Surat News/ સુરતનો તાપી નદી પરનો વીયર કમ કોઝવે ચાર મહિનાથી બંધ:25 વર્ષમાં ચોથીવાર નવેમ્બર મહિનામાં ઉકાઈ ડેમ 345 ફૂટની ભયજનક સપાટીએ પહોંચ્યો

છેલ્લા 25 વર્ષના આંકડાઓ જોવામાં આવે તો ઉકાઈ ડેમની સપાટી 4 વાર 345 ફૂટને પાર પહોંચી છે

Gujarat Surat

Surat News : દક્ષિણ ગુજરાત સ્થિત ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઇ ગયો છે. 1 નવેમ્બર 2025થી ડેમની સપાટી 345 ફૂટ નોંધાઈ છે, જે ભયજનક ગણાય છે. નવેમ્બર મહિનામાં 345 ફૂટથી વધુ 25 વર્ષમાં માત્ર 4 વખત જ ડેમની સપાટી રહી છે. હાલ પણ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક થઈ રહી છે. તેના પગલે જેટલું પાણી આવે છે તેટલું પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે. જેના પગલે હાલ પણ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનો વીયર કમ કોઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ છે. હાલ પણ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે.

છેલ્લા 25 વર્ષના આંકડાઓ જોવામાં આવે તો ઉકાઈ ડેમની સપાટી 4 વાર 345 ફૂટને પાર પહોંચી છે. જ્યારે 3 વાર એવુ બન્યું છે કે, સપાટી 345 ફૂટની નજીક સુધી પહોંચી છે. આ વર્ષે પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ઉકાઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં ક્યારેક ધોધમાર તો ક્યારેક છૂટોછવાયો વરસાદ પડયો હતો. જેના કારણે 1 નવેમ્બર સુધી પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ રહી છે. સામાન્ય રીતે ઓક્ટોબર મધ્ય પછી પાણીની આવક ઘટી જતી હોય છે, પરંતુ આ વર્ષે નવેમ્બર માસના આરંભ સુધી ડેમમાં પાણીનો પ્રવાહ જળવાયેલો રહ્યો છે.

ઉકાઈ ડેમમાં સતત પાણી ની આવકના પગલે છેલ્લા ચાર મહિનાથી ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે અને સુરતનો સિંગણપોર અને રાંદેરને જોડતો કોઝ વે છેલ્લા ચાર મહિનાથી ઓવર ફ્લો થઈ રહ્યો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 345 ફૂટ છે અને 22,000 થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેના પગલે જેટલું પાણી આવી રહ્યું છે તેટલું જ પાણી તાપી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે.

વર્ષ 2006 બાદ ઉકાઈ ડેમની સપાટી છેલ્લા પાંચ વર્ષમાં સતત ઊંચી જળસપાટી પર રહી છે, જે ઉપરવાસના સતત વરસાદ અને સમાન વરસાદી વિતરણનું પરિણામ છે. વર્ષ 2006માં સૌથી વધારે 346 સપાટી રહી છે. કારણ કે તે વર્ષે પૂર આવ્યું હતું. વર્ષ 2006 બાદ સપાટીને કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ થયો હોય તેવું આંકડા પરથી જોઈ શકાય છે.

ઉકાઈ ડેમમાંથી જ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને નવસારી સુધી ખેતી તેમજ પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ વર્ષે પણ પૂરતું પાણી ઉપલબ્ધ રહેતાં આવનારી સીઝનમાં સિંચાઈ માટે પાણીની અછત રહેવાની શક્યતા નથી. હાલ કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ બગાડી છે, પરંતુ ડેમનું પાણી ઉનાળાના પાક સુધી રાહત આપશે. સુરત જિલ્લામાં નર્મદા કેનાલ, ઉકાઈ કેનાલ અને મિની માઇનર પ્રોજેક્ટના માધ્યમથી પાણીનો સપ્લાય સતત સુવ્યવસ્થિત રીતે થશે એવી અપેક્ષા છે.

છેલ્લા પાંચ વર્ષથી નવેમ્બર મહિનામાં ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટથી વધુ નોંધાતી આવી છે. આ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદી પેટર્ન ભલે બદલાઈ હોય, પરંતુ ઉપરવાસ વિસ્તારમાં જળસંચય પૂરતો રહ્યો છે. દક્ષિણ ગુજરાત માટે ઉકાઈ ડેમની આ સપાટી પીવાનું પાણી, ખેતી અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે જીવનદોરીરૂપ આશીર્વાદ સમાન છે.

ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો પરથી જળસંકટ ટળી ગયું છે. આનાથી આગામી એક વર્ષથી વધુ સમય માટે સિંચાઈ અને ઔદ્યોગિક હેતુઓ માટે પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે, જે પ્રદેશના લોકો માટે સારા સમાચાર છે.તાપી નદી, જેના પર ઉકાઈ ડેમ આવેલો છે, તે સુરત શહેર ઉપરાંત 1 કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના 2,50,000 ખેડૂતોની 3,51,000 હેક્ટર ખેતીની જમીનને આ ડેમમાંથી સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં રેલ્વે ટ્રેકના થાંભલા પર યુવક ચડીને મચાવ્યો હંગામો, સફળ રેસ્ક્યુ થયું

આ પણ વાંચો: સુરતના કીમ રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો હોબાળો, મુસાફરો કીમ રેલ્વે ફાટક તેમજ ટ્રેક પર ઉતરી આવ્યા

આ પણ વાંચો: સુરતમાં ભાંગફોડિયા તત્વોનો ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ