમીન યોગ્ય વળતર વગર તો ન જ આપે. હવે આ જ કંપની અને તંત્ર અમારા ખેતરોમાં બળજબરીપૂર્વક લાઇન પસાર કરાવવા માટે મથી રહ્યા છે. અમે આ નહીં થવા દઇએ.
આના પગલે ખેડૂતોએ ભચાઉ તાલુકાના વાઢિયા ગામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ખેડૂતોએ મોટાપાયા પર અદાણી કંપની સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કંપની દ્વારા કામ શરૂ થતાં ખેડૂતોએ તેનો વિરોધ દર્શાવીને કામ અટકાવ્યું હતું. આના પગલે સ્થાનિક પોલીસે 30થી વધુ ખેડૂતની અટકાયત કરી હતી. વાઢિયા ગામના ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે વળતરના મુદ્દે સતત વિરોધ ચાલી રહ્યો છે. આ વિરોધ ત્રણ મહિનાથી ચાલી રહ્યો છે. અદાણી કંપની ખેડૂતોને જંત્રી મુજબ વળતર ચૂકવવા માંગે છે, તેની સામે ખેડૂતો જમીનના બજારભાવ મુજબ વળતર માંગે છે. કંપની ખેડૂતોની માંગ સ્વીકારવા તૈયાર નથી અને ખેડૂતો કંપનીની વાત સ્વીકારવા તૈયાર નથી.
સ્થાનિક આગેવાનનું કહેવું છે કે જ્યારે જમીનના ઊંચા ભાવ મળતાં હોય તો પછી ખેડૂત તેની જમીનનું નીચું વળતર કઈ રીતે સહન કરે. તેમનો આક્ષેપ છે કે તંત્ર પણ જાણે તેમની સાથે ભળી ગયું છે, જો તંત્ર તેમને બજારભાવ મુજબ વળતર આપવાની ફરજ પાડે તો આવી સ્થિતિનું નિર્માણ જ ન થાય. ખેડૂતોએ આંદોલન કરવાના દહાડા જ ન આવે, પરંતુ તંત્ર અને અદાણી કુલડીનો ગોળ ભાંગે અને સહન ખેડૂતોને કરવાનું આવે તેવું તો ક્યાંથી ચાલે. આમ જ્યાં સુધી ખેડૂતોને તેમનો ભાવ નહીં મળે ત્યાં સુધી ખેડૂતોનું અદાણી સામે આંદોલન ચાલુ છે અને ચાલતુ રહેશે. અદાણી અને તંત્રને જે કરવું હોય તે કરે, પરંતુ ખેડૂતોના પેટ પર લાત મારવાનું બંધ કરે. કોઈપણ પોતાના પેટ પર લાત થોડી સહન કરી શકે. અમને અદાણીના પ્રોજેક્ટ સામે વાંધો જ નથી. પણ દર વખતે ખેડૂતોને જ કેમ લક્ષ્યાંક બનાવાય છે. આ તો જાણે તંત્રએ નક્કી કરી લીધું છે કે ખેડૂતને શાંતિથી જીવવા નહીં દેવો. કુદરત તો રૂઠી જ છે, હવે તંત્ર પણ જાણે કશું બાકી મૂકવા માંગતું નથી. આ બધા જાણે ખેડૂતની ખેતી છોડાવવા પાછળ પડી ગયા હોય તેમ લાગે છે તેવો બળાપો સ્થાનિક આગેવાને વ્યક્ત કર્યો હતો.
તેની સામે અદાણી જૂથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અદાણી એનર્જી સોલ્યુશન્સ ખેડૂતોને સરકારને વચ્ચે રાખીને જંત્રી મુજબ નક્કી થયેલા ભાવે વળતર આપી રહી છે. અમે આ માટે બધી જ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યુ છે. અત્યંત મહત્વના 765 કિલોવોટના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાને લઈને અમે સ્થાનિક સત્તામંડળનો સંપર્ક સાધ્યો છે. આ માટે સ્થાનિક સત્તામંડળે અસરગ્રસ્ત ખેડૂતોને લઈને અનેક રાઉન્ડની સુનાવણી કરી. આ સુનાવણી પછી વળતર નક્કી થયું. તેના પછી અમારી કંપનીને ત્યાંથી લાઇન પસાર કરવાની મંજૂરી મળી. અમે હાલમાં સ્થાનિક સત્તામંડળ દ્વારા નક્કી કરવામાં આવેલું વળતર ચૂકવી પણ રહ્યા છે.
હવે એક વખત બધું જ નક્કી થઈ ગયા પછી જમીનમાલિકો વધુ વળતરની માંગ કરે તે ત્યાંથી ચાલે. તેમને વધારે વળતર જોઈતું હોય તો જ્યારે અનેક રાઉન્ડ સુધી સુનાવણી ચાલી ત્યારે તેઓ ચૂપ કેમ રહ્યા હતા. તેમણે તે સમયે જ તેમનો વાંધો વિરોધ દર્શાવી દીધો હોત તો વાત આગળ વધી જ ન હોત. આ પ્રોજેક્ટ પણ ત્યાં અટકી ગયો હોત. અમે કામ જ શરૂ કર્યુ ન હોત. આખી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી ખેડૂતો પોતાની વાત પરથી ફરી રહ્યા છે. તેઓ વધુ વળતરની માંગ કરી રહ્યા છે. તેની સાથે તેઓ કાયદો અને વ્યવસ્થાના સવાલો સર્જી રહ્યા છે. ટ્રાન્સમિશન લાઇનનું કામ કરવા ગયેલી અમારી ટીમ પર હુમલાની ધમકી આપવામાં આવી રહી છે. કેટલાક બાહ્ય પરિબળો પણ આ પ્રકરણમાં ઉમેરાયા છે, તેઓ જમીન માલિકોને વધુને વધુ રકમ પડાવવા માટે ઉશ્કેરી રહ્યા છે.
તેમનો દાવો છે કે અમારી કંપની દરેક કાયદાકીય પ્રક્રિયાનું સન્માન કરે છે. કાયદા મુજબ નક્કી થયેલું વળતર ચૂકવવામાં કોઈ બાંધછોડ નહી કરે. ખેડૂતો પણ અમારા આ પ્રોજેક્ટમાં જોડાય અને વિકાસકૂચને સમર્થન આપે. તેઓને કોઈપણ વાંધો હોય તો તેઓ પણ કાયદાકીય પ્રક્રિયાનો આશરો લઈ શકે છે, પરંતુ બીજા તત્વોના ઉશ્કેરવાથી કરવામાં આવેલી કાર્યવાહીથી ખેડૂતો પોતાને જ નુકસાન કરશે. તેનું કારણ છે કે અમે આખું પગલું સ્થાનિક સત્તામંડળને જોડે લઈને તેની કેટલાય રાઉન્ડની સુનાવણીઓ પછી લીધું છે. આમ અમે ક્યાંય ચૂક કરી નથી. આ વાત ખેડૂતોએ સમજવી જોઈએ.
આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા

