Junagadh News/ જૂનાગઢ મનપામાં બદલીનો વિવાદ વકર્યો! ડેપ્યુટી મેયરના આક્ષેપો સામે કર્મચારીનો પલટવાર

જૂનાગઢ મનપાની Street Light Department ના કર્મચારીની બદલી મુદ્દે વિવાદ સર્જાયો છે. ડેપ્યુટી મેયરે ફરિયાદોના આધારે બદલીની માગ કરી છે, જ્યારે કર્મચારીએ અંગત વિખવાદને કારણે ખોટી ફરિયાદનો આક્ષેપ કર્યો છે.

Gujarat Top Stories Others
Street Light Department: કર્મચારીની બદલીની માગ બાદ વિપક્ષે આપી આંદોલનની ચીમકી

Junagadh News: જૂનાગઢ મહાનગરપાલિકાની (JMC) સ્ટ્રીટ લાઈટ શાખાના કાયમી (Street Light Department) કર્મચારીની બદલીના મુદ્દે રાજકીય અને વહીવટી વિવાદ ઊભો થયો છે. ડેપ્યુટી મેયર આકાશ કટારાએ કર્મચારી સામે ફરિયાદો મળતી હોવાનું જણાવી કમિશનરને સોનાપુર ખાતે બદલી કરવાની રજૂઆત કરી હતી. બીજી તરફ કર્મચારીએ આક્ષેપોને ફગાવી બદલીની માંગ પાછળ વ્યક્તિગત વિખવાદ હોવાનું જણાવ્યું છે.

ડેપ્યુટી મેયરે કમિશનરને પત્ર લખ્યો

ડેપ્યુટી મેયર આકાશ કરમણ કટારાએ (Akash Katara) 19 ઓગસ્ટ 2026ના રોજ જૂનાગઢ મનપા કમિશનરને પત્ર પાઠવ્યો હતો. પત્રમાં સ્ટ્રીટ લાઈટ શાખામાં ફરજ બજાવતા કાયમી કર્મચારી તુલસીભાઈ જુમાણી સામે અનેક ફરિયાદો મળતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મેયરના જણાવ્યા મુજબ, કર્મચારી ફરજ દરમિયાન નશાની હાલતમાં રહેતા હોવાની ફરિયાદો છે તેમજ કોર્પોરેટરો ફોન કરે ત્યારે ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ કારણોસર કર્મચારીની તાત્કાલિક અસરથી સોનાપુર ખાતે બદલી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

Street Light Department: કર્મચારીએ આક્ષેપો ફગાવ્યા

બીજી તરફ સ્ટ્રીટ લાઈટ શાખાના કર્મચારી તુલસી એન. ચુડાસમાએ (Tulsi Bhai Chudasama) ડેપ્યુટી મેયરના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ વર્ષ 1998થી ફરજ બજાવી રહ્યા છે અને દરરોજ મળતી અંદાજે 100થી 150 ફરિયાદોનો 24 કલાકમાં નિકાલ કરવાનો પ્રયાસ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9માં ગાડી કે ટીમ મોકલતા પહેલાં ડેપ્યુટી મેયરને જાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, ઇમરજન્સી અને જાહેરહિતના કામોમાં વિલંબ ન થાય તે માટે તેમણે આ સૂચનનું પાલન કરવાનો ઇનકાર કર્યો હોવાનો દાવો કર્યો છે.

‘કૌટુંબિક વિખવાદનો બદલો લેવા ફરિયાદ’

તુલસીભાઈએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ડેપ્યુટી મેયર અને તેમના પરિવાર વચ્ચેના કથિત કૌટુંબિક અથવા વ્યક્તિગત વિખવાદને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે દારૂ પીવાના અને ફોન ન ઉપાડવાના આક્ષેપોને પણ સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. પોતાની કામગીરી અને હાજરી અંગે તેમણે CCTV ફૂટેજ ચેક કરવાની પણ માગ કરી છે. સાથે જ સોનાપુરનો ઇનચાર્જ પણ તેમની પાસે જ હોવાનો દાવો કરીને બદલીની માંગ પર સવાલ ઉઠાવ્યો છે.

વિપક્ષી નેતા પણ મેદાનમાં

આ સમગ્ર મામલે જૂનાગઢ મનપાના વિપક્ષી નેતા લલિત પરસાણાએ પણ શાસક પક્ષ સામે આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, તુલસીભાઈ વર્ષોથી સારી કામગીરી કરી રહ્યા છે અને સ્ટાફમાં પણ તેમની સારી પકડ છે. પરસાણાએ આક્ષેપ કર્યો કે મનપામાં મોટા મુદ્દાઓ સામે શાસકો કાર્યવાહી કરવાની જગ્યાએ અંગત કામો ન થવાના કારણે નાના કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે.

બદલી થશે તો આંદોલનની ચીમકી

વિપક્ષી નેતા લલિત પરસાણાએ ચેતવણી આપી છે કે જો કમિશનર દ્વારા યોગ્ય તપાસ કર્યા વિના અને અન્ય કોર્પોરેટરોના અભિપ્રાય લીધા વિના કર્મચારીની બદલી કરવામાં આવશે તો વિરોધ કરવામાં આવશે. તેમણે ભાજપના નારાજ કોર્પોરેટરોને સાથે રાખીને મહાનગરપાલિકા ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. બીજી તરફ ડેપ્યુટી મેયર આકાશ કટારાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. હાલ સમગ્ર મામલે મનપા કમિશનર શું નિર્ણય લે છે અને કર્મચારીની બદલી અંગે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો: ‘પશુ પણ ન ખાય’ તેવી રોટલી! રાજકોટની આંગણવાડીના ભોજનને લઈને વાલીઓમાં રોષ

આ પણ વાંચો: જોડિયાના વાવડીમાં વીજ થાંભલા સામે સત્યાગ્રહ: ઉપવાસી મહિપતભાઈ ડાંગરની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા

આ પણ વાંચો: નાગાલેન્ડના પૂરમાં મોતને માત આપી હાથીણી જાયમોતી પહોંચી ગુજરાત, વંતારામાં થશે સારવાર