Surat News: સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital)ના માઇક્રોબાયોલોજી વિભાગના સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લા (Dr Sumaiya Mulla) સામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ વિભાગના કામકાજ અંગે પોતાની આપવીતી રજૂ કરતાં દાવો કર્યો છે કે ડૉ. મુલ્લા વિભાગ અને સ્ટાફ સાથે પોતાની અંગત મિલકતની જેમ વર્તતા હતા. આ આક્ષેપોમાં સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital)ના સરકારી સાધનો અને કીટનો ખાનગી લેબ માટે ઉપયોગ, વિદ્યાર્થીઓ પાસેથી અંગત કામ કરાવવાથી લઈને માનસિક દબાણ અને ધમકીઓ સુધીના મુદ્દાઓ સામેલ છે. જોકે, આ તમામ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે.
ખાનગી લેબ માટે સરકારી સાધનોના ઉપયોગનો આક્ષેપ
ભૂતપૂર્વ વિદ્યાર્થીના દાવા મુજબ, ડૉ. મુલ્લા પોતાની ખાનગી લેબની કામગીરી માટે સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital)માં ઉપલબ્ધ સરકારી સાધનોનો ઉપયોગ કરતા હતા. આક્ષેપ છે કે ખાનગી લેબમાં સેમ્પલ તપાસવા માટેની કીટ ખૂટી જાય ત્યારે રાત્રિના સમયે સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital)માંથી કીટ લઈ જવામાં આવતી હતી. આ માટે રાત્રે આશરે 9 વાગ્યે ડીન પાસેથી કોલેજની ચાવી મેળવી, સુરક્ષા કર્મચારીની હાજરીમાં રૂમ ખોલીને કીટ ખાનગી લેબ સુધી પહોંચાડવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
લેપ્ટોસ્પાયરોસિસની મશીનરી ખાનગી લેબમાં લઈ જવાનો દાવો
આરોપોમાં વધુમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વરસાદની સિઝન દરમિયાન સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital)માં લેપ્ટોસ્પાયરોસિસના ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતાં મોંઘા મશીનો અને કમ્પ્યુટર સિઝન પૂર્ણ થયા બાદ ખાનગી લેબમાં લઈ જવામાં આવતા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, આ સાધનોનો ઉપયોગ ડૉ. મુલ્લાના પતિ દ્વારા કરવામાં આવતો હતો. આ અંગે સરકારી સાધનોના ઉપયોગ અને તેની મંજૂરીને લઈને પણ સવાલો ઊભા થયા છે.
કીટની ખરીદીમાં ગેરરીતિનો પણ આક્ષેપ
ડૉ. મુલ્લા સામે સરકારી ખર્ચે કીટ ખરીદવામાં પણ ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીનો દાવો છે કે તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટ સાથેના સંબંધોનો લાભ લઈને કથિત રીતે હલકી ગુણવત્તાવાળી કંપનીઓ પાસેથી કીટ ખરીદવામાં આવતી હતી. જોકે, આ ખરીદી પ્રક્રિયામાં ખરેખર કોઈ નાણાકીય ગેરરીતિ થઈ હતી કે નહીં તે અંગે સંબંધિત દસ્તાવેજો અને સત્તાવાર તપાસના આધારે જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.
PHD થીસીસ માટે વિદ્યાર્થીઓ પાસેથી સેમ્પલ કલેક્શનનો દાવો
ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ડૉ. મુલ્લા સામે વિદ્યાર્થીઓ પાસેથી અંગત શૈક્ષણિક કામ કરાવવાના પણ આક્ષેપ કર્યા છે. દાવા મુજબ, તેમની PHD થીસીસ માટે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લેપ્ટોસ્પાયરોસિસના સેમ્પલ એકત્ર કરવાનું કામ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું હતું. આક્ષેપ મુજબ, સેમ્પલ પ્રોસેસિંગનું કામ પણ વિદ્યાર્થીઓ જ કરતા હતા.
Surat Civil Hospital: બેંકના કામથી લઈને ટિકિટ સુધીના અંગત કામ કરાવ્યાનો આક્ષેપ
ભૂતપૂર્વ વિદ્યાર્થીના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય સિવાય અન્ય અંગત કામો માટે પણ મોકલવામાં આવતા હતા. આમાં બેંકના કામો કરાવવા ઉપરાંત પાર્લે પોઇન્ટ રિઝર્વેશન સેન્ટર પર ટિકિટ મેળવવા માટે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રાખવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બહારથી અથવા વિદેશથી આવતા નાણાં સ્ટાફ કે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવી બાદમાં રોકડ ઉપાડવામાં આવતી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દાવાની પણ સત્તાવાર તપાસ જરૂરી છે.
વિદ્યાર્થીઓને ધમકી અને માનસિક દબાણના આક્ષેપ
ભૂતપૂર્વ વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, વિભાગમાં વિદ્યાર્થીઓ માટે કથિત રીતે ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ નહીં કરવામાં આવે અથવા તેમનું ભવિષ્ય બગાડી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફની જાહેરમાં બેઇજ્જતી કરવાનો તેમજ નાની બાબતોને લઈને માનસિક દબાણ ઊભું કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હનુમાન ચાલીસા વગાડવા જેવી બાબતો અંગે પણ વાંધો ઉઠાવી વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વર્ષોથી ફરિયાદો છતાં કાર્યવાહી અંગે સવાલ
આ મામલે સૌથી મોટો સવાલ એ છે કે જો આક્ષેપો વર્ષોથી કરવામાં આવી રહ્યા હતા તો કાર્યવાહી કેમ ન થઈ? ભૂતપૂર્વ વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, વર્ષ 2008થી 2016 અને ત્યારબાદ પણ સંબંધિત અધિકારીઓ તથા ગાંધીનગર કક્ષાએ લેખિત ફરિયાદો કરવામાં આવી હતી. વર્ષ 2016માં તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ ડૉ. મુલ્લાને માત્ર થોડા સમય માટે જામનગર મુકવામાં આવ્યા હોવાનો દાવો છે. જોકે, પરત આવ્યા બાદ ફરિયાદ કરનારા વિદ્યાર્થીઓ સામે વધુ કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
હવે સત્તાવાર તપાસમાં સત્ય બહાર આવશે?
આ સમગ્ર મામલે હાલમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકારી સાધનોના ખાનગી ઉપયોગ, ખરીદીમાં ગેરરીતિ, વિદ્યાર્થીઓ પાસેથી અંગત કામ કરાવવાના તેમજ ધમકી અને માનસિક ત્રાસના આક્ષેપોની સત્તાવાર રીતે કેટલી પુષ્ટિ થાય છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો સરકારી હોસ્પિટલ (Surat Civil Hospital)ની સંપત્તિ, શૈક્ષણિક વ્યવસ્થા અને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. બીજી તરફ, આક્ષેપોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે, જેથી હકીકત સ્પષ્ટ થઈ શકે અને જો કોઈ ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે.
આ પણ વાંચો:7 વર્ષમાં 4 રેસિડેન્ટના આપઘાત, સુરત સિવિલમાં રેગિંગ પર ઉઠ્યા સવાલ
