Tapi News : તાપીના વ્યારા તાલુકાના ખુશાલપુરા નજીક આવેલી નહેરમાંથી એક મહિલા અને તેની બે દીકરીઓના મૃતદેહ મળવાના બનાવથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જમવામાં ખીચડી બનાવવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના કારણે પત્નીએ આવેશમાં પોતાની બે દીકરીઓ સાથે નહેરમાં કૂદીને આપઘાત કર્યો હતો.
બનાવની વિગતવાર વાત કરીએ તો, વ્યારાના કપૂરા ગામ પાસેથી પસાર થતી નહેરમાં સૌથી પહેલા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવતા જાણવા મળ્યું કે આ મહિલા પોતાની 2 દીકરીઓ સાથે ઘરેથી નીકળી હતી. આજે વધુ તપાસ દરમિયાન મહિલાની એક 7 વર્ષીય દીકરી ગાયત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય 11 વર્ષીય દીકરી નિકિતાનો મૃતદેહ ઉખલદા ગામ પાસેથી પસાર થતી ઉકાઈની ડાબા કાંઠા નહેરમાંથી મળી આવ્યો હતો. આમ, ઘરેથી નીકળેલી માતા અને બંને બાળકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પતિએ રોટલા કેમ ન બનાવ્યા તેમ કહેતા પત્નીને માઠું લાગી ગયું હતું, જેના કારણે તેણે આવેશમાં આવીને પોતાની 2 દીકરીઓ સાથે નહેરમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને પરિવારજનોના નિવેદનો લઈ રહી છે. આ ઘટનાએ પારિવારિક સંબંધોમાં રહેલા તણાવ અને આવેશમાં લેવાતા પગલાંની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું અને પરિવારમાં શોક માહોલ પ્રસર્યો છે.
@ BRINDESHWARI SHAH
આ પણ વાંચો: સ્ટેટ GSTના અમદાવાદ, સુરત, વાપી અને વ્યારા દરોડા, 9.11 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો: વ્યારા તાલુકાના કસવાવ ગામમાં હોબાળો