Vantara News: નાગાલેન્ડમાં આવેલા ભીષણ પૂરમાંથી બચાવવામાં આવેલી 53 વર્ષીય હાથીણી ‘જાયમોતી’ને (Elephant Joymoti) વિશેષ સારવાર માટે ગુજરાતના જામનગર સ્થિત વંતારા ખાતે લાવવામાં આવી છે. પૂરના પાણીમાં તણાઈ ગયા બાદ તેને અનેક ઇજાઓ થઈ હતી અને આંખોની સ્થિતિ પણ ખરાબ હોવાનું સામે આવ્યું હતું.
નાગાલેન્ડના પૂરમાંથી થયો હતો બચાવ
જુલાઈના બીજા સપ્તાહ દરમિયાન નાગાલેન્ડમાં આવેલા પૂર દરમિયાન (Nagaland Flood Rescue) જાયમોતી પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. બાદમાં સરકારી એજન્સીઓ અને સ્થાનિક લોકોની મદદથી તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. બચાવ બાદ તેને સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમાં ઘાવની ડ્રેસિંગ, દુખાવાની દવાઓ તેમજ મલ્ટિવિટામિન અને મિનરલ સપ્લિમેન્ટનો સમાવેશ થતો હતો.
Elephant Joymoti: અનેક ઇજાઓને કારણે વિશેષ સારવારની જરૂર
પૂરની ઘટનામાં જાયમોતીને શરીરના અનેક ભાગોમાં ઇજાઓ થઈ હતી. તેની આંખોની સ્થિતિ પણ ચિંતાજનક હોવાનું જણાવાયું છે. ઉપરાંત, તેના પાછળના ડાબા પગમાં લાંબા સમયથી ઇજા હોવાનું પણ સામે આવ્યું છે. હાથીણીની વધતી ઉંમર, ગંભીર ઇજાઓ અને અગાઉથી રહેલી ચાલવા-ફરવાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેને વધુ વિશેષ તબીબી સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી.
વંતારા પહોંચ્યા બાદ થશે સંપૂર્ણ મેડિકલ તપાસ

જામનગરના વંતારા (Vantara Jamnagar) ખાતે પહોંચ્યા બાદ જાયમોતીની સંપૂર્ણ તબીબી તપાસ કરવામાં આવશે. નિષ્ણાત પશુચિકિત્સકો તેની ઇજાઓ, આંખોની સ્થિતિ અને પગની સમસ્યાનું મૂલ્યાંકન કરીને આગળની સારવાર (Elephant Treatment) નક્કી કરશે. તેને વિશેષ તબીબી સંભાળ માટે વિમાન મારફતે હોસ્પિટલ સુધી લઈ જવાનો નિર્ણય તેની તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આસામમાં પણ વાઇલ્ડલાઇફ કેર સેન્ટરનો પ્રસ્તાવ
વંતારા દ્વારા આસામમાં ત્રણ વાઇલ્ડલાઇફ વેટરિનરી કેર સેન્ટર સ્થાપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. તેમાં હાથીઓ માટે વિશેષ સારવાર કેન્દ્રનો સમાવેશ કરવાની યોજના હોવાનું જણાવાયું છે.
શું છે વંતારા?
ગુજરાતના જામનગરમાં આવેલું વંતારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલું વન્યજીવ બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર છે. અહીં ઇજાગ્રસ્ત અને સંકટગ્રસ્ત પ્રાણીઓ માટે તબીબી સારવાર, સુરક્ષિત આશ્રય અને પુનર્વસનની સુવિધાઓ ઉપલબ્ધ છે. હવે જાયમોતીની સારવાર અને પુનર્વસન માટે વંતારાની નિષ્ણાત ટીમ દ્વારા જરૂરી તબીબી પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: રિલાયન્સ ફાઉન્ડેશને શરૂ કરી ‘વંતારા’ પહેલ, પ્રાણીઓના બચાવ, સંભાળ, સંરક્ષણ અને પુનર્વસન માટે કરવામાં આવશે કામ
આ પણ વાંચો: રથયાત્રામાં હાથીઓની દોડધામ પછી, PETA ઇન્ડિયાએ ગુજરાતને જાહેર સલામતી માટે જીવંત જેવા યાંત્રિક હાથીની ભેટ આપી
આ પણ વાંચો: રામદેવરાથી પરત ફરતા વાહનને જોરદાર ટક્કર! પાલનપુર-આબુ હાઈવે પર 12 લોકો ઈજાગ્રસ્ત
