Gujarat News : ચોમાસુ પુરૂ થવા છતા ગુજરાતમાંથી વરસાદ વિદાય થવાનું નામ લેતો નથી. ઉપરાંત ઓક્ટોબરમાં અંગ દઝાડતી ગરમી અને વરસાદ સાથે પડી રહ્યો છે. જેને પગલે શિયાળો ક્યારે શરૂ થશે તે નક્કી થતું નથી. દેશમાં 14 ઓક્ટોબરે નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે. તેમછતાં વરસાદ પણ ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક ઠેકાણે અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ છે. રાજ્યમાં એકબાજુ વરસાદ પડી રહ્યો છે, તો બીજી બાજુ ગરમી પડી રહી છે. આમ થવા પાછળ લા નીનોની અસર જવાબદાર છે. ત્યારે સંભવતઃ આવતા મહિને ફૂલ ગુલાબી ઠંડી પડી શકે છે.
ગુજરાતમાંથી ચોમાસુ કે ઉનાળો જવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે આ પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે અલી નીનો અસરોને કારણે વહેલા વિદાય લીધી હતી અને શિયાળાની શરૂઆત પણ ઓક્ટોબર મહિનાથી જ થઈ ગઈ હતી. પરંતુ આ વર્ષે લા નીનાની અસરને કારણે ચોમાસું સામાન્ય કરતાં લાંબુ ચાલ્યું છે અને હજુ સુધી પણ અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો હોવાથી તાપમાન અને બફારાનું પ્રમાણ પણ વધુ રહેવાથી ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ હજુ પણ 5 નવેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ધીમેધીમે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થશે, પરંતુ હજુ પણ ઓક્ટોબર મહિનાના અંત સુધી ગુજરાત રાજ્યની પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે.
ગ્લોબલ વોર્મિંગ અને અન્ય કેટલાક વૈજ્ઞાનિક કારણોને પગલે વરસાદ પડી રહ્યો છે અને ગરમી પણ પડી રહી છે. ગુજરાતમાં અડધા ઓક્ટોબરથી ઠંડકનો અહેસાસ થાય છે, જોકે, આ વર્ષે મોટાભાગના જિલ્લાઓમાં 35 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. સામાન્ય રીતે આપણા દેશમાં 12 મહિનામાં દર ચાર મહિને 3 ઋતુનો અનુભવ થાય છે. જોકે, પશ્ચિમી દેશોની માફક દેશમાં પણ ગમે ત્યારે વરસાદ તો ગમે ત્યારે તાપમાનમાં વધારો થઈ જાય છે. ભારતની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ત્રણ ઋતુઓનું વારાફરતી અનુભવ થવો તે દરેક ક્ષેત્ર માટે અનિવાર્ય છે, પરંતુ જ્યાં ઓક્ટોબરમાં ઠંડીની શરૂઆત થવાની હોય, તેના બદલે હજુ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક જિલ્લામાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
2024માં ગુજરાતમાં કેટલાક જિલ્લાઓના મહત્તમ તાપમાને પાછલા કેટલાક વર્ષોના રેકોર્ડ તોડ્યા છે, ત્યારે આ વર્ષે ચોમાસું પણ સામાન્ય કરતાં ઘણું લાંબુ ચાલ્યું છે તથા હજુ પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યા છે. જેને કારણે ખેતરમાં પાકને તો નુકસાન થયા જ છે, તેની સાથે સાથે રાજ્યમાં રહેવાસીઓના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસરો થઈ છે. જ્યાં ઓક્ટોબર મહિનાના પ્રથમ પખવાડિયા બાદ ઠંડીની શરૂઆત થઈ જવી જોઈએ, ત્યાં હજુ પણ 37 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે તથા વરસાદ અને ગરમીને કારણે બેવડી ઋતુનો અનુભવ થતાં સ્વાસ્થ્ય ઉપર તેની મોટી અસરો પડી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં શિયાળાની શરૂઆતના કોઈ એંધાણ જણાઈ રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, નૈઋત્યના ચોમાસાની વિદાય 5 ઓક્ટોબર સુધીમાં થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે સામાન્ય કરતાં દસ દિવસ વધુ ચોમાસુ ચાલ્યું હતું. હવામાન વિભાગ અનુસાર દેશભરમાંથી 14 ઓક્ટોબરે નૈઋત્યના ચોમાસા એ વિદાય લીધી હતી, પરંતુ તેમ છતાં હજુ પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન દિવસને દિવસે વધી રહ્યું છે. એટલે કે વર્ષ 2024માં શિયાળો, ઉનાળો, ચોમાસુ અને ફરી એક વખત ઉનાળાની શરૂઆત થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગત વર્ષની સરખામણીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધુ નોંધાયું છે. અમદાવાદ શહેરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મહત્તમ તાપમાન વધુ રહેતા આ વર્ષનો ઓક્ટોબર મહિનો ગરમ રહ્યો છે.