Gandhinagar News/ ગાંધીનગરમાં 1000 કરોડની જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન: 10 JCB, 15 આઇવા ટ્રક, 700થી વધુ પોલીસ તહેનાત

18 સપ્ટેમ્બરને ગુરુવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે

Gujarat Gandhinagar

Gandhinagar News : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદીકિનારે સરકારી જમીન પર થયેલાં ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે આજે 18 સપ્ટેમ્બરને ગુરુવારે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે 10 JCB, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસકર્મચારીઓનો કાફલો તહેનાત કરાયો છે. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.

આજ સવારે 4 વાગ્યાથી આરએન્ડબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયાં છે એને હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન અને આરએન્ડબી તરફથી પોલીસકર્મચારી અધિકારી સાથે જોડાયેલી છે,એમ ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું. 700થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ કામગીરી માટે બંદોબસ્તમાં જોડાયા છે. 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો આ કાર્યવાહીનો હેતુ છે. આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને આ દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.

આ ડ્રાઈવમાં 150થી વધુ દબાણોને દૂર કરવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ આ દબાણકર્તાને ગેરકાયદે બાંધકામોના સંબંધમાં આધાર-પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરના રોજ આ દબાણકર્તાઓને સાત દિવસની અંદર બાંધકામના કાયદેસરતાના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ પણ ફટકારવામાં આવી હતી, જોકે નિર્ધારિત સમયમર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. શહેરી વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.

આ કામગીરી માટે 700 પોલીસકર્મચારીનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.પોલીસ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખા, દબાણ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ છે. આ ડિમોલિશન ડ્રાઈવમાં પોલીસ અને મ્યુનિસિપલ સ્ટાફ સહિત કુલ 1000 જેટલા સરકારી કર્મચારીઓ જોડાયા છે. 10 JCB અને 15 જેટલા ટ્રકની મદદ આ ગેરકાયદે દબાણોને હટાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી છે. આમ પેથાપુરમાં સંજરી પાર્ક નજીકની ગેરકાયદેસર વસાહતના ડિમોલિશનની કામગીરી નિર્વિવાદ રીતે પાર પડાઈ છે.

પેથાપુરના સંજરી પાર્ક નજીકના વર્ષો જૂના ગેરકાયદેસર કાચા-પાકા દબાણ ઉપર આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી ધરવામાં આવી રહી છે. સામાન્ય રીતે આ પ્રકારના ડિમોલેશનની કામગીરી દરમિયાન સ્થાનિકો વિરોધ પ્રદર્શન અને હોબાળો મચાવતા હોય છે. જોકે, આ દબાણો દૂર કરવાની ચાલી રહેલી કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી રહી છે, જેનું મુખ્ય કારણ ગાંધીનગર જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી અને મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા દ્વારા માઇક્રો પ્લાનિંગથી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

છેલ્લા દસેક દિવસથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ટીમ રોજે-રોજ અત્રેના દબાણકારોને રૂબરૂમાં જઈને સમજાવવામાં આવ્યા હતા. જેઓને તેમનો સર-સામાન હટાવી લેવા સતત કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. જેના ભાગરુપે આજે સવારે પોલીસ કાફલા સાથે દબાણ હટાવ ટીમ પહોચી ત્યારે સ્થાનિકોએ કોઈ જાતનો વિરોધ નોંધાવ્યો નહોતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષોથી અહીં ગેરકાયદેસર કાચા પાકા મકાનો બાંધીને અંદાજિત 1000 કરોડની જમીન ઉપર કબજો જમાવી રાખવામાં આવ્યો હતો, તેમ છતાં કોર્પોરેશન તંત્ર કે માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂઆતથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના લીધે અહીંની ગેરકાયદેસર વસાહતમાં લાઈટ કનેક્શન પણ છે. ઉપરાંત દબાણકારો પાસે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ નિકળ્યા હોવાની વિગતો સામે આવી છે. એકપણ રાજકીય પક્ષના આગેવાનો જે ચૂંટણી ટાણે વોટ માગવા જતા હતા તે પણ આજે અહીં ફરક્યા ન હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદીને મળેલી ભેટોની હરાજી આજથી થશે, તમે 1700 રૂપિયાથી બોલી પણ લગાવી શકો છો

આ પણ વાંચો:‘સહી પોષણ દેશ રોશન’ના સંકલ્પ સાથે થશે સુપોષિત ગુજરાતનું નિર્માણ…અભિયાનનો પ્રારંભ

આ પણ વાંચો:વનતારા કેસ : સુપ્રીમ કોર્ટે કહ્યું ‘જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં શું ખોટું છે’