ભારત સરકારનું આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય (MoHUA) 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતના સુરત ખાતે “સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ” નામથી એક કાર્યક્રમનું આયોજન કરશે.સુરતમાં યોજાનારા કાર્યક્રમમાં સમગ્ર દેશમાં 100 સ્માર્ટ સિટીમાં અમલમાં મૂકવામાં આવી રહેલી કેટલીક મહત્વની બાબતો પર પ્રકાશ પાડવામાં આવશે. પાંચ પેટા થીમ એટલે કે, જાહેર સ્થળોની ફરી કલ્પના કરવી, ડિજિટલ સુશાસન, ક્લાઇમેટ સ્માર્ટ શહેરો, આવિષ્કાર અને સ્માર્ટ ફાઇનાન્સ પર કેન્દ્રિત આ પરિસંવાદથી સ્માર્ટ સિટીમાંથી શીખવા મળેલા બોધપાઠોનો દેશના અન્ય શહેરોમાં અને નગરોમાં પ્રસાર કરવામાં મદદ મળી શકશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે દેશમાં સ્માર્ટ સિટીનું વહેલી તકે નિર્માણ થાય.
આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના તમામ મુખ્ય શહેરી હિતધારકો ઉપસ્થિત રહેશે જેમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ, રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, શહેરોના મ્યુનિસિપલ કમિશ્નરો, 100 સ્માર્ટ સિટીના MD,CEO, રાજ્ય સ્તરીય નોડલ એજન્સીઓ,મિશન નિદેશાલયો તેમજ તેમના અધિકારીઓ અને ટીમના સભ્યો, વ્યાવસાયિકો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, વૈશ્વિક ભાગીદારો અને નિષ્ણાતો, મીડિયા અને શિક્ષણ સંસ્થાઓના સભ્યો વગેરે સામેલ રહેશે. ‘સંપૂર્ણ સરકાર’ અભિગમ, લોકોની સહભાગીતા, આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આવિષ્કારો અને ભાવિ આકાંક્ષાઓ કે જે આઝાદીના 75મા વર્ષને યાદગાર બનાવે તેને આ કાર્યક્રમ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે
આ કાર્યક્રમ દરમિયાન MoHUA દ્વારા ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ્સ સ્પર્ધા (ISAC) 2020ના વિજેતા શહેરોનું સન્માન કરવામાં આવશે. ઇવેન્ટ પહેલાંની પ્રવૃત્તિઓ કે જે 1 થી 31 જાન્યુઆરી 2022 દરમિયાન યોજવામાં આવી હતી તેના કેટલાક વિજેતાઓનું પણ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે. ઇવેન્ટ પૂર્વેની આવી પ્રવૃત્તિઓ સુરતમાં યોજનારી આ મેગા ઇવેન્ટના પૂર્વ-સંકેતના રૂપમાં યોજવામાં આવી હતી જેમાં ઓપન ડેટા વીક, શહેરી જીઓ-સ્પેટિઅલ ડેટા સ્ટોરી ચેલેન્જ, પ્લેસ મેકિંગ મેરેથોન, ચાલવા અને સાઇકલ ચલાવવાની આઝાદી અને ક્લાઇમેટ સ્માર્ટ સિટી મૂલ્યાંકન ફ્રેમવર્ક 2.0 (CSCAF) જેવા કાર્યક્રમો સમાવેલા હતા.
સ્માર્ટ સિટી મિશન હેઠળ ₹2,05,018 કરોડના કુલ રોકાણમાંથી, ₹93,552 કરોડના મૂલ્યની પરિયોજનાઓ કેન્દ્ર અને રાજ્યના ભંડોળથી વિકસાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આજદિન સુધીમાં, આ પરિયોજનાઓમાંથી લગભગ 100%, એટલે કે ₹92,300 કરોડના મૂલ્યની પરિયોજનાઓના કામના ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી મિશનમાં ફાઇનાન્સિયલ પ્રગતિમાં પણ વેગ આવ્યો છે. 2018માં જ્યારે આ મિશનમાં કુલ ખર્ચ ₹1,000 કરોડ હતો તે વધીને ₹45,000 કરોડ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા શહેરોને રિલીઝ કરવામાં આવેલા કુલ ભંડોળમાંથી 91% ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્માર્ટ સિટી મિશન હેઠળ વિકસાવવામાં આવતી પરિયોજનાઓ બહુક્ષેત્રીય અને સ્થાનિક વસ્તીની મહત્વકાંક્ષાઓના પ્રતિબિંબરૂપ હોય છે. દેશમાં આજદિન સુધીમાં, 80 સ્માર્ટ સિટી વિકસાવવામાં આવ્યા છે અને તેમના એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)નું પરિચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મિશન હેઠળ વિકસાવવામાં આવેલા અન્ય સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે પરિચાલન થઇ રહેલા આ ICCCએ કોવિડ વ્યવસ્થાપન માટે વોરરૂમ તરીકે કામ કર્યું હતું, માહિતીના પ્રસાર, કમ્યુનિકેશનમાં સુધારો, અનુમાનિત વિશ્લેષણો અને સહાયક અસરકારક વ્યવસ્થાપન દ્વારા મહામારી સામે લડવામાં શહેરોને મદદ કરી હતી.
