મંતવ્ય ન્યૂઝે એલન ઇન્સ્ટિટ્યુટ અને આકાશ ઇન્સ્ટિટ્યુટના આખા રાજ્યમાં શાળાઓની સાથે સાંઠગાંઠના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં મતવ્ય ન્યૂઝે દર્શાવ્યું છે કે કેવી રીતે ગાંધીવૈદ્યનું સહિયારુ ચાલે તે રીતે શાળા-કોચિંગ ઇન્સ્ટિટ્યુટનો સહિયારો ધંધો ચાલે છે. શાળાઓ અને એલન તથા આકાશ ઇન્સ્ટિટ્યુટ જેવી સંસ્થાઓએ રીતસર ભેગા મળીને વાલીઓના સંતાનપ્રેમને હથિયાર બનાવીને રીતસરનો તેમને દોહવાનો ધંધો જ કર્યો છે.
આ બતાવે છે કે ગુજરાતમાં હવે લૂંટ કરવી હોય તો શસ્ત્રોની જરૂર નથી, એલન કે આકાશ જેવું ઇન્સ્ટિટ્યુટ ખોલી દો અને પછી સ્કૂલો સાથે સાંઠગાંઠ કરો. ઇન્સ્ટિટ્યુટ સ્કૂલોને વિદ્યાર્થીઓ પૂરા પાડે અને બદલામાં સ્કૂલો તેમને મળતી ફીમાંથી અમુક હિસ્સો સીધો તેમને જમા કરાવી દે. છેવટે બધો ભાર કન્યાની કેડ પર આવે તેમ આ બધા ખર્ચાનો બોજો વાલીના માથે આવે. જ્યારે કોચિંગ ઇન્સ્ટિટ્યુટ અને ખાનગી શાળા બંને લીલાલહેર કરે.
હવે સમજાય છે ને રાજ્યમાં અને દેશમાં ખાનગી સ્કૂલો બિલાડીના ટોપની જેમ કેમ ફૂટી રહી છે. તેમને ખબર છે કે તેમનું અસ્તિત્વ આ પ્રકારના ગોરખધંધાના આધારે ટકી જવાનું છે. તેમને કોઈ વાંધો આવવાનો નથી. તેમને સુરક્ષાચક્ર પૂરુ પાડનારા લોકો હાજર જ છે, બસ તેમણે કમાણી કરતાં જવાનું છે. કોચિંગ ક્લાસ દ્વારા અને ખાનગી સ્કૂલો દ્વારા સગવડોના નામે અને ઉચ્ચ શિક્ષણના નામે વસૂલાતી જંગી ફી બતાવે છે કે વિદ્યાર્થીઓને તે ‘બલિના બકરા’ સમજે છે અને માબાપને તે ‘બકરી’ સમજે છે, જેટલી દોહવાય તેટલી દોહી લો, કોણ પૂછનાર છે.
મંતવ્ય ન્યૂઝે એલન અને આકાશના કૌભાંડ બતાવ્યા એટલે કંઇ અહીં વાત પૂરી થઈ જતી નથી. આ તો હજી શરૂઆત છે. મંતવ્ય ન્યૂઝ આ દિશામાં હજી ઘણા રહસ્યોદઘાટન કરવાનું છે. એલનના સંચાલકો તો રાજસ્થાનમાં રહેલા માહેશ્વરી બ્રધર્સ છે. એટલે કદાચ તંત્રના હાથ ટૂંકા પડી શકે છે, જ્યારે આકાશના સંચાલકો હાલમાં આ કાંડ પ્રકાશમાં આવ્યા પછી ફરાર છે.
ગુજરાતના શિક્ષણ જગતમાં શું ફક્ત એલન અને આકાશ એકલદોકલ ઉદાહરણ છે, જરા પણ નહીં. ગુજરાતના શિક્ષણ જગતમાં આવી હાટડી ગલીએગલીએ ખૂલી ગઈ છે. આ બાબતથી પાછું કોઈ અજાણ નથી.
જો આમ ન હોય તો સ્કૂલે જતાં બાળકને ટ્યુશને મૂકવાની જરૂર જ કેમ પડે. શું સ્કૂલમાં મળતું શિક્ષણ તેના માટે પૂરતું નથી કે તેને આ રીતે ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં મૂકવો જોઈએ, પરંતુ વાસ્તવમાં આવું થતું નથી. સ્કૂલનું શિક્ષણ ઉપરાંત બાળકોને આ પ્રકારના કોચિંગ ક્લાસમાં મૂકવાની રીતસર ફરજ પાડવામાં આવે છે. કોચિંગમાં સારું ભણાવતો શિક્ષક પણ સ્કૂલમાં હોય ત્યારે ખરાબ ભણાવતો જોવા મળી શકે છે. તેના કારણે આ શિક્ષકો પણ ખાનગી સ્કૂલોના શિક્ષકો ન રહેતા કોચિંગ ઇન્સ્ટિટયુટના કમિશન એજન્ટ બની જાય છે. ઉપરની આવક કોને ન ગમે તે ન્યાયે કોચિંગ પ્લસ કમિશનનો આ ધંધો ચાલતો રહે છે.
તેમા પણ સ્કૂલ ખોલવા કરતાં કોચિંગ ક્લાસ ખોલવા વધુ સરળ છે. તેના માટે કોઈ ધારાધોરણ જ નથી. કોઈ ફી સરકાર સમક્ષ ભરવી પડતી નથી. કોઈ મંત્રીને ખુશ કરવા પડતા નથી. ચાર-પાંચ સારા શિક્ષકો પણ ભેગા મળીને થોડું ફંડિંગ મળે તો કોચિંગ ક્લાસ શરૂ કરી દે છે. કોચિંગ ક્લાસ શરૂ કરો ત્યારે એક ખાસ આવડત હોવી જરૂરી છે અને તે છે સપના બતાવવાની. કોચિંગ ક્લાસનું કામ જ એ છે કે માબાપને ઊંચા-ઊંચા સપના બતાવે. માબાપ પણ બિચારા સંતાનના આ સપના પૂરા થાય તે માટે કમરતોડ મહેનત કરે છે. પરસેવાની કમાણી સુદ્ધા હોમી દે છે. બસ તે સંતાનની સ્કૂલ અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની ફી ભરતાં જ રહે છે, ભરતાં જ રહે છે. પણ આ કોચિંગ ઇન્સ્ટિટ્યુટવાળા ધરાતા નથી.
તેઓ તેને એકથી બીજા કોર્સ તરફ વાળતા જ રહે છે. છેલ્લે તો તમારા સંતાનમાં કોઈ પ્રતિભા નથી તેમ કહી હાથ ખંખેરી લે છે અથવા તો સરકારી તંત્ર સડી ગયું છે તેમ તેના પર દોષનો ટાપલો નાખીને છટકી જાય છે. વાલીઓના ખિસ્સા ખાલી કરીને આ પ્રકારના ઇન્સ્ટિટ્યુટ્સના સંચાલકો કરોડો રૂપિયા ખંખેરે છે. તેઓ મોટી-મોટી આલિશાન ઇમારતો બનાવે છે. આંખોને આંજી દેતી ભવ્યતા બતાવે છે, પરંતુ આ બધુ ખોખલું છે. આ બધો તમાશો વાલીઓની પરસેવાની કમાણીથી થાય છે. બીજાના રૂપિયે તાગડધિન્ના કઈ રીતે કરી શકાય છે તે આ કોચિંગ ઇન્સ્ટિટ્યુટો બતાવે છે.
આ ઉપરાંત હવે તો ઘણી સ્કૂલો એવી શરૂ થઈ છે તેમા એડમિશન જ એ શરતે મળે છે કે જો તમે આ કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ કરશો તો જ સ્કૂલમાં તમને એડમિશન મળશે. વાસ્તવમાં કોઈ સ્કૂલ આવી શરત રાખી શકતી નથી, પણ અહીં પૂછનાર છે કોણ. આજે પરિસ્થિતિ એવી છે કે ડિસ્ટ્રિકટ એજ્યુકેશન ઓફિસર (DEO) નામની પોસ્ટ ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. અત્યાર સુધીમાં કેટલા DEOએ નિયમોનો ભંગ કરતી શાળાઓ સામે પગલાં લીધા. કોઈને આ યાદ પણ આવતું નથી. પ્રજાને પણ ખબર નથી કે આવી કોઈ પોસ્ટ પણ હોય છે. પછી આ પ્રકારની પોસ્ટ હોય તો શું કે ન પણ હોય તો શું. આ આખુ તંત્ર DEOની આંખ નીચે જ ફૂલ્યુફાલ્યું છે. આ પ્રકારના કૌભાંડો આટલી હદ સુધી વધ્યા અને મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો ત્યાં સુધી આ DEO કઈ નિંદ્રામાં ઘોરી ગયા હતા. તેઓએ આ પ્રકારની સાંઠગાંઠ સામે કોઈ કાર્યવાહી કેમ કરી ન કરી તે મોટો સવાલ છે. શું તેઓની કોઈ જવાબદારી જ બનતી નથી, છેવટે લોકો શું લોકો નેપાળની જેમ રસ્તા પર ઉતરીને બધુ ફૂંકવા માંડશે ત્યારે તંત્રની આંખ ઉઘડશે. બધુ સળગે પછી જ કાર્યવાહી કરવી તે તંત્રએ નિયમ બનાવી દીધો લાગે છે.
પછી તે લઠ્ઠાકાંડ હોય, મોરબી દુર્ઘટના હોય, હરણી બોટ દુર્ઘટના હોય, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, મનરેગા કૌભાંડ હોય અને હવે આ શાળા-કોચિંગ ક્લાસની સાંઠગાઠનું કૌભાંડ હોય. કૌભાંડ અવિરત…તે જાણે મુદ્રાલેખ બની ગયો છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
