Gujarat News: દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતનાં પ્રવાસન સ્થળો (Gujarat Diwali Tourism) અને યાત્રાધામો પર પ્રવાસીઓની ઐતિહાસિક ભીડ જોવા મળી છે. રાજ્યનાં દ્વારકા (Dwarka Temple) , નડાબેટ, અંબાજી, સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity Visitors) સહિતનાં 8 મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળોની 38 લાખથી વધુ સ્થાનિક તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. રાજ્યના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
Gujarat Diwali Tourism: દ્વારકામાં સૌથી વધુ 128.8 ટકાનો વધારો
વર્ષ 2025ના દિવાળીના 9 દિવસના સમયગાળાની સરખામણીમાં ચાલુ વર્ષે 6થી 14 નવેમ્બર, 2026 દરમિયાન આઠ મુખ્ય સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં વ્યાપક ઉછાળો નોંધાયો છે. તેમાં સૌથી વધુ વૃદ્ધિ દ્વારકા મંદિર ખાતે જોવા મળી છે. અહીં 9.95 લાખથી વધુ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે, જે 128.8 ટકા છે.
નડાબેટ ખાતે 37 હજારથી વધુ પ્રવાસીઓનો એટલે કે 54.1 ટકાનો વધારો થયો છે. જ્યારે અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે ખાતે 11.95 લાખથી વધુ પ્રવાસીઓનો એટલે કે 48.9 ટકાનો વધારો નોંધાયો છે. સોમનાથ મંદિર ખાતે પણ 9.12 લાખથી વધુ પ્રવાસીઓનો વધારો થયો છે, જે 43.9 ટકા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગિરનાર ખાતે પણ પ્રવાસીઓ વધ્યા
અન્ય પ્રવાસન સ્થળોની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5.57 લાખથી વધુ પ્રવાસીઓનો એટલે કે 32.35 ટકાનો વધારો નોંધાયો છે. ગિરનાર રોપ-વે ખાતે 48,800થી વધુ પ્રવાસીઓનો વધારો થયો છે, જે 25.3 ટકા છે. વડનગર ખાતે 62 હજારથી વધુ અને સ્મૃતિવન મેમોરિયલ, ભુજ ખાતે 25 હજારથી વધુ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
પ્રવાસન સુવિધાઓને કારણે પ્રવાસીઓનો ધસારો
રાજ્યના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રવાસન સ્થળો (Gujarat Tourist Places) અને યાત્રાધામો પર વિકસાવવામાં આવેલી અદ્યતન સુવિધાઓ તેમજ પ્રવાસીઓ માટે કરવામાં આવેલા આયોજનને કારણે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન માળખાકીય સુવિધાઓમાં સતત વધારો અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન નોંધાયેલી પ્રવાસીઓની સંખ્યાને ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ‘જય અંબે’, ‘હર હર મહાદેવ’ના નાદ સાથે નવા વર્ષની શરૂઆત: ચાર યાત્રાધામોમાં ભક્તોની ભીડ
આ પણ વાંચો: યાત્રાધામોને ગ્રીન અને વીજ સલામત ઝોન બનાવાશે, ₹100 કરોડની યોજના, દ્વારકા-સોમનાથને અગ્રતા
આ પણ વાંચો: હર્ષ સંઘવીએ ગુજરાતના પ્રવાસન સ્થળો માટે રૂ. ૨૮.૬૮ કરોડ મંજૂર કર્યા, જાણો કયા યાત્રાધામોનો થશે વિકાસ
