Rajkot News: રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી મનપા સંચાલિત આંગણવાડીઓમાં બાળકોને (Anganwadi Food Quality) આપવામાં આવતા પૌષ્ટિક આહારની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બાળકોને કડક રોટલી અને અડધો કાચો શીરો પીરસાયો હોવાના આક્ષેપ બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Anganwadi Food Quality: રોટલી એટલી કડક કે બાળકો પરેશાન
રેલનગર વિસ્તારમાં આવેલી આશરે 20 જેટલી આંગણવાડીઓમાં (Rajkot Anganwadi) બાળકોને પીરસવામાં આવેલી રોટલીઓની ગુણવત્તા અંગે વાલીઓએ વાંધો ઉઠાવ્યો છે. આક્ષેપ મુજબ, રોટલી અત્યંત કડક હોવાથી નાના બાળકો માટે તેને ખાવું મુશ્કેલ બન્યું હતું. વાલીઓએ આ ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે બાળકો માટે આપવામાં આવતા પૌષ્ટિક આહારમાં (Child Nutrition) આવી બેદરકારી સ્વીકાર્ય નથી.
રોટલી ઉપરાંત બાળકોને આપવામાં આવેલા શીરાની ગુણવત્તા અંગે પણ ફરિયાદો સામે આવી છે. આક્ષેપ મુજબ, શીરો સંપૂર્ણ રીતે તૈયાર થયો ન હતો અને અડધો કાચો હતો. આ ઘટના સામે આવ્યા બાદ આંગણવાડી સંચાલકો અને વાલીઓમાં પણ નારાજગી જોવા મળી હતી.
નવા કોન્ટ્રાક્ટના 5 દિવસમાં જ વિવાદ
રાજકોટ શહેરમાં મનપા હસ્તક કુલ 365 આંગણવાડીઓ કાર્યરત હોવાનું જણાવવામાં આવ્યું છે. અહીં હજારો બાળકોને રોજ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. ભોજન બનાવવાનો અને સપ્લાય કરવાનો નવો કોન્ટ્રાક્ટ ‘પારસ એગ્રો’ નામની (Paras Agro) એજન્સીને આપવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, નવા કોન્ટ્રાક્ટરે કામગીરી સંભાળ્યાના માત્ર પાંચ દિવસમાં જ ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદો શરૂ થઈ છે.
બાળકોના પોષણ સામે સવાલ
આંગણવાડીઓમાં નાના બાળકો અને કુપોષણ સામે લડવા માટે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ભોજનની ગુણવત્તા ખરાબ હોવાના આક્ષેપો સામે આવ્યા બાદ બાળકોના આરોગ્ય અને પોષણ અંગે સવાલો ઊભા થયા છે. વાલીઓએ મનપા તંત્ર અને ફૂડ વિભાગને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તેમજ ભોજનના સેમ્પલની ચકાસણી કરવાની માંગ કરી છે.
વાલીઓએ આક્ષેપ કર્યો છે કે જો તપાસમાં ભોજનની ગુણવત્તામાં બેદરકારી સાબિત થાય તો જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કેટલાક વાલીઓએ ‘પારસ એગ્રો’નો કોન્ટ્રાક્ટ રદ કરવાની પણ માંગ કરી છે. હાલ સમગ્ર મામલે મનપા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને ભોજનની ગુણવત્તા અંગે તપાસમાં શું સામે આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: રાજકોટની આંગણવાડીઓમાં અનાજનો અભાવ : 25 હજાર સગર્ભા મહિલાઓ મુશ્કેલીમાં
આ પણ વાંચો: નાગાલેન્ડના પૂરમાં મોતને માત આપી હાથીણી જાયમોતી પહોંચી ગુજરાત, વંતારામાં થશે સારવાર
આ પણ વાંચો: જોડિયાના વાવડીમાં વીજ થાંભલા સામે સત્યાગ્રહ: ઉપવાસી મહિપતભાઈ ડાંગરની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા
